મહિલા સહિત પાંચ શખ્સો હથિયારો વડે પરિવાર પર તૂટી પડ્યા: પાંચ ઘાયલ
અબતક, રાજકોટ
રાપર તાલુકાના લખાગઢ ગામે અગાઉ પરિણિતાએ કરેલા આપઘાતનો બદલો લેવા તેના માતા-પિતા સહિત પાંચ શખ્સોએ હથિયાર વડે પરિવાર પર હુમલો કરતા પ્રૌઢની લોથ ઢળી હતી. જ્યારે અન્ય પાંચ લોકો ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં રાપર પોલીસ મથકનો કાફલો તાબડતોડ દોડી ગયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાપરમાં પલાસવામાં રહેતા ચેતનભાઇ દલપતભાઇ સોલંકી (ઉં.વ.22)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.7મી ફેબ્રુઆરીના રોજ પોતે પરિવાર સાથે લખાગઢ ગામે લગ્નમાં ગયેલ હોય તે દરમિયાન અગાઉ ફરિયાદીના કુટુંબી ભાઇ અરવિંદના આરોપી સામતા પરમારની પુત્રી દેવલબેન સાથે લગ્ન થયા હતા. જેમાં કોઇ અગમ્ય કારણોસર દેવલબેને આપઘાત કર્યો હતો.
લખાગઢ ગામમાં ચેતન સોલંકી સહિતના પરિવારજનો લગ્નમાં હાજકરી આપ્યા બાદ ગયા ત્યારે આરોપી સામતા પરમારે ફરિયાદીની કાર આંતરી કાચમાં તોડફોડ કરીને હથિયારો વડે હુમલો કરતા ચેતન સોલંકી ત્યાંથી જાન બચાવી ભાગ્યા હતા. તે દરમિયાન આ બાબતે ફરિયાદીને પિતા દલપતભાઈ સોલંકી સહિતના લોકો આરોપી સામતા પરમારને સમજાવા જતા તમામ આરોપી અગાઉથી મંડળી રચી તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.
આ આપઘાતનો બદલો લેવા માટે લખાગઢ ગામે લગ્નમાં પહોંચેલા ચેતનભાઇ સોલંકી સહિતના પરિવારજનો પર મરણજનાર દેવલબેનના પિતા સામતા રણમલ પરમાર, તેની માતા પુનીબેન પરમાર, ભાઇ નરસી પરમાર, દલા પરમાર અને ગૌતમ પરમારએ છરી અને ધારીયા વડે એક સંપ કરીને હુમલો કર્યો હતો. જેમાં દલપતભાઇ સોલંકી, દિલીપભાઇ, ફકીરભાઇ, ખાનાભાઇ અને અરવિંદભાઇ પર ધારીયા અને છરી વડે તમામ આરોપીઓ તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા પાંચેય વ્યક્તિઓને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા દલપતભાઇ સોલંકીને ફરજ પરના તબિબએ મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે ઘટનાની જાણ થતાં રાપર પોલીસ મથકનો કાફલો તુરંત હોસ્પિટલ દોડી ગયો હતો. ચેતન સોલંકીની ફરિયાદ પરથી પોલીસે સામતા પરમાર સહિત પાંચ શખ્સો સામે હત્યા તથા હત્યાની કોશિષ સહિતની કલમો ઉમેરી પાંચેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.