ફરી સ્કૂલો શરૂ થતાં શાળામાં એક વિક ઓનલાઇન ભણાવાયેલાનું રિવિઝન અને ત્યારબાદ પરીક્ષાની તૈયારી કરાવાશે: આગામી સપ્તાહથી વિદ્યાર્થીની સંખ્યા વધીને 70 ટકા ઉપર થઇ જશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
અબતક-રાજકોટ
જાન્યુઆરીમાં કોરોનાના કેસ સતત વધતાં રાજકોટ સહિત રાજ્યભરમાં ધો.1 થી 9ની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. એક મહિનો શાળાઓ બંધ રહ્યા બાદ ગઇકાલથી ફરી શાળાઓ શરૂ થઇ હતી. જો કે, શાળાઓ ચાલુ બંધ થવાથી સૌથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષણને ખૂબ જ નુકશાન થઇ રહ્યું છે અને હવે એવી સ્થિતિ પેદા થઇ છે કે કોરોનાને કારણે સ્કૂલો ચાલુ-બંધ થવાથી વિદ્યાર્થીઓ ધ્યાન ભંગ પણ થઇ રહી છે તેની ઘણીબધી માઠી અસરો આવનારા દિવસોમાં પડે તેવું લાગી રહ્યું છે. હવે શું કોરોનાએ ચોપટ કરેલું ભણતર વિદ્યાર્થીઓની તેજસ્વીતાની કસોટી કરશે?
રાજ્યની ધો.1 થી 9ની સ્કૂલોમાં ગઇકાલથી ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત બાદ હજુ આજે પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. શિક્ષણ વિભાગના આંકડા અનુસાર અંદાજે 30 ટકા જેટલા વિદ્યાર્થીઓ સ્કુલો આવ્યા હતા. જો કે રાજ્યની અનેક સ્કૂલોના આંકડા રાજ્ય સરકાર સમક્ષ પહોંચ્યા ન હોય, સરેરાશ 20 ટકા જેટલી હાજરી નોંધાઇ હોય એવું સામે આવ્યું છે.
કોરોનાને કારણે શિક્ષણ જગત પર જે માઠી અસર થઇ છે અને વિદ્યાર્થીઓનું સ્કૂલો ચાલુ-બંધ થતાં જે હાલ થયા છે તે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગશને જણાવ્યું હતું કે કોરોનાને લીધે અગાઉ શાળા બંધ કરી, પછી ફરી શરૂ કરી, જાન્યુઆરીમાં ફરી બંધ કરી, હવે ગઇકાલથી ફરી શરૂ થઇ આમ શાળાઓ ચાલુ-બંધ કરવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થશે જેને મનોવિજ્ઞાનની ભાષામાં પ્રતિસમતુલીન કહે છે. ઓનલાઇન અને ઓફલાઇન બંને શિક્ષણની પધ્ધતિ અલગ-અલગ હોય છે. ઓનલાઇન શિક્ષણથી હવે બાળકો કંટાળ્યા છે. ઓફલાઇન શિક્ષણ હજુ સેટ થયું ન હતું ત્યાં હજુ બંધ થઇ ગયું હતું.
આવી પરિસ્થિતિમાં બાળક ફોક્સ કરી શકતું નથી. જેને કારણે શિક્ષણ અને વિદ્યાર્થી બંનેના વિકાસમાં અવરોધ ઉભો થાય છે. જેની માઠી અસર આવનારી પરિક્ષા ઉપર પણ પડી શકે છે. બે વર્ષથી બાળકો સાચુ શિક્ષણ જાણે ભૂલી જ ગયા છે. આવી સ્થિતિમાં જ્યારે જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ છે ત્યારે શિક્ષકોએ બાળકોને નવેસરથી ઘડવા પડે છે. આગામી 10મી ફેબ્રુઆરીથી ધો.9 થી 12ની દ્વિતીય કસોટીનો પ્રારંભ થઇ રહ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓની તેજસ્વીતાની પણ ખરેખર કસોટી થાય તેવું લાગી રહ્યું છે.
ધો.9 થી 12ની દ્વિતીય કસોટીનો 10મીથી પ્રારંભ
ગુજરાત માધ્યમિક શિક્ષણ દ્વારા ધો.9 થી 12ની દ્વિતીય કસોટીનો આગામી 10મી ફેબ્રુઆરીથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અને આ પરીક્ષા શાળા કક્ષાએ ઓફલાઇન લેવાનો જ આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે બોર્ડે પરિપત્ર જારી કરી જણાવ્યું હતું કે ધો.9 થી 12ની આ પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થીને કોરોના થાય, તેના કુટુંબમાં કોઇ બિમાર હોય, વિદ્યાર્થી ક્ધટેન્ટમેન્ટ ઝોનમાંથી આવતો હોય તો તેમના માટે અલગ તારીખ નક્કી કરીને પરીક્ષા લેવાની રહેશે.