અબતક, રાજકોટ
5%થી ઓછા કોવિડ પોઝિટિવ રેટ વાળી સ્કૂલો ખુલી શકશે: સ્કૂલમાં પર્યાપ્ત જગ્યા હશે તો બાળકોને રમત-ગમત, ગીત-સંગીત સહિત અન્ય ઇત્તર પ્રવૃત્તિઓની પણ છૂટ આપવામાં આવશે
વર્ગમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું અનિવાર્ય રહેશે: જો કોઇ સ્ટાફ ક્ધટેનમેન્ટ ઝોનમાં રહે છે તો તેઓને સ્કૂલ પર આવવાની પરવાનગી નહીં આપવામાં આવે
હવે રાજ્યોને સ્કૂલ ખોલવા માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. સ્કૂલમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય માટે આવવું અનિવાર્ય થશે કે પછી ઑનલાઇન ક્લાસ કરી શકશે, તેનો અંતિમ નિર્ણય હવે રાજ્ય સરકારોએ લેવાનો રહેશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્કૂલના અન્ય સ્ટાફે કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે અને માસ્ક ફરજિયાતપણે પહેરવું પડશે.
નીતિ આયોગના સભ્ય વી.કે.પોલના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ના નવા કેસમાં સતત ઘટાડો જોવા મલી રહ્યો છે અને સ્થિતિમાં થોડો સુધારો આવી રહ્યો છે. દેશના 268 જિલ્લામાં કોવિડ પોઝિટિવ રેટ 5 ટકા કરતા ઓછો છે. આ જિલ્લાઓમાં સ્કૂલો ખોલી શકાય તેવા સંજોગો છે. આ વિશે તેમની રાજ્ય સરકારે નિર્ણય લેવાનો છે. તે રાજ્ય સરકાર ઈચ્છે તો સ્કૂલો ખોલી શકે છે. બીજી બાજુ શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 11 રાજ્યોમાં સ્કૂલો સંપૂર્ણ રીતે ખુલી ગઈ છે, જ્યારે 16 રાજ્યોમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ ખોલી દેવામાં આવી છે.
જ્યારે 9 રાજ્યો એવા છે જ્યાં સ્કૂલ બંધ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આ વિશે એક નવી ગાઈડલાઈન અને કોવિડ પ્રોટોકોલ જાહેર કર્યા છે. આ દરેક પ્રોટોકોલનું પાલન સ્કૂલ ખોલવા દરમિયાન કરવામાં આવશે.કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવા અંગે જારી કરેલા દિશા-નિર્દેશ અનુસાર રાજ્યોએ સ્થાનિક સ્તરે સ્થિતિનું આકલન કર્યા બાદ સ્કૂલ ખોલવા અંગેનો નિર્ણય કરવાનો રહેશે. વાલીઓ સાથે વાતચીત કર્યા બાદ બાળકોના સ્કૂલ જવા અંગે નિર્ણય લેવામાં આવશે. જો બાળકો સ્કૂલ જવા નથી માંગતા તો ઉપસ્થિતિ માટે છૂટ આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
કેન્દ્રએ દિશા-નિર્દેશમાં કહ્યું છે કે, જો સ્કૂલમાં પર્યાપ્ત જગ્યા હશે તો બાળકોને રમત-ગમત, ગીત-સંગીત સહિત અન્ય ઇત્તર પ્રવૃત્તિઓની પણ છૂટ આપવામાં આવશે. જો સ્કૂલમાં પર્યાપ્ત જગ્યા હશે તેવા જ સંજોગોમાં આ પરવાનગી આપવામાં આવશે. સ્કૂલના સમયને પણ ઘટાડવામાં આવી શકે છે. સમગ્ર વર્ષ માટે એક કેલેન્ડર બનાવવા માટે સ્કૂલોને નિર્દેશ આપવામાં આવ્યા છે. જો કોઇ સ્ટાફ ક્ધટેનમેન્ટ ઝોનમાં રહે છે તો તેઓને સ્કૂલ પર આવવાની પરવાનગી નહીં આપવામાં આવે. અત્યારે દેશનાં 11 રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ થઇ ચૂકી છે. 16 રાજ્યોમાં આંશિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને 9 રાજ્યોમાં સ્કૂલો સંપૂર્ણપણે બંધ છે.