અબતક, રાજકોટ
આખા દેશની નજર આગામી તા.1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર મંડાયેલી છે. લોકોને એ ઉત્સુકતા છે કે નાણાંમંત્રી નિર્મલા સિતારામન કેવું બજેટ રજૂ કરે છે? કારણ કે એક બાજુ કોવિડનો મારને બીજી બાજુ થનારી 5 રાજ્યોની ચૂંટણી. આ વખતનું બજેટ ઘણી બધી બાબતે વિશિષ્ટ હશે. લોકોને અનેક પ્રકારની અપેક્ષા છે. ખાસ કરીને ઇન્કમટેક્સમાં રાહત, જીએસટીના સ્લેબમાં બદલાવ, 80-સી માં રોકાણની વધુ મર્યાદા સહિત અનેક પ્રકારની રાહતોની ઝંખના લોકો રાખી રહ્યા છે ત્યારે ‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં રાજકોટના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન વઘાસીયા અને અમિત લાખાણીએ બજેટ અંગે રસપ્રદ ચર્ચા કરી જેના અંશો અત્રે રજૂ કરાયા છે.
આગામી બજેટમાં રોકાણો પર ટેક્સ બેનિફીટ મળે એ સમયની માંગ
પ્રશ્ર્ન : આર્થિક બાબતો વિશે કશું જ ન જાણતા રાજનેતાઓ લોન માફ કરવા કે અન્ય રાહતો આપવાની જાહેરાતો કરે છે તે કેટલું યોગ્ય?
જવાબ : લોકોને લલચાવતી જાહેરાતો રાજ્યો અને કેન્દ્રની ચૂંટણી વખતે ભૂતકાળમાં પણ થઇ છે. લોન માફ કરવાની વાતો કરતા રાજકીય પક્ષોને બેંકોની સ્થિતિ અંગે કોઇ ડેટા હોતો નથી. બેંક પાસે આવકના સોર્સ ક્યાં? લોન માફ કરે તો બેંકોને એ ઘટ કેવી રીતે પુરવી? બેંકના ખાતા ધારકોને એની અસર થતી હોય છે કેમ કે બેંકની બેલેન્સસીટ પર તેનું ભારણ આવે એટલે લીક્વીડીટીનો પ્રશ્ર્ન સર્જાય છે. બિનજરૂરી લાણી કરવી યોગ્ય ન ગણાય. ઘણીવાર રાજ્યકક્ષાએ જાહેરાતો થતી હોય છે તો કેન્દ્ર જેટલા હક્કો રાજ્ય સરકારને હોતા નથી ત્યારે કેન્દ્રની મંજૂરી વગર આવા વચનો આપવા અયોગ્ય ગણાય.
1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રિય બજેટ વિશે ‘અબતક’ના ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન વઘાસીયા અને અમિત લાખાણીએ કરી મુદ્ાની વાતો
પ્રશ્ર્ન : વિશ્ર્વના 102 ધનકુબેરોએ પોતાની પાસેથી વધુ ટેક્સ વસૂલવા માંગણી કરી છે ત્યારે ભારતમાં આવું કર્યું હોય તો?
જવાબ : સૌથી પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કે ટેક્સ શું છે? શા માટે વસૂલાય છે? જેમકે એક કુટુંબમાં પાંચ વ્યક્તિ કમાય તેમાંથી ત્રણ વ્યક્તિની આવક વધુ છે અને બે વ્યક્તિની ઓછી છે તો એમાં સરભર કરવું પડે. આવી જ રીતે આપણો દેશ એક કુટુંબ છે. ધનાઢ્યો 5-7 ટકા વધુ ટેક્સ આપે તો તેમને ખાસ ફેર નહીં પડે પણ અસંખ્ય ગરીબ માણસોને રાહત થશે. ભારતમાં આવી રીતે ધનકુબેરો પર 1 કરોડ આવક ઉપર 10 ટકા સરચાર્જ છે. તેમાં હવે વધારો કરી શકાય.
પ્રશ્ર્ન : જીએસટીના માળખા બાબતે ઘણા પ્રશ્ર્નો ઉદ્ભવે છે તો હવે સ્લેબ બદલવો જરૂરી છે?
જવાબ : આપણે ત્યાં અત્યારે સર્વિસ પ્રોવાઇડર માટે 20 લાખની આવક પછી અને વસ્તુની લે-વેચ કરનારી પેઢીમાં 40 લાખ પછી જીએસટી લેવાય છે. આગામી સમયમાં સર્વિસ પ્રોવાઇડરને 40 લાખ પછીના દાયરામાં લઇ શકાય. આપણે ત્યાં 28 ટકા જીએસટી ચૂકવનારી પેઢીઓ પોતાને 18 ટકામાં લઇ જવા માંગણી કરે છે.
જીએસટીના દરમાં ફેરફાર આવશ્યક: મેડિક્લેમનું પ્રિમિયમ આવકવેરામાં બાદ મળવું જોઇએ: વર્ક ફ્રોમ હોમ કરનારાને કોમ્પ્યૂટર-ફર્નિચરનો ખર્ચ પણ બાદ આપવો જરૂરી
પ્રશ્ર્ન : જીએસટીની 4 વર્ષની સફર કેવી રહી?
