ઇ- વ્હીકલ માટે વર્ષ 2022 અતિ મહત્વનું છે. પેટ્રોલ- ડિઝલ માત્ર પ્રજા માટે ભારણ નથી. દેશના અર્થતંત્ર ઉપર પણ મોટું ભારણ છે. માટે તેનો શ્રેષ્ઠ વિકલ્પ ઇ-વ્હીકલ છે. આ માટે સરકાર તમામ દિશાઓમાં સતત પ્રયત્નશીલ દેખાઈ રહી છે.
હરિયાણાના ગુડગાંવ સેક્ટર-52માં 96 ચાર્જિંગ પોઈન્ટ ધરાવતું દેશનું સૌથી પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન તો શરૂઆત છે. આ દેશભરમાં નેશનલ હાઈવે પર બનનારા ઈવી ચાર્જિંગ સ્ટેશનનું મોડલ છે. આવા જ એક-એક સ્ટેશન આ વર્ષે જયપુર અને આગ્રામાં બનશે. એટલું જ નહીં, દિલ્હી-જયપુર સુધી 280 કિ.મી.ના હાઈવે પર કુલ દસ ચાર્જિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીથી આગ્રા સુધી પણ આઠ સ્ટેશન બનશે. નેશનલ હાઈવે ફોર ઈલેક્ટ્રિકલ વ્હિકલના પ્રોજેક્ટ ડિરેક્ટર અભિજિત સિંહા કહે છે કે, દિલ્હી, જયપુર, આગ્રા વગેરે હાઈવે પર ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ 2023માં પૂરું થશે.
તેના માટે નવ હાઈવે પસંદ કરાયા છે. તેમાં મુંબઈ-પૂણે, મુંબઈ-સુરત, અમદાવાદ-વડોદરા, બેંગલુરુ-મૈસુરુ, બેંગલુરુ-ચેન્નઈ, ઈસ્ટર્ન પેરીફેરલ, આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે, આગ્રા-દિલ્હી હાઈવે અને હેદરાબાદ આઉટર રિંગ રોડ એક્સપ્રેસ વે સામેલ છે. ત્યાર પછીના તબક્કામાં દેશના નવ મોટા શહેર મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા અને પૂણેને જોડતા પાંચ-પાંચ હાઈવે ઈલેક્ટ્રિક હાઈવેમાં તબદીલ કરાશે.
ખાસ વાત એ છે કે, જયપુર, દિલ્હી, આગ્રામાં બનનારા સ્ટેશન પર 75-75 પોઈન્ટ હશે. એટલે કે, એકસાથે 75 વાહનની બેટરી ચાર્જ કરી શકાશે. જોકે, અન્ય સ્ટેશનો પર 20-20 પોઈન્ટ હશે. બંને હાઈવે પર એક-એક ચાર્જિંગ સ્ટેશન સોલર આધારિત હશે. તમામ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન હશે, જેમાં ફક્ત દોઢ કલાકમાં બેટરી ફૂલ ચાર્જ થઈ જશે. આ કામ ચાલુ વર્ષે જ પૂરું કરવાનું લક્ષ્ય છે.
ઈ-હાઈવે પર આવવા-જવા માટે ત્રણ પ્રકારના વાહન ઉપલબ્ધ હશે. પહેલું- ઈ-બસ, જેમાં એપ થકી સીટ બુક કરાવી શકાશે. બીજું-બ્લુ સ્માર્ટ, ઓલા, ઉબર, લિથિયમ અર્બન કે ટ્રિપલ ઈ-ટેક્સી જેવી કંપનીઓની રાઈડ પણ બુક થઈ શકશે. તમે ડ્રાઈવર સહિત કે વિના ડ્રાઈવરની ઈ-કાર પણ ભાડે લઈ શકશો. ત્રીજું- પોતાની ઈ-કારમાં પ્રવાસ કરી શકશો. જો કાર ક્યાંક દસ મિનિટ અટકશે, તો કંટ્રોલ રૂમમાંથી તુરંત ફોન કરીને પૂછાશે કે, કોઈ મુશ્કેલી તો નથી ને?