અબતક-રાજકોટ
રાજકોટવાસીઓએ જેને ખોબલા મોંઢે મત આપી જનપ્રતિનિધી બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તેવા નગરસેવકો શિયાળાની ઠંડીમાં પથારીમાં પોઢી રહેવાનું વધુ પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ગઇકાલે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અફસોસ સાથે કહેવું પડે છે કે સૌથી મોટા રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવાનું 72 પૈકી 34 કોર્પોરેટરો ચુકી ગયા છે. ભાજપના 31 કોર્પોરેટરો અને કોંગ્રેસના 3 કોર્પોરેટરોને ધ્વજવંદન કરવા માટે બે મિનિટનો પણ સમય મળ્યો ન હતો.
સૌથી મોટા પર્વમાં સહભાગી થવાનું નગરસેવકો ચૂક્યાં: ભાજપના 31 અને કોંગ્રેસના 3 કોર્પોરેટરો ધ્વજવંદન માટે ડોકાયા જ નહિં
જનરલ બોર્ડમાં સામાન્ય ચર્ચામાં પણ ખોટા દેકારા કરી મુકતા નગરસેવકો પોતાની પ્રાથમિક ફરજ ચુકી રહ્યા છે. દર વખતનો શિનારીયો થઇ ગયો છે. અડધોઅડધ નગરસેવકો ધ્વજવંદનમાં હાજર રહેતા નથી છતાં ભાજપ કે કોંગ્રેસના પ્રમુખ દ્વારા કોઇ નેતાને નોટિસ આપી ખુલાસો પૂછવાની પણ તસ્દી પણ લેવામાં આવતી નથી.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ગઇકાલે સવારે 73માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, ઉપરાંત કોર્પોરેટર મનિષ રાડીયા, હિરેન ખીમાણીયા, અશ્ર્વિન પાંભર, હાર્દિક ગોહેલ, નરેન્દ્ર ડવ, નિલેશ જલુ, ડો.અલ્પેશ મોરજરીયા, નિતીન રામાણી, વિનોદ સોરઠીયા, રણજીત સાગઠીયા, જીતુ કાટોડીયા, નીરૂભા વાઘેલા, પરેશ પીપળીયા, દિલીપ લુણાગરીયા, દુર્ગાબા જાડેજા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, રર્સિલાબેન સાકરીયા, મીનાબા જાડેજા, કંકુબેન કુગશીયા, રૂચીતાબેન જોષી, સોનલબેન સેલારા, ભારતીય પરસાણા, કંચનબેન સિધ્ધપુરા, મિત્તલબેન લાઠીયા, નયનાબેન પેઢડીયા, વર્ષાબેન પાંધી, સોનલબેન ચાવડા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, ડો.દર્શનાબેન પંડ્યા અને લીલુબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતાં. શિક્ષણ સમિતિના પણ માત્ર 3 સભ્યોએ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવાનું મુનાસીબ સમજ્યું હતું. ભાજપના 68 પૈકી 37 નગરસેવકોઓ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 31 ઘેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના 4 માંથી માત્ર એક જ નગરસેવકે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવાનું મુનાસીબ સમજ્યું હતું.
ધ્વજવંદન કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર તમામ કોર્પોરેટરોને ફોન કરી કારણ પૂછાશે: મેયર
રાષ્ટ્રીય પર્વથી વિશેષ કશું હોતુ નથી. પ્રજાસત્તાક પર્વ નિમિતે મહાપાલિકા દ્વારા ગઇકાલે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના 34 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. આ ઘટના ખૂબ જ અફસોસ જનક છે. તમામ નગરસેવકોને હું વ્યક્તિગત રીતે ફોન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગેરહાજર રહેવા અંગેનું સાચુ કારણ જાણીશ, એક નગરસેવક તરીકે તમામની ફરજ હોય છે કે ધ્વજવંદન જેવા કાર્યક્રમમાં હાજરી આપે તેમ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું.