અબતક, રાજકોટ
આમદની અઠન્ની ખર્ચા રૂપિયા આ કહેવત સસ્તા અનાજના દુકાનદારોને લાગુ પડે છે. આ દુકાનદારોને તેના કમિશનથી ચાર ગણો ખર્ચ વેઠવો પડે છે. આવી સ્થિતિમાં નીતિથી ધંધો કોણ કરે ? જો કરે તો આવો ધંધો કરી પરિવારનું ગુજરાન કેમ ચલાવવું ? આ સહિતના અનેક પ્રશ્નો સર્જાયા છે. આ તમામ પ્રશ્નોનું એક જ સમાધાન છે દુકાનદારોનું કમિશન વધારી આપવામાં આવે.
સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્ને અત્યાર સુધીમાં અનેક રજૂઆતો થઈ છે. પણ તંત્રએ આજ સુધી તેઓની રજુઆત પ્રત્યે ધ્યાન આપ્યું નથી. દુકાનદારોનો સૌથી મોટો પ્રશ્ન કમાણીનો છે. આ દુકાનદારોને કિલોએ માત્ર રૂ. 1.20નું કમિશન આપવામાં આવે છે. વર્ષો પૂર્વે જ્યારે રાશનકાર્ડની સંખ્યા મોટી હતી અને મળતા માલની સંખ્યા પણ વધુ હતું. ત્યારે આ કમિશન દુકાનદારો માટે પૂરતું હતું. પણ સમય જતા કાર્ડની સંખ્યા ઘટતી ગઈ અને અનેક વસ્તુઓ રેશનિંગમાંથી નીકળી ગઈ. પણ તેની સામે કમિશન એનું એ જ રહ્યું. એટલે હવે દુકાનદારોને ખર્ચા કાઢવાની વાત તો દૂર ઉલ્ટાની ખોટ સહન કરવી પડે છે.
ઓછા કમિશનને કારણે પરિવારના ભરણ પોષણ માટે દુકાનદારો આડા-અવળા રસ્તા પકડે છે, તમામ પ્રશ્ર્નોનું મૂળ ઓછું કમિશન : હવે સરકાર જાગશે નહિ તો રાજીનામાં ઉપર રાજીનામાં પડવાની તૈયારી
સસ્તા અનાજના દુકાનદારોને ખોટ સહન કરવી પડતી હોય, પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે સહિતના અનેક પ્રશ્નો સર્જાયા છે. હવે આવી સ્થિતિમાં કોઈ દુકાનદાર ખોટું કરવા પ્રેરાય તે સ્વાભાવિક છે. આવા સમયે પણ તંત્ર દુકાનદારોને સાણસામાં લેવાનું છોડતું નથી. આવી પરિસ્થિતિથી કંટાળી અનેક દુકાનદારોએ રાજીનામાં આપી આ જંજટમાંથી મુક્તિ મેળવી છે. જો કે હજુ પણ અનેક સસ્તા અનાજના દુકાનદારો વંડીએ જ બેઠા છે. સમય મળ્યે તેઓ પણ રાજીનામાં ધરી દેવા તૈયાર છે.
ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા વિભાગમાં સસ્તા અનાજના દુકાન ધારકો હાલ કફોડી હાલત ભોગવી રહી છે દિવસેને દિવસે વેપારીઓની મુશ્કિલો વધી રહી છે એક તરફ સરકાર વન રેશન કાર્ડ તેમજ ડોર સ્ટેપ ડિલિવરી જેવી સુવિધાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માંગી રહ્યા છે ત્યારે બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે તેઓ સરકાર પાસે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે તેઓને હાલ અનાજની ગુણીએ જે કમિશન મળી રહ્યું છે તે કમિશનમાં હવે ધંધો કરવા અશક્ય બન્યો છે તેમ જ કોઈ જાતનો બીજો વિકલ્પ રહ્યો નથી કે હવે સસ્તા અનાજની દુકાનો ચલાવી શકે તેમજ તેઓને સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ ની દુકાન ધારકો ને ફિક્સ પગારમાં કરી આપે કે જેથી તેઓના ઘરનું ભરણ પોષણ થઇ શકે અને આ મોંઘવારીમાં હાલ સસ્તા અનાજના વેપારીઓની હાલત ખૂબ જ કફોડી થઇ છે જેના કારણે અત્યાર સુધીમાં અનેક દુકાનદારોએ રાજીનામાં ધરી દીધા છે. ત્યારબાદ અનેક દુકાનદારોએ તો સિક્યુરિટી ગાર્ડ અને બીજાની દુકાનમાં નોકરી કરવા જેવા રસ્તા અપનાવ્યા છે.