જવાબ : કોઇપણ નવું પગલું અગવડતાવાળું હોય છે. જીએસટીને 4 વર્ષ થયાં એટલે કે હજુ પરિપક્વતા આવી નથી કેમ કે કોઇપણ કાયદો 10 વર્ષે સેટ થઇ શકે. સરકાર, અધિકારીઓ અને વેપારી પક્ષે સમજ વધે તે જરૂરી છે. આપણે ત્યાં ડ્યુઅલ જીએસટી છે એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેના અલગ જીએસટી હોવાથી ઘણી મુશ્કેલી થતી હોય છે પરંતુ સહિયારા પ્રયત્નોથી સમાધાન સાધી શકાય.
પ્રશ્ર્ન : ભારતમાં ટેક્સના દર ઊંચા છે એટલે વધુ ટેક્સ ચોરી થાય છે એ વાત કેટલી સાચી?
જવાબ : હા, આ વાત સાચી છે, લોકો વધુ ટેક્સ હોવાથી લોભ-લાલચને કારણે ટેક્સ ચોરી કરતા હોય છે. સરકારે સૌથી પહેલા ટેક્સના દરમાં ફેરફાર કરવા જરૂરી છે કેમ કે 100 રૂપિયાની વસ્તુ પર 28 રૂપિયા ટેક્સ લાગતો હોય તો ઘણી વખત બિલ વગર વસ્તુ આપીને 28 રૂપિયા સસ્તું કરવા ટેક્સ ચોરી કરાય છે એની સામે 5-7 ટકા ટેક્સ હોય તો એને માટે કોઇ ચોરી કરે નહિં. વિશ્ર્વના વિકસિત દેશો ઓછા ટેક્સમાં વધુ આવક કરી લોકોને ટેક્સ ભરવા પ્રેરણા આપે છે.
પ્રશ્ર્ન : ટેક્સ ચોરી શા માટે થાય છે?
જવાબ : ઇન્કમટેક્સ અને જીએસટીના દરમાં ફેરફાર કરીને ટેક્સ ચોરી રોકી શકાય છે. સામા પક્ષે સરકારની આવક ઘટવી ન જોઇએ નહીંતર લોકોને સુવિધા કેમ મળશે? ટેક્સ રેઇટ ઘટે તો ટેક્સ ચોરી અવશ્ય ઘટાડી શકાય, આગામી બજેટમાં ટેક્સ રેઇટમાં ફેરફાર આવે એવી આશા રાખવામાં આવી રહી છે.
પ્રશ્ર્ન : ઇન્કમટેક્સ લિમીટમાં કેવા ફેરફારની જરૂર છે?
જવાબ : અત્યારે 5 લાખની મર્યાદા છે પણ નવા સ્લેબમાં તેનો લાભ મળતો નથી જે મળવો જોઇએ. વળી મેડીક્લેઇમનું પ્રિમિયમ પણ ઇન્કમટેક્સમાં બાદ મળવું જોઇએ તો કોવિડકાળ દરમિયાન જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમને કોમ્પ્યૂટર, ફર્નિચર સહિતના ખર્ચા કર્યા છે તો આ બધા ખર્ચ ઇન્કમટેક્સમાંથી બાદ મળવા જોઇએ વળી ભાગીદારી પેઢીમાં 30 ટકાનો રેઇટ છે તે પણ ઓછો કરવો જોઇએ. આ બધી માંગણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનએ સરકાર સમક્ષ કરી છે.
પ્રશ્ર્ન : ટેક્સ બચાવવાના સાચા રસ્તા ક્યા?
જવાબ : ટેક્સ પ્લાનિંગ કરવું એ સૌથી સારો રસ્તો છે. તમારી આવકના પ્રમાણમાં તમે શ્રેષ્ઠ પ્લાનિંગ કરીને ટેક્સ બચાવી શકો છો. ટેક્સ ચોરી કરવી એ યોગ્ય રસ્તો નથી.
પ્રશ્ર્ન : લોકોને સી.એ.ની જરૂર શા માટે પડે છે?
જવાબ : સરકારે બધા ફોર્મ વેબસાઇટ પર મુક્યા છે પરંતુ નિષ્ણાંત વગર કોઇ કામ કરવું અઘરૂં થઇ પડે છે. જેમ કે આપણને તાવ આવે અને મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ લઇએ એ એક રસ્તો છે પણ તાવ શા માટે આવ્યો એ તો નિષ્ણાંત જ કહી શકે એટલે ટેક્સ બાબતે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચી સલાહ આપી શકે છે. ક્યારેક નાની-મોટી ભૂલ રહી જાય તો નોટિસ આવવાના ચાન્સ રહે છે. તમારી આવકના પ્રમાણમાં વાસ્તવમાં કેટલો ટેક્સ ભરવાનો થાય? ક્યાં બચત કરી શકાય એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ કહી શકે.
પ્રશ્ર્ન : આગામી બજેટ કેવું હોવું જોઇએ?
જવાબ : બજેટ એક વર્ષમાં રોડમેપ તૈયાર કરતું હોય છે. દેશના લોકો અને દુનિયાભરના રોકાણકારોની નજર દેશના બજેટ પર હોય છે ત્યારે ટેક્સની બધી ગુંચવણો દૂર થાય, બધા વર્ગને લાભ મળે, સરકારની આવક વધે, ટેક્સ દરમાં ફેરફાર થાય એવા બજેટની અપેક્ષા છે.