રસી લીધેલા ૩૦% લોકોએ ફક્ત ૬ જ મહિનામાં રોગ પ્રતિકારક શક્તિ ગુમાવી દીધી : સર્વે
એશિયન હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા વેક્સીન ઇમ્યુનિટી પર હાથ ધરાયેલા અભ્યાસ મુજબ ૩૦ ટકા જેટલી વ્યક્તિઓ છ મહિના પછી રસીથી મેળવેલ રોગપ્રતિકારક શક્તિ ગુમાવે દે છે તેવો ખુલાસો થયો છે. બીજી બાજુ અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટના સમયમાં થયેલા સર્વેમાં એવો ખુલાસો પણ થયો છે કે, અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ જ ‘સનાતન’ છે, બહારથી રસીના માધ્યમથી લેવાયેલી રોગ પ્રતિકારક શક્તિ એક સમય સુધી જ શરીરમાં રહે છે તેવું ફલિત થયું છે.
આ અભ્યાસ ૧૬૩૬ આરોગ્ય કર્મચારીઓ પર હાથ ધરવામાં આવ્યો હતો જેમને કોવિડ-૧૯ સામે સંપૂર્ણ રસી આપવામાં આવી હતી તેવું એઆઈજી હોસ્પિટલ્સની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સર્વે અંગે એઆઈજી હોસ્પિટલ્સના અધ્યક્ષ ડૉ. ડી નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું છે કે, અમારા અભ્યાસના પરિણામો અન્ય વૈશ્વિક અભ્યાસો સાથે સમાન હતા. જ્યાં અમને જાણવા મળ્યું કે, લગભગ ૩૦ ટકા વ્યક્તિઓમાં છ મહિના પછી ૧૦૦ AU/ml ના રક્ષણાત્મક પ્રતિરક્ષા સ્તરની નીચે એન્ટિબોડીનું સ્તર હતું. આ વ્યક્તિઓ હાયપરટેન્શન જેવી સહ-રોગ સાથે મોટાભાગે ૪૦ વર્ષથી ઉપરની હતી. ઉલ્લેખનીય બાબત છે કે, રસી લીધા બાદ પણ ૬ ટકા લોકોમાં કોઈ રોગપ્રતિકારક સંરક્ષણ જ વિકસિત નહીં થયાનું સામે આવ્યું છે.
પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે વય સાથે, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો સીધો પ્રમાણસર થાય છે જેનો અર્થ એ થાય છે કે વૃદ્ધ લોકો કરતા યુવાન લોકોમાં એન્ટિબોડીનું સ્તર વધુ ટકાઉ હોય છે.
અભ્યાસના સૌથી મહત્વપૂર્ણ પરિણામોમાંના એક દર્શાવે છે કે, હાયપરટેન્શન અને ડાયાબિટીસ જેવી સહ-રોગથી પીડાતા ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો સંપૂર્ણપણે રસી લીધાના છ મહિના પછી નોંધપાત્ર રીતે ઓછો એન્ટિબોડી પ્રતિભાવ ધરાવે છે તેવું પ્રકાશનમાં વધુમાં જણાવ્યું હતું.
એઆઈજીએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ અને બંને જાતિના હાયપરટેન્શન ધરાવતી ૪૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને સાર્સ-કોવ-૨ ચેપનું વધુ જોખમ હોઈ શકે છે અને આ વ્યક્તિઓને છ મહિના પછી બૂસ્ટર ડોઝ માટે પ્રાથમિકતા આપવી જોઈએ.
હાલમાં સાવચેતીના ડોઝ માટે નવ મહિનાના અંતરથી ૭૦ ટકા વસ્તીને ફાયદો થાય છે જેઓ છ મહિનાથી વધુ એન્ટિબોડી સ્તરો જાળવી શકે છે.
જો કે, આપણા દેશના માપદંડને ધ્યાનમાં લેતાં ૩૦ ટકા લોકો ખાસ કરીને હાયપરટેન્શન, ડાયાબિટીસ વગેરે જેવી સહ-રોગની સ્થિતિ ધરાવતા હોય, જેમને સંપૂર્ણ રસી લીધા પછી છ મહિના પછી ચેપ થવાની સંભાવના વધુ હોય છે.
બીજી બાજુ અમેરિકાના સર્વેમાં સ્પષ્ટ થયું છે કે, બહારથી દાખલ કરાતી રોગ પ્રતિકારક શક્તિની આવરદા ખૂબ જ મર્યાદિત છે અને અન્ય બીમારીઓ સામે લડવા માટે શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ જ સનાતન હોવાનું સર્વેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.
દેશમાં પ્રાણીઓ માટેની પ્રથમ રસી તૈયાર: આર્મી ડોગ્સ બાદ હવે ગીરના સાવજને મળશે વેક્સિન
હરિયાણાના હિસારમાં સ્થિત સેન્ટ્રલ હોર્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ માટે દેશની પ્રથમ કોરોના રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. ૨૩ આર્મી ડોગ્સ પર તેનું ટ્રાયલ સફળ રહ્યું છે. રસીકરણના ૨૧ દિવસ પછી કૂતરાઓમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯) સામે એન્ટિબોડીઝ જોવા મળી હતી. શ્વાન પરના સફળ ટ્રાયલ બાદ હવે ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કના ૧૫ સિંહો પર ટ્રાયલ ચાલી રહી છે, જેને ગુજરાત સરકારની પરવાનગી મળ્યા બાદ શરૂ કરવામાં આવશે. આ પછી, બજારમાં રસી મુકાશે અને ત્યાર પછી, પ્રાણીઓને પણ રસી આપી શકાય છે.અગાઉ ડેલ્ટા વેરિયન્ટને કારણે એક સિંહનું મૃત્યુ થયું હતું જેના કારણે ડેલ્ટા વેરિયન્ટનો ઉપયોગ રસી બનાવવા માટે કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે સેન્ટ્રલ ઇક્વિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હિસારના ડૉ.યશપાલ સિંહે કહ્યું હતું કે વાયરસ માણસોમાંથી પ્રાણીઓમાં અને પછી પ્રાણીઓમાંથી માણસોમાં સંક્રમિત થવાના ઘણા અભ્યાસો થયા છે. તેથી, પ્રાણીઓમાં પણ તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને રશિયાએ પણ રસી વિકસાવીને પ્રાણીઓને રસી આપવાનું શરૂ કર્યું છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે આપણા દેશમાં પ્રાણીઓ માટે રસી તૈયાર કરવા માટે લાંબા સમયથી રોકાયેલા હતા. હવે સંસ્થાએ રસી તૈયાર કરીને પ્રારંભિક પરીક્ષણમાં સફળતા હાંસલ કરી છે.