જીરૂના ઉત્પાદનમાં અંદાજે સાત હજાર લીટર પાણીનો થતો વપરાશ
ડેન્માર્ક દેશમાં થોડા વર્ષો પહેલા યોજાયેલ એક મસાલા પાકની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપણાં ભારતદેશ તરફથી સમગ્ર વિશ્વના વૈજ્ઞાનીકો સામે ભારતમાં થતાં મરી-મસાલા પાકોના ઉત્પાદનમાં ભારતના ફાળા વિશે ચિતાર રજુ કરતો હતો.
Seed Spices કેટેગરીમાં ભારત સમગ્ર વિશ્વમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં પ્રથમ નંબરે છે. દુનિયાભરના કૃષિની બાબતોના વૈચારીક શ્રેષ્ઠીઓ દ્વારા ખીચોખીચ ભરાયેલા હોલમાં તાળીઓના ગળગળાટથી દેશને વિશ્વએ વધાવ્યો. આપણાં દેશની આવી વધામણી આખી દુનીયા કરતી હોય ત્યારે તમને ખાલી આ સાંભળ્યે કેટલો ગર્વ થાય છે? એકા’દ મીનીટ બાદ વિશ્વ ફરી મને સાંભળવા શાંત થયું એટ્લે બીજું વાક્ય કહ્યું કે એક કિલોગ્રામ મસાલા પાક દા.ત. જીરૂના ઉત્પાદનમાં અંદાજે 7000 (સાત હજાર) લીટર પાણીનો વપરાશ થાય છે, અને ભારત દેશમાં પાણી મફત મળે છે.!
લેકચર પૂર્ણ થયા બાદ ઘણી બધી ભલામણો, સલાહો અને વિચારો દુનીયાભરના નિષ્ણાંતો પાસેથી સ્વીકારી, પણ આ બીજું વાક્ય સાંભળ્યા બાદ બે’ક મીનીટ સુધી ખીચોખીચ ભરાયેલા હોલમાં છવાયેલી નીરવ શાંતીએ મને કેટલા બધા વર્ષોનું લેશન આપી દીધું. શાંતીપ્રીય સ્વભાવ અને ડઝનબંધ ખેડુતલક્ષી સંશોધનો દ્વારા Indian Council of Agriculture Researchના ખેડૂતોની સેવામાં સતત કામ કરતાં વૈજ્ઞાનીક ડો. કે. નીર્મલ બાબુની ઉપરોક્ત વાત, તેમનું લેકચર પુર્ણ થયા બાદ ઘણું લેશન કરવાની પ્રેરણા અને કામ કરવાની દિશા સ્પષ્ટ કરતી ગઈ.
ઈઝરાયેલ, એક એવો ટચુકડો દેશ કે સમગ્ર વિશ્વમાં ક્યાય પણ જો ખેતીની ટેક્નોલોજી બાબતની ચર્ચા થતી હોય અને તેનું નામ ન આવે, એવું ભાગ્યે જ બને. આખા દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ હેતુ માટે વપરાતું પાણી ફરજીયાત મીટરથી જ અપાય. પુંછતા જાણવા મળ્યું કે એક ક્યુબીક મીટર (1000 લીટર) પાણીનો ભાવ 9-10 સેકલ (1 સેકલ=20 રૂપીયા અંદાજે) વસુલાય છે. મતલબ ખેતી કરવા માટે પાણીનો ભાવ અંદાજે 2-બે રૂપીયા લીટરના!. આપણે જે રીતે ખેતીમાં પાણી વાપરીએ/બગાડીએ છીએ તેની સાપેક્ષમાં કોઈ પણ વિકસીત રાષ્ટ્રો ક્યાય આટલી હદ સુધી અવિવેકી ઉપયોગ નથી કરતાં અને આવા રાષ્ટ્રોમાં પાણી મફત પણ નથી.
હમણાં જ એક વિચારક સમુહ ચર્ચા દરમ્યાન સૌને પુંછતા હતા કે છેલ્લા ત્રણ-ચાર વર્ષ થયા ખેત ઉત્પાદનોની ઉત્પાદકતા સ્થીર છે. હવે જો ઉત્પાદકતા વધારવી હોય તો શું કરી શકાય? અમે બધા પોત-પોતાના વિચારો રજુ કરતાં-કરતાં છેલ્લે એક સામાન્ય નિષ્કર્ષ પર પહોંચ્યા કે બીજા બધા steps પછીના છે, પહેલું પગથીયું છે Micro Irrigation System (MIS)- ટપક સિંચાય પધ્ધતિ. ટપક સિંચાય પધ્ધતિ વિના કોઈ પણ પાકની ઉત્પાદકતા વધારવી હવે ખુબ મુશ્કેલ છે. દરેક પાકને પોતાની અલગ-અલગ અવસ્થા દરમ્યાન અલગ માત્રા ને પ્રકારનો ખોરાક ખપે છે. પાકની આ જે-તે અવસ્થાના સમયે કોઈ પણ ખાતરના રૂપમાં ખોરાક આપવાનું ચુકીએ તો ઉત્પાદનમાં નુકશાની જાય જ છે.
ઉદાહરણ રૂપે આપણાં વિસ્તારમાં સૌથી વધુ વવાતો રોકળીયો પાક કપાસ જ લઈએ. કપાસની જીંડવા બાંધવાની પાછલી અવસ્થામાં તેને સૌથી વધુ ખોરાકની ખાતર સ્વરૂપે જરૂર પડે છે. અને પાછલી અવસ્થાએ છોડ એટલો મોટો હોય છે કે આવા ખાતરો કપાસનો ખોરાક ઉપાડતાં તંતુમુળ આસપાસ ઉપરથી નાખવા ખુબ જ મુશ્કેલ છે. કદાચ નાખી પણ દઈએ તો તેનો કાર્યક્ષમ ઉપયોગ થઈ નથી શકતો અને આપણાં નાણાં વેડફાય છે.
આથી ઉપર મુજબની અવસ્થાએ સમયાંતરે અને જરૂરી માત્રામાં ખોરાક મળે તો ટપક વાપરતા ખેડુતોના જાત-અનુભવ મુજબ 25 થી 30% ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનની આ વધથી આખા વર્ષની મજુરીનો ખર્ચ નીકળી જાય હો.! હજુ વિશેષ જણાવું તો ઇઝરાયેલમાં દરેક પાકના દરેક તબક્કાના ખાતર નાખવાના Per Plant, Per Dayમુજબના સમય સાથેના Protocol ડેવલપ થયેલા છે. તે પ્રોટોકોલ મુજબનું શીડ્યુલ ફોલો કરવાથી લગભગ બધા શાકભાજી અને ફળપાકોમાં, આપણી સાપેક્ષમાં ત્યાના ખેડુતો બે થી ચાર ગણું ઉત્પાદન તેટલી જ જમીનમાં લ્યે છે, બોલો.