રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, મોરબી અને પડધરીમાં પણ પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું
અબતક, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા એક પછી એક ભરતીની જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે આગામી તારીખ 13 ફેબ્રુઆરીના રોજ રાજકોટ સહિત રાજ્યભરમાં બિન સચિવાલય કારકુનની પરીક્ષા લેવાશે. રાજકોટમાં કુલ 118 કેન્દ્ર પર 51 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે.
રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, મોરબી અને પડધરીમાં પણ પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને શહેરની બહાર પરીક્ષા આપવા જવું પડે તેવી પણ સંભાવના રહેલી છે. અગાઉ પેપરલીક કૌભાંડને કારણે વિવાદોના ઘેરામાં આવેલી અને રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી 13મી ફેબ્રુઆરીએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર છે ત્યારે રાજકોટમાં પરીક્ષાની તૈયારીના ભાગરૂપે સુપરવાઈઝર અન અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 માટે 2018માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2018ની ભરતી રદ થયા બાદ કોરોનાના કારણે તારીખ હવે જાહેર કરાઇ છે. બિન સચિવાલયની પરીક્ષાનો સમય બપોરે 12થી 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. પરીક્ષાના 15 દિવસ અગાઉ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. રાજકોટમાં કુલ અંદાજિત 51 હજાર જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપશે.