પડતર પ્રશ્ર્ને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર અપાયું: આંદોલનની ચિમકી
અબતક,જામનગર
જામનગરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડતા પાવરલાઇન કંપનીના કોન્ટ્રાકટરના ડ્રાઇવર અને કર્મચારીઓએ સોમવારે વીજળીક હડતાલ પાડતા સમયસર કચરો ન ઉપડતા શહેરમાં પારાવાર ગંદકીથી શહેરીજનોમાં દેકારો બોલી ગયો હતો. પગાર વધારો, કોન્ટ્રાકટરોની ગેરવર્તણૂંક, કારણ વગર કર્મચારીઓને છૂટા કરવાનો આક્ષેપ હડતાલ પર ઉતરેલા ડ્રાઇવર અને ચાલકોએ કરી મનપાના કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે બે કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જે પૈકી પાવરલાઇન કંપનીના ડ્રાઇવર અને કર્મચારીઓએ વીજળીક હડતાલ પાડી હતી. આથી અડધા શહેરમાં ડોર ટુ ડોર કચરો ન ઉપડતા શહેરીજનોમાં દેકારો બોલી ગયો હતો. હડતાલ પર ઉતરેલા ડ્રાઇવર અને કર્મચારીઓએ મનપાના કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. જેમાં કંપનીના કોન્ટ્રાકટરો તાનાશાહી અને અસભ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉપરાંત 12 મહિનાથી કોઇપણ પ્રકારનો પગાર વધારો કે એલાઉન્સ ન આપ્યાનું, સરકારના નિયમ મુજબ પીએફ કાપવામાં ન આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. તદઉપરાંત કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય કારણ વગર કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે તો કચરાનો વજન વધારવા માટી, કેરણ નાખવા ફરજ પાડવામાં આવતી હોવાનું જણાવ્યું છે. આથી કોન્ટ્રાકટરો સામે તાકીદે પગલાં લેવા માંગણી કરી છે. અન્યથા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
અન્ય કંપનીના વાહનો દ્રારા બપોર બાદ ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી
જામનગર મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર કચરો ઉપાડવા બે કંપનીને કોન્ટ્રાકટ આપ્યો છે તે પૈકી પાવર લાઇન કંપનીના ડ્રાઇવરો અને કર્મચારીઓએ સોમવારે અચાનક હડતાલ પાડી હતી. આથી અડધા શહેરમાં સવારે ડોર ટુ ડોર કચરો ઉપડયો ન હતો. પરંતુ બપોર બાદ અન્ય કંપનીના વાહનો અને કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કર્મચારીઓએ હડતાલ પર ઉતરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દોડી આવી જામનગર મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર કચરો ઉપાડવા પાવર લાઇન કંપનીને કોન્ટ્રાકટ આપ્યો હોય આ કંપનીના કચરો ઉપાડનાર ડ્રાઇવર અને કર્મચારીઓ પગાર વધારા સહિતના મુદે સોમવારે સુભાષબ્રીજ રોડ પર અચાનક હડતાલ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.