મિલટરી ઇન્ટેલિજન્સની ટીપ્સ પરથી મહિલા સહિતના આરોપી ઝડપાયા: સસ્તા સોનાના નામે છેતરપિંડીનું કાવતરું રચ્યું’તું
દરોડો પાડવા ગયેલી પોલીસ સાથે આરોપીઓએ કરી માથાકૂટ: ફરજ રૂકાવટનો પણ નોંધતો ગુનો
અબતક-વારીસ પટણી-ભુજ
ભુજમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. જેમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર બેલડીને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે બંને આરોપી પાસેથી નકલી ચલણી નોટો અને નકલી સસ્તા સોનાના બિસ્કિટ સહિત રૂ.૧૮,૧૯૬૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના કેટલાક લોકોને સસ્તા સોનાના નામે છેતરવાની પેરવી ભુજની ચીટર ટોળકી કરી રહી હોવાની મીલેટ્રી ઇન્ટેલીજન્સમાંથી પશ્ચિમ કચ્છ પોલીસને બાતમીના મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ એરપોર્ટર રોડ પર ગાંધીનગરમાં ચીટર દિલાવર કકલના મકાનમાં છાપો માર્યો હતો. પોલીસ રેડ દરમિયા ચીટર ટોળકીની મહિલા સહિતનાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એલસીબીએ એક મહિલા સહિત પાંચ ચીટરોને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી બોગલ નોટના ૬૯ બંડલો, સોનાના પાણી ચડાવેલ ૧૫ નંગ બિસ્કીટો, ભારતીય બનાવટની અલસી નોટ રૂપિયા ૩૯,૪૫૦ તેમજ કાર, જીપ, મોબાઇલો નંગ ૮ સહિત ૧૮,૧૯,૬૫૦ના મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ તળે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ગાંધીનગરીમાં દિલાવર વલીમામદ કકલના કબજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ ચીટર ટોળકીમાં નાસભાગ મચી હતી. દરમિયાન એલસીબીએ આરોપી દિલાવર કકલ, હાજી વલીમામદ કકલ, જાવેદ ઉર્ફે જાવલો ઇસ્માઇલ બલોચ અને અમીના વલીમામદ કકલ સહિત પાંચ ચીટરોને ઝડપી લીધા હતા. તેમજ તેમના ઘરમાંથી ૧૦૦, ૨૦૦, ૫૦૦ ની નકલી નોટના કુપન નંગ ૧૬૭૯ તથા બંડલ ૬૯ તેમજ અસલી ભારતીય ચલણી નોટના રોકડા રૂપિયા ૩૯,૪૫૦ તેમજ નકલી બનાવટની રૂપિયા ૨ હજારના દરની ૨૫ નોટો, તથા ૧૦ લાખની જીપ અને ૭ લાખની કાર તેમજ ૯૦ હજારના ૮ મોબાઇલ સહિત ૧૮,૧૯,૬૫૦નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીઓના ઘરમાં વધુ તપાસ કરતા તલવાર અને લોખંડનો પાઇપ મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી પૈકી દિલાવરે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, સસ્તા સોનાના નામે લોનું લેવા આવનારાને નકલી નોટો અને નકલી બિસ્કીટ આપી ચીટીંગ કરવાના હતા. તો બીજી તરફ દરોડો પાડવા ગયેલી મહિલા પોલીસ કર્મચારી સાથે આરોપી અમીના કકલે ઝપાઝપી કરી ધક્કો મારી ફરજમાં રુકાવટ કરતાં આરોપી મહિલા સામે એ ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટનો અલગથી ગુનો નોંધાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.