ઊંચો ફુગાવો, આયાતોમાં વધારો તેમજ અર્થતંત્રની વૃધ્ધિ ધીમી પડવાનો પ્રતિકૂળ અહેવાલો માથે હોવા છતાં વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલા તેજીના પગલે આ સમાચારો ડિસ્કાઉન્ટ થવા સાથે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. અને એનએસઇના નિફ્ટી ઇન્ડેક્સે આજે ૧૭૨ની સપાટીએ પહોંચી નવો વિક્રમ રચ્યો હતો.
વૈશ્વિક બજારોમાં જોવા મળેલ તેજીની સાથોસાથ સરકાર દ્વારા આગામી સમયમાં અર્થતંત્રને વેગ આપવા ચોક્કસ પેકેજ જાહેર કરાવાના આશાવાદ પાછળ આજે સ્થાનિક સંસ્થાઓની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૧૩૩ની ઊંચી સપાટીએ ખુલ્યા બાદ ઝડપથી આગળ વધીને ઇન્ટ્રાડે ૧૦૧૭૧.૭૦ની ઐતિહાસિક ઊંચી સપાટીને આંબી ગયો હતો.
જો કે, કામકાજના અંતે તે આ ઊંચી સપાટીએથી સ્હેજ પાછો ફર્યો હતો આમ છતાંય અંતે તે ૬૭.૭૦ પોઇન્ટ ઉછળીને ૧૦૧૫૩.૧૦ની નવી વિક્રમી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિક ખેલાડીઓ દ્વારા આજે પસંદગીના હેવી વેઇટ શેરોની સાથોસાથ સ્મોલ-મિડકેપ શેરોમાં પણ ધૂમ કામકાજ હાથ ધરાયા હતા. જેના પગલે બીએસઇ સેન્સેક્સ પણ કામકાજના અંતે ૧૫૧.૧૫ પોઇન્ટ વધીને ૩૨૪૨૩.૭૬ની સપાટીએ મજબૂત રહ્યો હતો.