અબતક,રાજકોટ
ધંધૂકાના ભરવાડ યુવાનની હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘા પડતા પોલીસ દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સોને ઝડપી લેવા અને ઉંડાણ પૂર્વક તપાસ કરવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હત્યા કેસની તપાસ એટીએસને સોપી છે. એટીએસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની જુદી જુદી ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ દરમિયાન હત્યા માટે ઉપયોગ કરેલું હથિયાર રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા દુધ સાગર રોડ પરના મુસ્લિમ શખ્સે આપ્યું હોવાનું બહાર આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ રાજકોટ દોડી આવી હતી. પરંતુ હથિયાર આપનાર શખ્સની ભાળ ન મળતા શોધખોળ હાથધરી છે.
કિશન ભરવાડની હત્યા થઇ તે હથિયાર અજીમ શમાએ આપ્યાનો ઘટ્ટસ્ફોટ: અમદાવાદ ગ્રામ્ય પોલીસનો રાજકોટમાં તપાસનો ધમધમાટ
ધંધૂકાના કિશન શિવાભાઇ બોડીયા નામના 21 વર્ષના ભરવાડ યુવાનની ગત તા.25 જાન્યુઆરીએ બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી સરા જાહેર કરેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા ધંધૂકાના શબ્બીર ઉર્ફે સાબા દાદા ચોપડા અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ મહેબુબ પઠાણ નામના શખ્સોની ધરપકડ કરી પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં કિશન ભરવાડે સોશ્યલ મિડીયામાં ધાર્મીક લાગણી દુભાય તેવી પેસ્ટ વાયરલ કરવાના કારણે હત્યા કર્યાની અને હત્યા માટે એક હથિયાર અમદાવાદના જમાલપુર ખાતે રહેતા મોલાના મહંમદ અયુબ યુસુફ જાવરાવાલા અને બીજુ હથિયાર રાજકોટના થોરાળા વિસ્તારમાં દુધ સાગર રોડ પર રહેતા અજીમ બસીર શમા નામના શખ્સ પાસેથી મેળવ્યાનું બહાર આવ્યું હતું.
પોલીસે અમદાવાદના મોલાના મહંમદ અયુબ યુસુફ જાવરાવાલાની ધરપકડ કર્યા બાદ રાજકોટના અજીમ બસીર શમા નામના શખ્સની ધરપકડ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ રાજકોટ દોડી આવી હતી પરંતુ અજીમ બસીર શમા મળી ન આવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
શબ્બીર ઉર્ફે સાબા દાદા ચોપડા અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ મહેબુબ પઠાણ જેહાદી પ્રવૃતિ સાથે સંકડાયેલા હોવાની શંકા સાથે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ પ્રકરણમાં મોટા ધડાકા થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.