અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ અને ઉપકુલપતિની ચાલુ સપ્તાહના અંતે મુદત પૂર્ણ થતી હોય આગામી કુલપતિ કોણ હશે. જે અંતર્ગત ‘અબતક’ ચેનલ દ્વારા ‘કોન બનેગા કુલપતિ…’ અંતર્ગત ‘ડીબેટ’ માં સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિઓ ડો. કનુભાઇ માવાણી, ડો. કમલેશ જોશીપુરા, ડો. મહેન્દ્ર પાડલિયા, પી.વી.સી. ડો. વિજય દેસાણી અને સીન્ડીકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી જોડાયા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિ. ની ચડતી પડતી: વાદ-વિવાદ અને વિકાસની હરણફાળ સુધીની વાતોને વાગોળવામાં આવી હતી જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજુ કરવામાં આવ્યો છે.
રાજકારણનું પદ બહાર મુકી કેમ્પસમાં પગ મૂકતો: ડો. કનુભાઇ માવાણી
રાજકારણની સાથે સાથે જયારે શિક્ષણ સેવાકીય પ્રવૃતિઓની સેવા કરવાની તક મારા માટે અતિ ઉત્તમ હતી કારણ કે શિક્ષણ દ્વરા સેવા અને સેવા દ્વારા રાષ્ટ્ર નિર્માણનું એક કાર્ય થઇ શકે તેવું મારુ અંગત માનવું હતું. હું ધારાસભ્ય હતો પરંતુ કુલપતિ બન્યા રાજકારણનું પદ બહાર મૂકી હું સૌરાષ્ટ્ર યુનિ. ના કેમ્પસમાં પગ મૂકતો હતો.ખોટના ખાડામાંથી યુનિ.ને બહાર લાવવાના કયા પ્રયત્નો કામે લાગ્યા? તે બાબતે કનુભાઇએ જણાવ્યું હતું કે ખોટના ખાડાની તીજોરીમાં જયાં જયા બાકોરા પડયા હતા જે બુરવાનું મે કામ કયુૃ જેથી બાકોરા દ્વારા નીકળતા પૈસા આપો આપ તીજોરીમાંથી નીકળવાનું બંધ થયું પરંતુ આ કાર્યમાં યુનિ. સાથે સંલગ્ન તમામ વ્યકિતઓનો સહયોગ મળ્યો જેથી આ કાર્ય શકય બન્યું અને હું તો બધાને એક જ વાત કરતો કે પવિત્રતાથી પરિશ્રમ કરી આપણી પાસે જે જ્ઞાન છે તેનું સમાજ અને રાષ્ટ્રને વળતર આપીએ તેમાં મા સરસ્વતી ની દયા થઇ ગઇ .
આવતા સત્રથી આર્ટસના અભ્યાસક્રમમાં રામચરીત
માનસ અને ભાગવત ગીતાના પાઠ ઉમેરાશે: દેશાણી
સૌ.યુનિ. વિકાસની વાત કરતા ડો.દેસાણીએ જણાવ્યું હતુ કે, હાલ સૌ.યુનિ. ખૂબજ સધ્ધર છે 1000 વીઘામાં પથરાયેલા સૌ.યુનિ.માં 26 ભવનો, તેમજ 6 થી વધારે સભાખંડો સહિતની વ્યવસ્થાઓ ઉપરાંત આજે સૌ.યુનિ. પાસે 300 કરોડની એફડી અને બોન્ડ પણ છે. તેઓએ એમ પણ જણાવ્યું હતુકે ઈન્ડરનેશનલ ટ્રા. હાઉસ જેમાં વિદેશનાવિદ્યાર્થીઓ રહી અને અભ્યાસ કરીરહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ 6 કરોડના ખર્ચે બનેલા નેનો સાયન્સ ભવન તેમજ ગર્લ્સ હોસ્ટેલનું શિક્ષણમંત્રી લોકાપર્ણ કરવામા આવ્યું હતુ.
