અબતક, રાજકોટ :
લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુ સાથે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય મતદાતા” દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના અનુસંધાને રાજ્યકક્ષાની વર્ચ્યુઅલ ઉજવણીમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર જોડાયું હતું.
આ તકે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજના દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, કોઈપણ એલિજિબલ મતદાતા મતદાન કરે તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો સહિત તમામ મતદાતાઓ માટે મતદાન બુથ પર વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કલેક્ટરે યુવા મતદારો તેમના નામ મતદાર યાદીમાં નોંધાવે અને દરેક મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો. રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ બી.એલ.ઓ., સુપરવાઈઝર, કેમ્પસ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા હતાં તેમજ શ્રેષ્ઠ સુપરવાઈઝર અને બી.એલ.ઓ. ની કામગીરીને કલેકટરે બિરદાવી હતી. રાજ્ય કક્ષાએ રાજકોટ જિલ્લાના ગોંડલના શ્રી રાજેશ આલ તેમજ બી.એલ.ઓ. પ્રજ્ઞાબેનની કામગીરીને રાજ્ય કક્ષાએ સરાહના કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અંગે એક વિડીયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જીનિયસ સ્કૂલના સ્પીકર રોહિત સિક્કા દ્વારા યુવા મતદારોને મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચન્દ્રાએ વિડીયો મેસેજ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવતી કામગીરી અંગે માહિતી પુરી પાડી ચૂંટણી પ્રક્રિયા વધુ સુદ્રઢ બને તે માટે ટેક્નોલોજી અને એપનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ કોરોના સમયે ખાસ એસ.ઓ.પી. સાથે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.ગાંધીનગરથી રાજ્ય ચૂંટણી અધિકારી દ્વારા ખાસ મતદાતા જોગ સંદેશ પાઠવી વર્ષમાં ચાર વખત મતદાર યાદી સુધારાના કાર્યક્રમ હાથ ધરવામાં આવતો હોઈ ૧૮ વર્ષ પૂર્ણ થતા યુવાઓ મતદાતા તરીકે જોડાય તેવી ખાસ અપીલ કરી હતી.
આ પ્રસંગે જીનીયસ સ્કુલ,આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહીત યુવાનો ઓનલાઇન જોડાયા હતાં અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા આ વર્ષના “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની નક્કી કરવામાં આવેલ થીમ છે – ”ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”. આ વિષય વસ્તુ આધારે સમાવિષ્ટ ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારો, યુવા મતદારો, થર્ડ જેન્ડર, સ્થળાંતરિત સમૂહો વિગેરેનો સમાવેશ થાય છે. દિવ્યાંગ મતદારો, શારિરિક અક્ષમ અને વયસ્ક મતદારો માટે સુગમ ચૂંટણી અને દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓ, અંધજન મંડળ, મહિલા સામાખ્ય, એનસીસી, એનએસએસ, જેવી સંસ્થાઓ અને વિવિધ સામાજીક સેવા સંગઠનોના સહયોગથી સહભાગી ચૂંટણી પ્રકિયાનો અર્થ સૂચવે છે.
આજના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કર, અધિક કલેકટર એન. આર. ધાધલ, નાયબ ચૂંટણી અધિકારી સિદ્ધાર્થ ગઢવી સહીત ચૂંટણી શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતાં.