દોષિતોને રહેમરાહની રજૂઆત માટે આપવામાં આવી તક: આજે જ દોષિતોને વકીલ મળીને દયાની અરજ સાંભળશે
અબતક,રાજકોટ
અમદાવાદમાં ઇન્ડિયન મુઝાહુદીન દ્વારા ગત તા.26 જુલાઇ 2008ના રોજ એક સાથે 20 સ્થળે 21 બોમ્બ બ્લાસ્ટ કરતા 56 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ ઘવાયા હતા. આ ત્રાસવાદી હુમલાના ગુનામાં સંડોવાયેલા 49 શખ્સોને સ્પેશ્યલ અદાલતે દોષિત જાહેર કર્યા હતા અને 28 શખ્સોને નિર્દોષ છુટકારો કરાયા બાદ દોષિતોને આજે સજા સાંભળવાની હતી પરંતુ બચાવ પક્ષ દ્વારા રહેમની તક આપવા ત્રણ સપ્તાહનો સમય માગતા અદાલતે બે દિવસનો સમય આપી દોષિતોને કેટલી સજા તે અંગેનો ચુકાદો તા.11 ફેબ્રુઆરી સુધી મોકુફ રાખવામાં આવ્યો છે.
અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની તપાસ એટીએસને સોપવામાં આવતા એટીએસ દ્વારા અનલોફુલ એક્ટિવીટીઝ એકટ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, પબ્લીક પ્રોપર્ટી એકટની અલગ અલગ કલમ, હત્યા, હત્યાની કોશિષ, જાહેર માલ મિલકતને નુકસાન કરવું, પૂર્વ યોજીત કાવતરૂ કરવું, કોમી ઉશ્કેરણીજનક ભાષણ કરવા અને દેશ સામે યુધ્ધ કરવા તેમજ રાજદ્રોહ હેઠળ ગુના નોંધી 49 શખ્સોને દોષિત જાહેર કરાયા છે. 28 શખ્સોને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ત્રણ આંતકવાદીઓના એન્કાઉન્ટર થયા છે. અને 12 શખ્સોને ભાગેડુ જાહેર કરાયા છે.
બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા શખ્સોને દેશના સાત રાજયની અલગ અલગ જેલ હવાલે કરાયા હતા તે પૈકીના અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા શખ્સોએ બેરક નંબર 4માં સુરંગ ખોદી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના 2012માં બનતા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.
બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા 49 શખ્સોને ગઇકાલે સ્પેશ્યલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવી સજા આજે સંભળાવવાની હતી પરંતુ બચાવ પક્ષ દ્વારા દોષિતોને રહેમ સાંભળવાની તક અંગે માગણી કરી ત્રણ સપ્તાહ સુધીનો સમય માગ્યો હતો પરંતુ અદાલતે બે દિવસનો સમય આપી જેલમાં રહેલા દોષિતોની રહેમ સાંળવા હુકમ કરી તા.11 ફેબ્રુઆરી સુધી ચુકાદો મોકુફ રાખ્યો છે.