એક જ વર્ષમાં 25 પેટન્ટ કરાવી શકયા સામાન્ય રીતે જોઈએતો રાજકોટ, મોરબી, અને જામનગર આ ત્રણ સેન્ટરો એટલે જાપાન કહી શકાય કારણ કે રાજકોટમાં એન્જીનીયરીંગ , મોરબીમાં વિક્ટ્રીફાઈ તેમજ જામનગરનો બ્રાસ ઉદ્યોગ સમગ્ર વિશ્ર્વમાં પ્રસિધ્ધ છે. ત્યારે યુનિ.માં આગામી દિવસોમાં ભાષા ભવન શરૂ કરવામાં આવશે.જેની જાપાન એબેસેડરના લોકો પણ મુલાકાત લઈચૂકયા છે. અને ફ્રેન્ચ, જર્મની અને જાપાની ભાષાઓ માટેનો કોષ શરૂ કરાયો છે. આમ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરી કોરોના કપરા કાળમાં પણ સૌ.યુનિ.એ કામ ચાલુ રાખ્યું હતુ.
યુનિ.ના વિકાસમુગટમાં વધુ એક પીછુ ઉમેરતા તેઓએ કહ્યુંં કે આવતા સત્રથી સૌ.યુનિ. આટર્સ અભ્યાસ ક્રમમાં રામચરીત માનસ અને ભાગવત ગીતાના પાઠ ઉમેરાશે. જેનો રાષ્ટ્રીય શિક્ષણ નીતીનો અમલ યુનિ. કરવા જઈ રહી છે.
વિખવાદ યુનિવર્સિટીનો પીછો છોડતું ન હોવા વિવાદ અંગે જણાવતા ડો. દેસાણીએ જણાવ્યુંં હતુ કે આ બધી વિરોધપક્ષની ઉપજાવી કાઢેલી વાત છે. મે અગાઉ પણ જણાવ્યું હતુ કે તમામ મુદા પર ચર્ચા કરવા માટે હું ગમે ત્યારે તૈયાર છું કારણ કે મારા માટે માત્ર યુનિવર્સિટી અનેવિદ્યાર્થીઓના હિતની વાતને પ્રથમ પ્રાધાન્ય હશે.
સૌ.યુનિ.ને હું તીર્થસ્થાન સમજુ છું: ડો. પાડલીયા
સૌ.યુનિ. અને ગુરૂગોવિંદસિંહ યુનિ. ગોધરા આ બંનેના તફાવત અંગે જણાવતા ડો.પાડલીયાએ કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિ.ને હું તીર્થસ્થાન સમજુ છું અને આ યુનિ.આ ભૂમી વાઈબ્રન્ટ ભૂમી છે. સૌ.યુનિ.માં મારા કાર્યકાળ દરમ્યાન એ ગ્રેડ મેળવવા માટે યુનિ. સંલગ્ન તમામ વ્યંકિતઓ્રએ ખૂબજ મહેનત કરી હતી. જેના કારણે યુનિ.ને એ ગ્રેડ મળ્યો. તેઓએ એમ પણ કહ્યું કે ભારતની કોઈપણ યુનિ. કરતા સૌ.યુનિ. કયાંય પણ ઉતરતી નથી. જયારે ગોધરા યુનિ. અંગે તેઓએ જણાવ્યું હતુ કે 2016માં ગોધરાની જવાબદારી મને સોપવામાં આવી ત્યારે એક જ વાર ટ્રાઈબલ બાળકોને વિસ્તારની બહાર અભ્યાસ કરવા ન જવું પડે તેને પ્રથમ પ્રાધાન્ય આપવું. અને એ બાબતમાં મે અથાગ પ્રયત્નો પણ કરેલા. સૌ.યુનિ.માં મતભેદ હોય તે સ્વભાવીક છે. પરંતુ મનભેદ કયારેય હોતો નથી. તેઓએ એમ પણ કહ્યું કે જયારે વિદ્યાર્થીઓ અને યુનિ.ના વિકાસની વાત હોય ત્યારે તમામ સહયોગ મળી રહે છે.
આગામી નેશનલ એજયુકેશન પોલીસી નવાભારતના વિકાસ સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા ઉચ્ચ શિક્ષણમાં ખૂબજ મહેનત કરવી પડશે. અને નેશનલ પોલીસીનો અમલ કરવાનોએ પડકાર છે. વડાપ્રધાને દેશને ગ્લોબલ સુપર પાવર બનાવવાની હાકલ કરી છે ત્યારે યુનિ.ને સ્પર્શતા તમામ લોકોએ આ બાબતે ખૂબ મહેનત કરવી પડશે.
