ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાન સાથે રાજદ્વારી સબંધો સિમિત કરવાની મહેચ્છા: બીજી તરફ અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના દળોને સહયોગ ન આપવાની પાક.ની ચીમકી
જૂના મિત્રો અમેરિકા અને પાકિસ્તાનના સબંધો છેલ્લા ઘણા સમયથી કથળી રહ્યાં છે. વૈશ્ર્વિક સમુદાય પાકિસ્તાન ઉપર આતંકને પનાહ ન આપવા દબાણ કરી રહ્યો છે. જયારે અમેરિકા પણ પાક.ને આતંકી રાષ્ટ્ર જાહેર કરવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આતંકવાદ સામે કડક હાથે કામગીરી કરવા માંગે છે. પરિણામે પાકિસ્તાનને અપાતી આર્થિક સહાય પર પણ કાપ મુકવામાં આવ્યો છે.
પાકિસ્તાન હાલ અમેરિકા સાથેના સબંધોમાં ત્રણ વિકલ્પો તપાસી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના દળો લાંબા સમયથી આતંકીઓ સામે યુદ્ધ લડી રહ્યાં છે ત્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના દળો માટે પહોંચાડવામાં આવતી સહાયના રસ્તા બંધ કરવાનો વિચાર પાકિસ્તાનનો છે. પાકિસ્તાની મીડિયા અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો પણ સીમીત કરવાનો તર્ક આપી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામેની લડાઈમાં અમેરિકાનો પાકિસ્તાન સહયોગ નહીં આપે તેવી શકયતા પણ છે.
પાકિસ્તાન હવે ધીમે ધીમે ચીન તરફ ઢળતુ જાય છે. અમેરિકા પાસેથી એફ-૧૬ લડાકુ વિમાન ખરીદવા પણ હવે પાકિસ્તાનને રસ નથી. અમેરિકાએ હબીબી બેંક પર પ્રતિબંધ મુકતા પાકિસ્તાનને ગંભીર ફટકો પડયો છે. આ ઉપરાંત વૈશ્ર્વિકસ્તરે પણ હવે અમેરિકાએ પાકિસ્તાનને ટેકો આપવાનું બંધ કર્યું છે. અમેરિકાએ તો શંકાસ્પદ આઈએસઆઈ એજન્ટો ઉપર પણ પ્રતિબંધ મુકી દીધા છે. આ સમગ્ર સંકેતો પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની અમેરિકાની તૈયારી દર્શાવે છે. પ્રથમ આર્થિક સહાય આપવાનું બંધ કર્યા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો બચાવ પણ અમેરિકાએ બંધ કર્યો. ત્યારબાદ આતંકી સંગઠનો અને તેને આર્થિક સહાય પૂરી પાડનાર સંસ્થાઓ ઉપર પણ લગામ લગાવી બાદમાં આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવા તાકીદ કરી અને હવે ધીમે ધીમે રાજદ્વારી સબંધો સીમીત કરવાની તૈયારી થઈ છે.