વધેલી ફી ભરવાની બાંયધરી સાથે વિધાર્થીઓએ પ્રવેશ મેળવવાનો રહેશે
અબતક, અમદાવાદ
ગુજરાતમાં આવેલી ખાનગી મેડિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની નવી ફી નક્કી થનાર છે પરંતુ હજુ સુધી નવી ફી થઈ નથી ત્યારે મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ લેવા મુદ્દે વિદ્યાર્થીઓ મુંઝાયા છે.આજે પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થનાર છે અને વિદ્યાર્થીએ મળેલ પ્રવેશ ક્ધફર્મ કરવા ફી ભરવાની રહેશે પરંતુ જે કોલેજમાં પ્રવેશ મળ્યો છે તે કોલેજની કેટલી વધશે તે નક્કી નથી. ગુજરાતમાં કુલ 30 મેડિકલ કોલેજો છે.જેમાં સાત સરકારી મેડિકલ કોલેજો છે અને આઠ જીએમઈઆરએસની મેડિકલ કોલેજો છે જેમાં પણ ખાનગી ધોરણે ફી લેવાય છે પરંતુ સરકારની સોસાયટી હેઠળ અર્ધ સરકારી ધોરણે કોલેજો ચાલે છે.આ ઉપરાંત 15 સંપૂર્ણ ખાનગી કોલેજો છે.જેમાં જનરલ ક્વોટાની ફી 5.93 લાખથી લઈને 8.60 લાખ છે તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં 14.82 લાખથઈ લઈને 18.40 લાખ સુધીની ફી છે.જ્યારે એનઆરઆઈ ક્વોટાની ફી 24 હજારથી 30 હજાર યુએસ ડોલર છે એટલે કે 18 લાખથી લઈને 25 લાખ સુધીની ફી છે.15 ખાનગી કોલેજોમાં અમદાવાદની કોર્પોરેશન સંચાલિત બે કોલેજો તેમજ સુરતની કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજ પણ છે.પરંતુ આ કોલેજોમાં પણ ખાનગી ધોરણે જ ફી લેવાય છે. જીએમઈઆરએસની આઠ મેડિકલ કોલેજોમાં યુજીની ફીમાં 10થી13 ટકાનો વધારો જાહેર કરી દેવાયો છે.જો કે ખાનગી મેડિકલ કોલેજોમાં હજુ સુધી ફી નક્કી થઈ નથી.આજે યુજી મેડિકલ-ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થનાર છે ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી બાયંધરી લેવાઈ છે અને વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મળે તે કોલેજની જેટલી પણ ફી વધશે તે ભરવાની રહેશે તે શરતે પ્રવેશ લેવાનો રહેશે. પ્રવેશ સમિતિ તો બાંયધરી સાથે પ્રવેશ આપી દેશે પરંતુ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે મુંઝવણ અને ચિંતા છે.