કુલપતિ, ઉપકુલપતિનું પદ એ વિક્રમાદિત્યનું સિંહાસન છે: ડો. જોશીપુરા
યુનિ.ના અમૂક અધિકારીઓની વિશ્ર્વનીયતા અને નિષ્ઠા એટલી હદે રહી કે તેઓએ ઘડીયાળ નહી પરંતુ તારીખ પણ જોયા વગર કામ કરે છે. જેથી યુનિ.ના ભવનોમાં તજજ્ઞોની શકિત જોતરવાની બાબત મૂખ્ય હતી આગળના કાર્યકાળમાં યુનિ. સ્વભંડોળનો મહતમ ઉપયોગ થયો અને અગાઉ લેવાયેલા નિર્ણયોને પણ આગળ ધપાવવા મહેનત કરી છે. જેમાં સરકારનો પણ મોટો સહયોગ રહ્યો છે. તેમા પણ ખાસ કરીને સંશોધનોની ગ્રાન્ટ મળતા તે વધુ ડેવલોપ થયું અને એ વાત ઉડીને આંખે વળગે તેવી છે. કે યુનિ. વિકાસની વાતમાં હંમેશા બધાનું સમર્થન રહ્યું છે. મારા કાર્યકાળમાં મને અગાઉના વિદ્વાન લોકોનું પૂરેપૂરૂ સમર્થન મળ્યું અને સહીયારા પ્રયાસથી કાર્ય કરી અને સફળતા મેળવવામાં ફરી સૌનો સહયોગ મળ્યો હોવાની વાતને વાગોળું છું.વીસી અને પીવીશીએ સહી કરતા પહેલા અનેક વિચારો કરવા પડે છે. કારણ કે ઘણી વખત નાની એવી એક સહી બીજા દિવસે મોટું સ્વરૂપ ધારણ કરે છે. વીસીના ટેબલે 100 ફાઈલો પડી હોય જેનું પૂર્ણ રીતે વાંચન કરી યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ કે કર્મચારીના હિતમાં બીજાને અન્યાય કરતા ન હોય તે રીતે નિર્ણય લઈ અને વિચાર કર્યા બાદ સહી કરવી પડે છે. જો કે તેઓએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જવાબદારી કે ઉત્તરદાયિત્વ ત્રણ કે પાંચ વર્ષમાં કરવું તે એક પડકાર છે.
યુનિ.ના વિકાસની હરણફાળ અગાઉના 17 કુલપતિઓને આભારી છે: ડો. કોઠારી
યુનિ. અધ્યાપકોની ભરતીના વિવાદ અંગે જણાવતા કોઠારીએ કહ્યું કે કેટલા અધ્યાપકોની ભલામણ થઈ? કેટલા પસંદ થયા? વગેરે વિવાદને પણ સ્વીકાર્યો જોકે આ તમામ ભરતી તો આખરે તો કેન્સલ થઈ લોકશાહીમાં દરેક લોકોને યોગ્ય વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ કારણ વગરનો વિરોધ વિકાસમાં બાધા રૂપ બને છે. તેઓએ એમ પણ કહ્યું કે મેનેજમેન્ટની સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ થાય છે. માટી કોંભાંડ અંગે તેઓએ જણાવ્યું તે બાબતે આપવાના થતા 93 હજાર રૂપીયા ન આપી ઉપરાંત દંડ ફટકારીને તેનું કામ બંધ કરાવવા છતા પણ તે વાતને વાગોળવી કેટલા અંશે વ્યાજબી છે. આવા વિવાદો આવનારા માટે પણ ચેલેન્જ રૂપ છે. જોકે અધ્યાપકોની વેદનાઓ ઘણી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડે છે. પરંતુ અકારણ વિરોધ કેટલા અંશે વ્યાજબી છે.
અગાઉ યુનિ. એ હાલત હતી કે, કોન્ટ્રાકટરોને ટેન્ડર ભરવા માટે સમજાવવા પડતા હતા કારણ કે યુનિ. આર્થીક પરિસ્થિતિ ખૂબજ નાજુક હતી પરંતુ જયારે વિકાસની હરણફાળ ભરી છે. તેમા તે અગાઉના17 કુલપતિઓને આભારી છે. 275 કોલેજના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓની જવાબદારીઓએ આવનારા માટે પણ પડકાર તો છે જ પરંતુ યુનિ.ના જૂના કર્મચારીઓ અને આજ પણ એવા ઘણા કર્મચારીઓ છે કે રાત-દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજયપાલ અને શિક્ષણ મંત્રી લોકાર્પણ કરવા આવવાના હતા તેની પૂર્વે 20 દિવસ સુધી કર્મચારીઓએ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.