અગાઉ વહેલી સવારે અને રાત્રે એમ બે વખત થતી હતી શાકભાજીની હરરાજી: નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ નવી સિસ્ટમ શરૂ કરાવી

અબતક, રાજકોટ

રાજકોટ માર્કેટીંગ યાર્ડનું સુકાન ભાજપ દ્વારા યુવા નેતા જયેશ બોઘરાને સુપ્રત કરવામાં આવ્યું છે. નવા ચેરમેન સાથે હવે યાર્ડમાં નવી સિસ્ટમ પણ શરૂ થઇ જવા પામી છે.

જૂના માર્કેટીંગ યાર્ડમાં આજથી શાકભાજીની હરરાજી જે વર્ષોથી દિવસમાં બે વાર કરવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે અને હવે રોજ બપોરે 1 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી હરરાજી ચાલુ રાખવામાં આવશે.

હાલ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ હવે આ પ્રણાલીને કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જૂના માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની હરરાજી વહેલી સવારે અને રાતે કરવામાં આવતી હતી હાલ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે હવે આજથી બપોરે 1 વાગ્યાથી સળંગ રાત્રિના 8 વાગ્યા સુધી શાકભાજીની હરરાજી કરવામાં આવશે. હાલ આ પ્રણાલી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમલમાં મૂકવામાં આવી છે પરંતુ જો વધુ સમુસુતરૂં ઉતરશે તો કાયમી ધોરણે હવે યાર્ડમાં શાકભાજી હરરાજી સળંગ બપોરે 1 થી રાત્રિના 8 વાગ્યા સુધી કરી દેવામાં આવશે. યાર્ડનું સુકાન યુવા નેતાના હાથમાં સુપ્રત કરાયા બાદ પરિવર્તન દેખાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.