કચ્છના ભચાઉમાં 2 અને રાપર, ખાવડા, બેલા અને ધોળાવીરામાં એક-એક આંચકો અનુભવાયો
કચ્છનો ભુકંપ આપણને યાદ છે. કચ્છ ઝોનમાં અવારનવાર ભુકંપ આવતા રહે છે. લોકોમાં હવે તો જનજાગૃતિ આવી ગઇ છે. તેથી બચાવ કામગીરી ઝડપી બની છે. છેલ્લા 24 કલાકમાં કચ્છની ધરા છ વાર ધણધણી છે. ત્યારે લોકોમાં પણ ભારે ફફડાટનો માહોલ ફેલાયો છે. કચ્છના ભચાઉમાં 2 અને રાપર, ખાવડા, બેલા અને ધોળાવીરામાં એક-એક આંચકો અનુભવાયો હતો.
સીસ્મોલોજી વિભાગના જણાવ્યાનુસાર ગઇકાલે સાંજે 7:30 વાગ્યે કચ્છના રાપરથી 13 કિલોમીટર દૂર 1.9ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 14.2 કિલોમીટર હતી. ત્યારબાદ 9:37 વાગ્યે કચ્છના ભચાઉથી 15 કિલોમીટર દૂર 15.3ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 22.3 કિલોમીટરની હતી. ત્યારબાદ મોડી રાતે 11.50 વાગ્યે કચ્છના ખાવડાથી 42 કિલોમીટર દૂર 2ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 21.4 કિલોમીટરની હતી.
મોડી રાતે 1.12 વાગ્યે કચ્છના બેલાથી 10 કિલોમીટર દૂર 1.7ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 23.02 કિલોમીટરની હતી. ત્યારબાદ આજે વહેલી સવારે 4.56 વાગ્યે કચ્છના ભચાઉથી 19 કિલોમીટર દૂર 1.3ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 16.7 કિલોમીટરની હતી. વહેલી સવારે આજે 6.45 વાગ્યે કચ્છના ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે 1.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 10.6 કિલોમીટરની હતી. છેલ્લા અઠવાડીયાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ અનેક ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, હવામાન શાસ્ત્રીઓની દ્રષ્ટિએ 3.5 સુધીની તીવ્રતા ધરાવતા ભુકં5નું કોઇ મહત્વ હોતું નથી. કેમ કે દુનિયાભરમાં દરરોજ 500થી લઇ 1000 સુધીના બે થી 2.5ની તીવ્રતાના આંચકા આવતા હોય છે. આવા આંચકા સામાન્ય હોય છે. આવા આંચકાઓથી કોઇ જાનહાનીના સમાચાર આજદીન સુધી પ્રાપ્ત થયા નથી. આવા આંચકાઓનું કોઇ મહત્વ નથી. અને લોકોએ ગભરાવવાની કોઇ જરૂર નથી.
ઠંડી અને ભુકંપને શું લાગે વળગે?
શિયાળાની ઋતુમાં દર વર્ષે વધુ પ્રમાણમાં આંચકાઓ અનુભવાતા હોય છે. જો કે, શિયાળામાં ઠંડી વધવાની સાથે આંચકાઓ કેમ વધે છે. તે સવાલ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર પંથક અને તાલાલા પંથકમાં છેલ્લા વર્ષોમાં ઘણા બધા આંચકાઓ આવ્યા છે. તેનું મુખ્ય કારણ ગીર પંથકના પેટાળમાં કાળમીંઢ પથ્થરો અને ખડકો હોવાનું અગાઉના સમયમાં સામે આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભમાં ઉતરતું પાણી હવે શિયાળામાં ઠંડા પવન ફૂંકાવાની સાથે ખેડૂતો પિયત માટે પાણીનો વપરાશ કરે છે. જેથી ભુગર્ભ જળ ઓછું થવા લાગે છે. જેને લઇ ખડકોના ઘસારાથી થતી હિલચાલને કારણે હળવાથી મધ્યમ આંચકાઓ અનુભવાતા હોય છે. ચોમાસા બાદ શિયાળો શરૂ થતાં પાણીનો વપરાશ વધે છે જેથી જમીનની અંદર રહેલી પ્લેટો જગ્યા બનાવે છે જેથી લઇને પ્લેટોનું હલનચલન થાય છે અને આંચકાઓનું પ્રમાણ વધે છે.