ઉમેદવારો ઉપરના ક્રિમિનલ કેસો છુપાવતા પક્ષોની નોંધણી રદ કરવાની અરજી મામલે સુપ્રીમ સુનાવણી હાથ ધરશે
ઉમેદવારોનો ગુનાહિત ભૂતકાળ છુપાવવો એ પ્રજા સાથે છેતરપીંડી જ ગણી શકાય. આ મામલે સુપ્રીમ પણ ગંભીરતા દાખવી રહ્યું છે. ઉમેદવારો ઉપરના ક્રિમિનલ કેસો છુપાવતા પક્ષોની નોંધણી રદ કરવાની અરજી મામલે સુપ્રીમ સુનાવણી પણ હાથ ધરવાની છે.
જે પણ રાજકીય પક્ષો ચૂંટણી સમયે ક્રિમિનલ ઉમેદવારોને ટિકિટ આપે છે પણ તેમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છૂપાવે છે તેવા પક્ષોની નોંધણી રદ કરવામાં આવે. તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી. આ માટે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને આદેશ આપે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે.
હાલ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. એવામાં રાજકીય પક્ષો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની વિગતો જાહેર કરતા બચી રહ્યા હોવાના આરોપો સાથે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 13 જાન્યુઆરી 2022ના રોજ સમાજવાદી પાર્ટીએ કુખ્યાત ગેંગસ્ટર નાહિદ હસનને કૈરાના બેઠક પરથી ટિકિટ આપી છે.
જોકે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી થયું અને 48 કલાકની અંદર આ ગેંગસ્ટરનો ક્રિમિનલ રેકોર્ડ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત નથી કરવામાં આવ્યું. સાથે એવી માગણી સુપ્રીમ કોર્ટમાં થઇ છે કે જે પણ પક્ષો ક્રિમિનલ રેકોર્ડની માહિતી જાહેર ન કરે તેવા પક્ષોની નોંધણી રદ કરવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ આદેશ આપે. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે.