સિન્ડીકેટ સભ્ય, સાયન્સ ફેકલ્ટીના ડીન, આંકડાશાસ્ત્ર ભવનના હેડ ડો.ગીરીશ ભીમાણી બન્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ: વિધીવત રીતે આજે ચાર્જ સંભાળ્યો
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.ગીરીશ ભીમાણીની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ 15 વર્ષથી ભાજપના સિન્ડીકેટ સભ્ય, સાયન્સ ફેકલ્ટીના ડીન અને આંકડાશાસ્ત્ર ભવનના હેડ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ નક્કી કરવા માટેની સર્ચ કમિટીની 31મી જાન્યુઆરીએ છેલ્લી બેઠક અંતિમ ઘડીએ પડીભાંગતા કાયમી કુલપતિ તરીકે રવિવાર સુધી કોઇ જ નવું નામ ન આવતા રાજ્ય સરકાર દ્વારા હાલ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.ગીરીશ ભીમાણીની નિમણૂંક કરી છે. આજે સવારે 11:00 વાગ્યે ભીમાણીએ કુલપતિ તરીકેનો વિધીરત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
ચાર્જ સંભાળતાની સાથે જ ડો.ગીરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારૂં પહેલું કામ વિદ્યાર્થીના વિકાસનું જ હશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેવા મારા સંપૂર્ણ પ્રયાસો રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ પરના તમામ ભવનો અને અન્ય વિભાગો સંપૂર્ણપણે ઓટોનોમી એટલે કે સ્વતંત્ર બને તેવા મારા પ્રયાસો રહેશે અને વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાય અને ઉચ્ચ કારકિર્દી હાંસલ કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વિશ્ર્વભરમાં ગુંજતું કરે તેવા મારા પ્રયત્નો રહેશે.
ઉલ્લેખનીય છે કે 06 ફેબ્રુઆરી-2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ પેથાણી અને ઉપકુલપતિ દેસાણીનો કાર્યકાર સંપન્ન થયો હતો. તેઓનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા નવા ઇન્ચાર્જ વી.સી. તરીકે બપોરે જ ફેક્સ ઉતારી દેવામાં આવ્યો હતો અને આ ફેક્સમાં નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.ગીરીશ ભીમાણીની નિમણૂંક કરવામાં આવી હતી. રવિવારે બપોરે પેથાણી અને દેસાણીએ નવા ઇન્ચાર્જ વી.સી. તરીકે ડો.ગીરીશ ભીમાણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તમામ સિન્ડીકેટ સભ્યો અને ભવનોના વડા કર્મચારીઓએ પણ ભીમાણીને લાખેણી શુભેચ્છાઓ પાઠવી હતી. આજે સવારે 11 કલાકે ડો.ગીરીશ ભીમાણીએ ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ વિધીવત રીતે સંભાળ્યો હતો.