સરકારની બેધારી નીતિ અને અધિકારીઓના
વહીવટના કારણે દુકાનદારોને હાલાકી
ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું કે ભારત વર્ષમાં રેશનિંગ પ્રથા અંગ્રેજોના જમાનાથી આવી છે. ત્યારે 100 ટકા ખરીદી રેશનિંગથી થતી હતી. તેમાં કાપડ સહિતની 32 આઈટમોનો સમાવેશ થતો હતો. આ સમયે દુકાનદારોને જથ્થો વધારે વેચવાનો આવતો એટલે 3 ટકાનું જેટલું ઓછું કમીશન રાખવામાં આવ્યું હતું. ધીમે ધીમે રેશનિંગમાં માલ ઓછો થતો ગયો, દુકાનદારોને ટ્રકો મોઢે માલ આવતો, જે રીક્ષામાં આવવા લાગ્યો. આ સમયે સનદી અધિકારીઓએ કઈ વિચાર ન કર્યો અને જડ નીતિ વાપરી. સ્વાભાવિક છે કે ભૂખ્યો માણસ પેટનું પૂરું કરવા ગમે તે પ્રયત્ન કરે. આ બધું કરવામાં અધિકારીઓ પણ ભાગીદાર બન્યા. હપ્તા ચાલુ થયા અને દુકાનદારોને રસ્તો મળી ગયો. સરકારની બેધારી નીતિ અને સનદી અધિકારીઓનો વહીવટ આ બન્નેને કારણે સસ્તા અનાજના દુકાનદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. અત્યારે સસ્તા અનાજના દુકાનદારોને સરકાર દ્વારા જે કમિશન મળી રહ્યું છે. તે પરવડે તેમ નથી.
હવે તો ઘરેથી પણ કહે છે, દુકાન બંધ કરી વડાપાઉંની રેંકડી કાઢો તો કંઈક વળશે
સસ્તા અનાજના વેપારી અને એસો.ના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ ડવે જણાવ્યું કે સસ્તા અનાજના દુકાનદારો પ્રમાણિક રહેવા જ ઈચ્છે છે. અમો ઘણા વર્ષોથી અમારી સમસ્યાની સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ સરકાર કોઈપણ પગલું ભરી રહી નથી. છેલ્લા 25 વર્ષથી દુકાન ધરાવું છું. રાજકોટ શહેરના સસ્તા અનાજના દુકાનદારો પાસે 100થી150 સુધીના કાર્ડ છે. જૂજ દુકાનદાર હશે જેને 300 કાર્ડ ધારકની દુકાન હશે.જો કાર્ડની દુકાનમાં 15થી 17 ગુણી ઘઉં આવે છે છથી સાત ગુણ ચોખા આવે છે. 117 રૂપિયા હાલ કમિશન છે જેમાંથી 25 રૂપિયા ડોર સ્ટેપ ડીલેવરીના બાદ થાય છે જેથી 92 રૂપિયાનું વળતર અમને મળે છે. 92 રૂપિયા વળતરમાં અમને એક કટાએ બે થી અઢી કિલો ઘઉં ગોડાઉન પર થી ઓછા આવે છે. આનિ ઘટ અમને સરકાર આપતી નથી દર મહિને 15 થી 17 કટા ઘઉં તેમજ ચોખાના 6 થી 7 કટા એમ કુલ 25 થી 30 કટા વેપારીને આવતા હોય. આ રીતે ચોખા અને ઘઉં બંનેમાંથી 30 કટે 60 કિલોની અમને નુકસાની છે. આમાં કમિશનના રૂપિયામાંથી અમારો ધસારો અમને નડે છે.
