રોડના કામો, ભુગર્ભ ગટર અને ગેસ લાઈનમાં ભંગાણ, શ્ર્વાનનો ત્રાસ સહિતના પ્રશ્ર્નો ગર્જયા
અબતક, દર્શન જોશી
જૂનાગઢ
જૂનાગઢ મનપાનું ગઈકાલનું જનરલ બોર્ડ ભારે ગરમા ગરમ રહ્યું હતું, વિપક્ષોએ પ્રશ્નો અને આક્ષેપોની ઝળી વરસાવી હતી, જેમાં સાશક પક્ષના સભ્યોએ પણ શહેરીજનોની યાતના અંગે પ્રશ્નો કર્યા હતા. તો બીજી બાજુ મેયર એ પોતાના સાશન કાળના અઢી વર્ષ દરમિયાન રૂ. 877 કરોડના વિકાસ કામો થયા હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે મંગળવારે જુનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ બોર્ડમાં વિપક્ષે ખરાબ રસ્તા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. વિપક્ષ જણાવ્યું હતું કે અઢી વર્ષમાં માત્ર રોડ તોડવાના જ કામ થયા છે, શહેરમાં સાત સ્થળે અમૂલ ડેરીને મિલ્ક પાર્લર બુથ ફાળવ્યા છે ત્યારે વિપક્ષી નેતા અદ્ગેમાનભાઈ પંજાએ મોતીબાગ જેવા વિસ્તારમાં જમીનનો વારનો ભાવ 1 લાખ છે ત્યારે 35,400 કઈ રીતે નક્કી કરાયા છે તેવો પ્રશ્ન ઉઠાવી મને જગ્યા આપો હું 50 હજાર ભાડુ આપવા તૈયાર છું. આ સાથે તેમણે ફિલ્ટરનું પાણી મળતું નથી, નરસિંહ મહેતા તળાવનું કામ હજુ શરૂ થયું નથી અને મનપા એ જે સાધનો રૂપિયા 8 હજારમાં ખરીદ્યા છે તે જૂનાગઢના કારીગરો 7 હજારમાં બનાવી આપે છે, તેવા આક્ષેપ કર્યો હતો બીજી બાજુ વોર્ડ નંબર 6 ના વિપક્ષી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે મેયરે રોડનું કામનું ખાત મુહૂર્ત કર્યું ત્યારે બોર્ડ મારવામાં આવ્યા હતા આજે બોડે ક્યાં છે ? તેવા પ્રશ્નો સાથે લોક પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે વોડે નંબર 5 ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઈ પરસાણા એ રોડ બન્યા બાદ ભૂગર્ભ ગટર, ગેસની લાઈન માટે તોડી નાખવામાં આવ્યા છે ત્યારે રોડમાં માત્ર થીગડા મારી પેચવર્ક કરવાના બદલે તૂટેલા તમામ રોડ નવેસરથી બનાવવા જોઈએ. તેવી માંગ કરી હતી.
આ બોર્ડમાં પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂએ શહેરમાં વધતા જતા કુતરા વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શહેરમાં રાત્રે નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સૌપ્રથમ જનરલ બોર્ડમાં 6 મહિનામાં કૂતરાના ખસીકરણની કામગીરી શરૂ થઈ જશે તેવું જણાવાયું હતું, પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી ત્યારે આ મામલે કમિટી બનાવી રાજકોટ અમદાવાદ જેવી મહાનગરપાલિકામાં જઈ ત્યાં કઈ રીતે કામગીરી થાય છે તેની જાણકારી મેળવવા માટે કમિટીની રચના કરવી જોઈએ તેવી માંગ કરી હતી.
દરમિયાન મેયર ધીરુ ભાઈ ગોહેલે વિપક્ષના આક્ષેપ અને પ્રશ્નોના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે આંખો છે પરંતુ દ્રષ્ટિ હોય તો વિકાસના કામો દેખાય ને….? અઢી વર્ષના શાસનમાં કુલ મળી રૂ. 877 કરોડથી વધુના વિકાસ કામો કર્યા છે, ગિરનાર રોપ-વે શરૂ કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી, દામોદર કુંડ પાસે કામ માટે વન વિભાગની મંજૂરી મેળવી લેવાઇ છે, ઉપરકોટ, મકબરાના રીનોવેશન કામો માટે ગ્રાન્ટ લઈ આવ્યા છીએ, બાયપાસ 12 કિ.મી.નો કરાવ્યો છે, તળાવ દરવાજા, આંબેડકર નગરથી દોલતપુરા, દાતાર થી ભવનાથ સહિતના અનેક રોડ બનાવ્યા છે, અઢી વર્ષના શાસનમાં એક પણ આંદોલન થયા નથી, સ્વચ્છતા માટે સખી મંડળની બહેનોને રોજગારી આપી છે જ્યારે ઝૂપડપટ્ટીના 9 હજાર મકાનોનો હાઉસ ટેક્સમાં સમાવેશ કરાયો છે આમાંથી 5200 મકાનો માત્ર આંબેડકર નગર ના છે.