હાઇડ્રોપોનિક ખેતીનું ઉજ્જવળ ભવિષ્ય પારખતા રાજકોટના રસિકભાઇ નકુમ
અબતક,રાજકોટ
રાજયસરકારની સ્ટાર્ટ અપ પોલિસી માટે પ્રેરણારૂપ બનનાર રાજકોટના રસિકભાઇ નકુમે હાઇડ્રોપોનિક ખેતી માટે નવલા પ્રયોગો હાથ ધરી બિલ્કુલ નજીવા ખર્ચે જમીન અને દવા વગર સાવ ઓછા પાણીથી પૌષ્ટિક કૃષિ પેદાશો મેળવી છે, અને આવનારા સમયને અનુરૂપ ખેતીના નવા ખ્યાલને સાકાર કરી બતાવ્યો છે.
હાઇડ્રોપોનિક ખેતી માટે રાજકોટના રહેવાસી રસિકભાઇ નકુમે આકરી સફર વેઠી છે. એમ.એસ.સી.-બી.એડની ડીગ્રી અને ઝળહળતી શૈક્ષણિક કારકીર્દિનો ત્યાગ કરી આઠ-આઠ દિવસો ભૂખ્યા વીતાવ્યા હોવા છતાં હિંમત ન હારનાર અને ડિગ્રીલક્ષી નોકરી કરી માત્ર સ્વયંનું જ વિચારવાને બદલે પોતાના કૌશલ્યનો ઉપયોગ સમાજ માટે કરવાના આશયથી રસિકભાઇએ રાજકોટના મેટોડાથી હાઈડ્રોપોનિક ખેતીનું નવુ બીજ રોપ્યું હતું, હાલમાં તેમને બહુચર સાગર ટ્રસ્ટના કૌશિકભાઈ અકબરી તમામ પ્રકારની મદદ કરી રહયા છે, જેને પરિણામે આ હાઈડ્રોપોનિક ખેતીનું મોડેલ શહેરના રાધાનગર વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.
હાઈડ્રોપોનિક ખેતી એટલે શું? તેનો ઉદભવ ક્યાંથી થયો? તેનો વિચાર રસિકભાઈને કેમ આવ્યો ? આ તમામ પ્રશ્નોના જવાબ આપતાં રસિકભાઇ જણાવે છે-મારા સગાના માત્ર છ માસના બાળકનું મૃત્યુ ગાયનું જંતુનાશક દવાવાળું દૂધ પીવાથી થયું, ત્યારે મને આંચકો લાગ્યો હતો. એ જ અરસામાં હાઇડ્રોપોનિક ખેતી અંગે મેં એક આર્ટીકલ વાંચ્યો, જેમાંથી મને મારા વિચારોને મૂર્તિમંત કરવાની દિશા મળી ગઇ. પછી તો મેં આ બાબતે ખૂબ રીસર્ચ કર્યું. ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી. અને હાઈડ્રોપોનિક ખેતી અપનાવવા માટે ભેખ લેવાનો નિર્ધાર કરી મારી હેન્ડસમ સેલેરીવાળી નોકરીનો ત્યાગ કરી હાઈડ્રોપોનિક ખેતીના ક્ષેત્રમાં પગરણ માંડયા. માત્ર અને માત્ર સમાજનું સ્વાસ્થ્ય, આત્મસંતોષ, કંઈક અન્ય ને આપવાની ઇચ્છા, ભવિષ્યના યુવાનનું ઘડતર… આ બધાનું મિશ્રણ એ જ આપણો જવાબ હાઈડ્રોપોનિક ખેતી.