ન્યારી ડેમથી જેટકો ફીલ્ટર પ્લાન્ટ સુધી પાઇપલાઇન બિછાવવા રૂા.27.90 કરોડનો ખર્ચ મંજૂર: વોર્ડ નં.1માં ટીપીના રસ્તાઓ પર મેટલીંગ માટે રૂા.1.13 કરોડના ખર્ચને બહાલી
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 21 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અને રૂા.29.85 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. જેટકો ચોકડી ખાતે મહાપાલિકા દ્વારા 50 એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી પાણી પહોંચાડવા માટે ન્યારી ડેમથી ફિલ્ટર પ્લાન્ટ સુધી 1016 મીમીની પાઇપલાઇન નાંખવા માટે સૌથી વધુ રૂા.27.90 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી તમામ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂા.29.85 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. પીએમ સ્વનિધી યોજનાની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને મોબાઇલ એલાઉન્સ તથા પેટ્રોલ એલાઉન્ટ આપવા માટે રૂા.2.16 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1માં ટીપી સ્કિમ નં.9ના રૈયાધારના 12 મીટર, 15 મીટર અને 18 મીટરના રસ્તાઓને મેટલીંગ કરવા માટે રૂા.1.13 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ કામ 24.30 ટકા ડાઉન સાથે રામ ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે. વોર્ડ નં.9માં રૈયા ટેલિફોન એક્સચેન્જ ટીપી રોડ પર રસ્તાના સાઇટ સોલ્ડરમાં ઇન્ટરલોકીંગ પેવિંગ બ્લોક નાંખવા માટે રૂા.26.39 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. 20.02 ટકા ડાઉન સાથેનું આ કામ બાલાજી ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે. સેવાસેતુના સાતમા તબક્કામાં થયેલા રૂા.38,000ના ખર્ચને પણ બહાલી આપવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-2022 ગાર્બેજ ફ્રી સીટીના સેવન સ્ટાર રેટિંગ તથા વોટર પ્લસ સર્ટિફિકેશનની કામગીરી માટે મ્યુનિ.કમિશનરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
વોર્ડ નં.6માં અમૃત યોજના હેઠળ મનહરપરા એરિયામાં બાકી રહેતા ભાગમાં ડ્રેનેજ મેઇન લાઇન તથા હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાના કામ માટે રૂા.28.44 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેટકો ચોકડી પાસે હાલ 50 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે. જ્યાં સુધી પાણી પહોંચાડવા માટે ન્યારી ડેમથી જેટકો ચોકડી ફિલ્ટર પ્લાન્ટ સુધી 1016 મીમી વ્યાસની પાઇપલાઇન નાંખવા માટે રૂા.27.90 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીમાં આરોગ્ય તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ જગ્યાઓ હંગામી ધોરણે ભરવામાં આવી હતી. જેનો રૂા.16.49 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.12માં વાવડી વિસ્તારમાં આવકાર આગમન સિટીના મુખ્ય રસ્તાઓને પેવર કાર્પેટ કરવા રૂા.95.66 લાખને ખર્ચને બહાલી આપવામાં આવી છે.
312 હંગામી ડ્રાઇવર કોર્પોરેશનને રૂા.4.51 કરોડમાં પડશે
રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખાઓમાં હંગામી ધોરણે 312 ડ્રાઇવર પુરૂં પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આજે મંજૂર કરવામાં આવ્યો છે. જેના માટે રૂા.4.51 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હાલ મહાપાલિકામાં સામાન્ય હેવી વ્હીકલ 289 અને સ્પેશિયલ હેવી વ્હીકલ 13 છે. જેના માટે આર.કે. સિક્યુરિટી સર્વિસ દ્વારા ડ્રાઇવર પૂરા પાડવામાં આવશે. સામાન્ય હેવી વ્હીકલના ડ્રાઇવરને રૂા.11,823નું વેતન ચૂકવવામાં આવશે. જ્યારે સ્પેશિયલ હેવી વ્હીકલના 13 ડ્રાઇવરોને 14,954 વેતન ચૂકવવામાં આવશે. સોલીડ વેસ્ટ શાખા, ફાયર બ્રિગેડ શાખા, ઇમરજન્સી રિસ્પોન્સ સેલ, ઝૂ, દબાણ હટાવ શાખા સહિતની શાખાઓમાં ડ્રાઇવર આપવામાં આવશે. ટૂંકમાં 312 હંગામી ડ્રાઇવર કોર્પોરેશનને 4.51 કરોડમાં પડશે.