સરકાર અમને એક કિલોની ઘટ કાપી દેતી નથી અને કમિશન પણ વધારી દેતી નથી. આ મોંઘવારીની અંદર અમને 100 થી 150 કાર્ડ માથી 2200 થી 2500 રૂપિયા કમિશનની આવક થાય છે. તેની સામે આ મોંઘવારીમાં ખર્ચ ત્રણ ગણો થાય છે. તોલાટનો પગાર 3000,દુકાન ભાડું 3 થી 5 હજાર,સ્ટેશનરી ખર્ચ 500 થી 700 રૂપિયા લાગે છે. ત્યારે આમાંથી અમારા કુટુંબનું ભરણપોષણ શામાંથી કરવું અમારા સંતાનો પણ કહે છે કે હવે આમાંથી રાજીનામું આપી અને વડાપાઉંની રેંકડી ચલાવો. સરકાર અમને કમિશન વધારી આપે તો સારું છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં નાનામાં નાના વેપારીને 150થી 200 થી વધારે કાર્ડ વાળા દુકાનદારને 22000 તેમજ 300 થી વધારે કાર્ડ વાળા દુકાનદારને 30,000 કમિશન આપવામાં આવે છે. મોંઘવારીમાં સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે પગારપંચમાં વધારો કરવામાં આવે છે. છતાં તે લોકો મોંઘવારી ભથ્થા માટે આંદોલન કરતા હોય. ત્યારે આ વ્યવસાયમાં આમરે કોઈ ગ્રાહક ને ઓછુ દેવું નથી. પરંતુ અમારા કુટુંબના ભરણપોષણ માટે સરકાર અમારું કમિશન વધારે એવી અમારી માંગણી છે
છેલ્લા 10 વર્ષમાં કાર્ડની સંખ્યા ઘટતી ગઈ
પણ સામે કમિશન વધવાને બદલે યથાવત રહ્યું
સરકાર સમક્ષ અમારી માંગણી ઘણા વર્ષોથી રજૂ કરવામાં આવી છે જેની સરકાર દ્વારા હજુ કોઈ નોંધ લેવામાં આવી નથી. જે કમિશન હાલ અમને આપવામાં આવે છે તે 2010નું કમિશન ગણી શકાય છે દસ વર્ષ પહેલાનું કમિશન અત્યારે આપવામાં આવી રહ્યું છે.
અમારી સમસ્યા ઉભી થવાનું કારણ 2010માં એપીએલ ઘઉં-ચોખા આપવામાં આવતા, કેરોસીન આપવામાં આવતું એટલે અમારી પાસે જથ્થો પૂરેપૂરો સરકાર પાસેથી આપવામાં આવતો હતો જેથી એનું કમિશન અમને પૂરેપૂરું આવતું જ્યારે એક કમિશન અંદર અમારું ગુજરાન ચાલતું હતું દિવસો જતા ગયા તેમ સરકારે કેરોસીન અને એ.પી.એલ ઘઉં-ચોખા બંધ કર્યા જેથી જણસી ઘટતી ગઈ તેના હિસાબે અમારે કમિશન ઘટતું ગયું જેથી અમારી કાર્ડની સંખ્યા પણ ઓછી થતી ગઈ.હાલ સમસ્યા ઉભી થવાનું કારણ દુકાનદારની કાર્ડની સંખ્યામાં ઘટાડો થયો છે 300 કાર્ડ સુધીની ભાગ્યે જ કોઇ દુકાન ધરાવતું હશે. રાજકોટ શહેરમાં 100કાર્ડની દુકાનમાં માત્ર ઘઉં ચોખા અને દાળ આપવામાં આવે છે ત્યારે એનું કમિશન જો ગણવામાં આવે તો 100 કાર્ડ પર 2200 થી 2500 રૂપિયાનું જ કમિશન મળે છે.
આ કમિશનની સામે અમારો દુકાનનો ખર્ચ 12 થી 15 હજારનો થતો હોય છે. અત્યારે દુકાનદારો ખોટમાં દુકાન ચલાવી રહ્યા છે એમ કહી શકાય. હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કોરોના સમયથી જે જથ્થો આપવામાં આવી રહ્યો છે તે યથાવત છે. પરંતુ માર્ચ મહિનાથી રાજ્ય સરકાર તરફથી જ જથ્થો આપવામાં આવશે ત્યારે 100 કાર્ડ ધરાવતા દુકાનદારને જે 2200 થી 2500 રૂપિયા કમિશન મળતું તે સીધું ઘટીને 1250 રૂપિયાનું કમિશન જ મળશે.ત્યારે આમ ગુજરાન ચલાવવું શક્ય નથી.
માર્ચ મહિના બાદ અમારી પાસે રાજીનામું આપવાનો જ વિકલ્પ રહેશે.100 કાર્ડ વાળો દુકાનદાર પણ જો ખોટું કરે તો સરકારને તરત જાણ થઈ જતી હોય છે. ખોટું એટલે ઓફલાઈનમાં અમારાથી મિસ કાર્ડ બની ગયું હોય તો સરકાર અમારી પાસે નોટિસ દ્વારા ખુલાસો માંગે છે. તંત્ર તરફથી અમને ખુલાસો પુછવામાં આવે છે. રાજકોટ શહેર માં 195 સસ્તા અનાજની દુકાન છે.30 દુકાનદારોએ રાજીનામાં આપી દીધા છે.સમગ્ર જિલ્લામાં 700 સસ્તા અનાજના દુકાનદારો છે. સરકારને એ પણ ધ્યાન દોરવાનું છે કે જે ખરેખર એનએસએફએ કાર્ડના હકદાર છે તેઓને જ અનાજ મળે ઘણા લોકો આ કાર્ડ નો ખોટી રીતે લાભ મેળવી રહ્યા છે. જેથી જે જરૂરિયાતમંદ એનો લાભ મેળવી શકે.