દેશમાં ત્રીજી લહેરનો અંત નજીક: 6 મહાનગરોમાં 10 દિવસમાં ઘટ્યા નવા કેસ
પોઝિટિવિટી રેઈટ પણ ઘટ્યો: 26 જાન્યુઆરી સુધીમાં દેશભરમાં પીક આવી શકે છે
અબતક, નવી દિલ્લી
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું પીક લેવલ ખૂબ જ નજીક છે. દેશના મહત્વના મહાનગરોમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા ઘટવાની શરૂઆત થઈ ચુકી છે. દેશમાં સૌથી પહેલા 27 ડિસેમ્બરથી નવા કેસ મુંબઈમાં વધવાની શરૂઆત થઈ હતી. અહીં 7 જાન્યુઆરી બાદ દર્દી સતત ઘટી રહ્યા છે. આ પ્રકારનો માહોલ હવે દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુ, ચેન્નઈ અને પુણેમાં જોવા મળે છે. દરમિયાન અનેકવિધ નિષ્ણાંતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ ફક્ત સાવચેતી રાખવાની જરૂરિયાત છે. કોરોના હવે ક્યાંય જવાનો નથી પરંતુ રોજિંદા જીવનમાં વણાઈ જશે અને એક સામાન્ય ફલૂ બનીને રહી જશે.
મુંબઈમાં પીક આવવામાં 12 દિવસનો સમય લાગ્યો છે, જ્યારે કોલકાતામાં પીક આવવામાં 14 દિવસનો સમય લાગ્યો. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ પણ ઘટવાની શરૂઆત થઈ ચુકી છે. જો આ પ્રકારે આગળ ટ્રેન્ડ યથાવત રહેશે તો 26 જાન્યુઆરી સુધીમાં દેશભરમાં પીક આવી જશે. નિષ્ણાતોના મતે ઓમિક્રોનને લીધે સૌથી પહેલા સંક્રમણની લહેર દક્ષિણ આફ્રિકામાં આવી હતી. અહીં 3 સપ્તાહ બાદ કેસ ઘટવાની શરૂઆત થઈ હતી. આ ટ્રેન્ડ બ્રિટનમાં પણ રહ્યો હતો. સ્પષ્ટ છે કે વિશ્વભરમાં જ્યાં પણ ઓમિક્રોન નવી લહેરનું કારણ હતું ત્યાં પણ લગભગ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો, જોકે, ભારતમાં મોટા શહેરોમાંથી ત્રીજી લહેરની શરૂઆત થયેલી, માટે દર્દીની સંખ્યા પણ સૌ પ્રથમ આ શહેરોથી જ ઘટવાની શરૂઆત થઈ છે. આ સ્થિતિને જોતા આગામી કેટલાક મહિનામાં ભારતમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ શકે છે. જો આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં પીક પણ આવી જશે. અત્યારે મહાનગરો અને વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં પીક આવ્યો છે. જો 5-7 દિવસમાં ઓછી વસ્તીવાળા શહેરો અને રાજ્યોમાં પણ પીક આવી જશે, કારણ કે હવે ડેલ્ટાનું સ્થાન ઓમિક્રોન લઈ ચુક્યું છે, માટે જેટલી ઝડપથી કેસ વધ્યા છે, એટલી જ ઝડપથી કેસ ઘટી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 3.17 લાખ નવા કેસોનો
ઉમેરો જ્યારે 2.23 લાખ દર્દીઓ સ્વસ્થ થયાં
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.17 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 2.23 લાખ લોકો સાજા પણ થયા છે, જ્યારે 484 લોકોના મોત થયા છે. પાછલા દિવસની તુલનામાં નવા કેસમાં 32,145 વધારો જોવા મળ્યો છે. અગાઉ 18 જાન્યુઆરીએ 2.82 લાખ લોકો સંક્રમિત મળ્યા હતા. અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9287 કેસ નોંધાયા છે. 8 મહિના પછી દેશમાં નવા કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. બીજી લહેરમાં, કેસમાં ઘટાડા દરમિયાન 15 મેના રોજ 3.11 લાખ કેસ જોવા મળ્યા હતા. એક્ટિવ કેસ એટલે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 91 હજાર 519 નો વધારો નોંધાયો હતો. હાલમાં દેશમાં 19.16 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં પ્રથમ વખત 2 લાખથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસની જાહેરાત
ફરજિયાત માસ્ક સહિતના અનેક પ્રતિબંધો હટાવાયા
વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે દેશમાં ફરજિયાત માસ્ક પહેરવા સહિતના અનેક પ્રતિબંધોને દૂર કરવાની જાહેરાત કરી છે. પીએમ જોનસને કહ્યું હતું કે અમારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનની લહેરની પીક સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે સરકાર દ્વારા ફરજિયાત માસ્ક સહિતના અનેક નિયમોને દૂર કરવામાં આવ્યા છે. જોનસને વધુમાં કહ્યું હતું કે સરકારે દરેક જગ્યાએ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ દૂર કરી દીધો છે. હવે લોકો ઈચ્છે તો જાહેર સ્થળોએ માસ્ક વગર ફરી શકે છે. આ સાથે ટૂંક સમયમાં જ શાળાના વર્ગોમાં ફરજિયાતપણે માસ્ક પહેરવાનો પ્રતિબંધ પણ દૂર કરાશે. દેશમાં ઓમિક્રોનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણાં નિયંત્રણો હળવા કર્યાં બાદ બ્રિટનમાં હવે લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવશે નહીં.
મોટા સમાચાર !! મહારાષ્ટ્રમાં સોમવારથી ખુલી શકે છે સ્કુલ
મહારાષ્ટ્રમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર છે. રાજ્યમાં સોમવારથી શાળાઓ ખુલી શકે છે. શિક્ષણ વિભાગે આ સંબંધિત પ્રસ્તાવ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલી આપ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ અંગે માહિતી આપી છે. બુધવારે પત્રકારો સાથે વાત કરતા વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી છે કે રાજ્યમાં જ્યાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું છે. ત્યાં સ્થાનિક વહીવટીતંત્રને શાળાઓ શરૂ કરવાનો અધિકાર આપવો જોઈએ અને શાળાઓ શરૂ કરવી જોઈએ. એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સોમવારથી શાળા શરૂ થાય તેવી શક્યતા છે. કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઘણા શાળા પ્રશાસન અને વાલીઓએ આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે અને શાળા ખોલવા માટે સોશિયલ મીડિયા પર સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળા પ્રશાસનની માંગ છે કે શાળા બંધ રાખવાને બદલે કોરોનાના નિયમોનું પાલન કરીને શાળા ચાલુ કરવા દેવામાં આવે. આ દરમિયાન, વર્ષા ગાયકવાડે બુધવારે માહિતી આપી હતી કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ ખોલવા સંબંધિત પ્રસ્તાવ મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે.