માતાનામઢમાં મંગળગ્રહ જેવી જમીન બાદ હવે સફેદરણમાં મંગળનું કનેક્શન શોધવા નાસાનું રણભ્રમણ,માતાનામઢમાં મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ શોધાયા બાદ હવે કચ્છના જગવિખ્યાત સફેદરણમાં નાસા રણભ્રમણ કરીને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે.હવે ભવિષ્યમાં સફેદરણમાં આવતા પ્રવાસીઓ ન માત્ર ચંદ્ર જેવી જમીન પણ મંગળગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલને જોઈને પણ આશ્ચર્યચકિત થશે તો કદાચ નવાઈની વાત નહિ હોય.
અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમ એડમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સંબંધમાં કહ્યું હતું કે કે,સફેદરણમાં રાતના અજવાળામાં જાણે ચંદ્ર જમીન પર ઉતરી આવ્યો હોય તેવું લાગે છે.પણ હવે એવું બને એ સફેદરણમાં હવે મંગળગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલ પણ જોવા મળી જાય.ફેબ્રુઆરીના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છના રણમાં આવીને મંગળગ્રહ પર મળતા હાઇપર સેલાઈન વોટરમાં થતા બેકટેરિયાની સરખામણી કરી સાતત્યતા મુદ્દે સંશોધન કરશે.ફેબ્રુઆરીમાં થનારા સંશોધનમાં એક દિવસનો કલાસરૂમ પણ યોજવામાં આવશે,૮-૧૦ જેટલા દેશના વિદ્યાર્થીઓ અને સંશોધકો આ પ્લેનેટરી જિયોલોજી સંશોધનમાં જોડાશે.
આગામી સમયમાં મુંબઈની એમિટી યુનિવર્સીટીમાં આ વિષય પર કોર્ષ શરુ કરવા પણ તજવીજ હાથ ધરાઈ છે.કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાત્રીઓ દેશ વિદેશના વૈજ્ઞાનિકોને ક્ચ્છની વિવિધ ભૌગોલિક જગ્યાઓથી અવગત કરશે.ખાસ કરીને માર્શિયન એક્સ્ટ્રા પ્લેનેટરી વિષય પર આ સંશોધન પ્રવાસ કેન્દ્રિત હશે.મંગળગ્રહ અને કચ્છના સફેદરણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ થશે
પ્રોજેક્ટમાં જોડાયેલા કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કરે જણાવ્યું કે,એમિટી યુનિવર્સીટી,કચ્છ યુનિવર્સીટી અને નાસા આ ત્રણેય સંયુક્ત પ્લેનેટરી જિયોલોજી મુદ્દે સંશોધન કરશે.મંગળ ગ્રહ પર સોલ્ટ ક્રિસ્ટલ મળી આવ્યા છે,જે હાઇપર સેલાઈન વોટરથી બને છે.
જેમાં ચોક્કસ બેક્ટેરિયા જીવિત રહી શકે છે.બીજીતરફ કચ્છના સફેદરણમાં પણ સમાન સોલ્ટ ક્રિસ્ટલ જોવા મળે છે.સામ્યતા મળતા હવે આ બંને વચ્ચે વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી સંશોધન હાથ ધરવામાં આવશે.મંગળ ગ્રહ અને કચ્છના રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરાશે.
જો સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે.આ સાથે જ નાસાના વિજ્ઞાનીકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ લુણા ક્રેટર લેક,ધોળાવીરા,માતાનામઢ સહિત સહિતની આઠેક સાઈટ પર પણ મુલાકાત લઈ નવા પાસાઓ ઉજાગર કરવા પ્રયત્ન કરશે.ફેબ્રુઆરીના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છ આવી આ સંશોધન હાથ ધરશે.મંગળનું માતાનામઢ બાદ સફેદરણ કનેક્શન ખુલતા કચ્છ ‘જિયો ટુરિઝમ’ હબ બનશે
વર્ષ ૨૦૨૦માં માતાનામઢમાં મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ માતાનામઢમાં મળી આવ્યું હતું, મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું.
હવે કચ્છના સફેદરણમાં જો મંગળગ્રહનું કનેક્શન સામે આવશે તો પ્લેનેટરી જિયોલોજી માટે કચ્છ હબ બનશે અને નાસા બાદ વિશ્વભરના ભૂસ્તરશાસ્ત્રીઓ અને ગ્રહો મુદ્દે સંશોધન કરતા સંશોધકો માટે પ્રવાસનની એમ રણ જિયો ટુરિઝમ સ્પોટ સાબિત થશે.
કચ્છ બેજોડ,વિશ્વની વૈવિધ્યતા દેશના સૌથી વિશાળ જિલ્લામાં ધરબાઈ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા,હાજીપીર નજીક આવેલું લુણા ક્રેટર લેક,ધોળાવીરામાં કરોડો વર્ષો જૂના અશ્મિઓ,વિશ્વપ્રખ્યાત સફેદ રણ,માતાનામઢની મંગળગ્રજ જેવી જમીન,અમેરિકાની ગ્રાન્ડ કેન્યન જેવી અનુભૂતિ કરાવતી ભુજની ખારીનદી,મેગ્નેટિક ફિલ્ડ સાથે કાળાડુંગરનું સૌંદર્ય હોય કે એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સીટી.કચ્છમાં એ દરેક બેનમૂન સંપદાનો ખજાનો ધરબાયેલો છે જેને જોવા વિશ્વભરના પ્રવાસીઓ અને સંશોધકો કચ્છ આવે છે.