અબતક,રાજકોટ
કોરોનાની ત્રીજી લહેરે હવે રાજકોટમાં કાળો કહેર મચાવવાનો શરૂ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે કોવિડથી 4 લોકોના મોત નિપજ્યા હતા. દરમિયાન આજે બપોર સુધીમાં કોરોના વધુ 3 દર્દીઓને ભરખી ગયો હોવાનું જાણવા મળી રહ્યુ છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાથી રાજકોટમાં 13 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે, આ તમામ દર્દીઓ અલગ-અલગ બીમારીઓથી પીડાતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત સોમવારે શહેરમાં કોરોનાથી બે વ્યક્તિઓનો મોત નિપજ્યુ હતું. જ્યારે 25મી જાન્યુઆરીના રોજ કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નિપજ્યુ ન હતું.
છેલ્લાં 6 દિવસમાં કોરોનાથી રાજકોટમાં 13 દર્દીઓના મોત: આજે બપોર સુધીમાં વધુ 290 કેસ
દરમિયાન 26મીએ ફરી કોરોનાએ એક દર્દીનું ભોગ લીધો હતો. જ્યારે 27મીના રોજ 3 વ્યક્તિઓના દુ:ખદ મોત નિપજ્યા હતા. 28મીએ કોરોનાથી ચાર વ્યક્તિઓના મોત થયા હતા. દરમિયાન આજે બપોર સુધીમાં કોરોનાથી 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન કોરોનાના 958 કેસ નોંધાયા હતા. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 290 કેસ નોંધાયા છે.
ગઇકાલે 4802 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પોઝીટીવીટી રેઇટ 20 ટકા જેવો નોંધાયો હતો. આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 59,936 કેસ નોંધાયા છે. જે પૈકી 51,863 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. રિક્વરી રેઇટ 86.44 ટકા જેવો નોંધાયો છે.
છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં કોરોનાના કેસમાં ચોક્કસ ઘટાડો નોંધાયો છે. પરંતુ ચિંતાજનક બાબતએ છે કે મૃત્યુદરમાં વધારો નોંધાઇ રહ્યો છે. આટલું જ નહિં હોસ્પિટલમાં દાખલ થવા વાળા દર્દીઓની સંખ્યામાં પણ વધી રહી છે. ચાલુ માસમાં કોરોનાના 16,500થી પણ વધુ કેસો નોંધાઇ ચુક્યા છે.