16મી જાન્યુઆરી-2021 થી રસીકરણનો પ્રારંભ થયોહતો: ગુજરાતને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ
અબતક-રાજકોટ
ગુજરાતે વેક્સીનેશનમાં આજે સવારે 10:10 મિનિટે 10 કરોડ ડોઝની સિદ્વી હાંસીલ કરીને દેશભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. 16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના સામે કવચ મેળવવા માટે વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ ગુજરાતમાં 10 કરોડ વેક્સીનના ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઇ છે. જેના માટે રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણની 10 કરોડ ડોઝની સિદ્વી સંદર્ભે 10:10 વાગ્યે અમદાવાદના શનાથલ ગામમાં “હર ઘર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો છે. રાજ્યભરમાં પ્રતિ 10 લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યમાં ગુજરાત અગ્રેસર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતભરમાં 16મી જાન્યુઆરીથી કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જ્યારે 3જી જાન્યુઆરી-2022થી તરૂણોને રસીકરણનો લાભ આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યએ 10 કરોડ ડોઝનો આંક આંબીને દેશભરમાં રસીકરણની શ્રેષ્ઠ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.