સભામાં હવે 500ના બદલે 1000 લોકો સામેલ થઈ શકશે, ડોર ટુ ડોર કેમ્પેઈમાં 10ની જગ્યાએ 20 લોકો અને ઈન્ડોર બેઠકમાં 300ની જગ્યાએ 500 લોકોની મર્યાદા
અબતક, નવી દિલ્હી
કોરોના હળવો થતા ચૂંટણી પંચે પાંચ રાજ્યોની ચૂંટણીમાં મુકેલ પ્રતિબંધોને હળવા કર્યા છે. જેથી હવે પંચ જ મુરતિયાઓને હવે લીલા તોરણે માંડવે પહોંચાડવાનું છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી તમામ રાજકીય પક્ષોને મોટી રાહત મળી છે.
ચૂંટણી પંચે રેલીઓ પર લાગુ કરેલા પ્રતિબંધ હટાવ્યા નથી. જોકે ચૂંટણી પ્રચાર પર લાગેલા પ્રતિબંધમાં કેટલીક છુટછાટ આપી છે. હવે એક હજાર લોકોની સાથે સભાની પરવાનગી છે. આ સિવાય ડોર ટુ ડોર કેમ્પેનમાં પણ પહેલા કરતા વધારે લોકો સામેલ થઈ શકે છે. કોરોના મહામારી કંટ્રોલમાં આવ્યા બાદ ચૂંટણી પંચે સોમવારે આ નિર્ણય લીધો છે.
ચૂંટણી પંચે સોમવારે નિર્ણય લીધો છે કે હવે 500ના બદલે 1000 લોકોની સભા કરવામાં આવી શકે છે. આ સિવાય ડોર ટુ ડોર કેમ્પેઈન હવે 10ની જગ્યાએ 20 લોકોની સાથે કરી શકાશે. ઈનડોર બેઠકમાં 300ની જગ્યાએ 500 લોકો સામેલ થઈ શકે છે. પંચે છેલ્લી બેઠકમાં પ્રથમ અને બીજા તબક્કા માટે રેલીની પરવાનગી આપી હતી પરંતુ 500ની સંખ્યા સીમિત કરી હતી. કોવિડ સંકટની જગ્યાએ ચૂંટણી પંચે 31 જાન્યુઆરી સુધી જનસભાઓ અને રેલીઓ પર રોક લગાવી હતી. પહેલા આ રોક 15 જાન્યુઆરી સુધી હતી ફરીથી 22 જાન્યુઆરી સુધી વધારાઈ અને બાદમાં 31 જાન્યુઆરી સુધી આને આગળ ખેંચવામાં આવી.
ઉલ્લેખનીય છે કે 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થવાનુ છે. જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સામેલ છે. યુપીમાં કુલ સાત તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં સિંગલ ફેઝમાં મતદાન થશે. પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામ 10 માર્ચે આવશે.