મોડી ફરિયાદ નોંધાતા હોસ્પિટલમાં પોલીસ સાથે પણ હોબાળો
જલારામ બાપાના પવિત્રધામ એવા વીરપુરમાં ગઈ કાલે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા એક જૂથના બે મહિલા સહિત પાંચ વ્યક્તિ ઘવાયા હતા. જેઓને સારવાર માટે વીરપુર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ હોસ્પિટલમાં પણ પોલીસે મોડી ફરિયાદ લીધી હોવાની રાવથી હોબાળો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વીરપુરના ભૂલેશ્વર વિસ્તારમાં ગઈ કાલે બે જૂથ વચ્ચે જૂની અદાવતના કારણે અથડામણ થતા પાંચ વ્યક્તિ ઘવાયાનું જાણવા મળ્યું છે. આ અંગે ભૂલેશ્વર વિસ્તારમાં રહેતા વિનુભાઈ ધરમશીભાઈ પટોલિયા (ઉ.વ.૫૫)એ વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિનુભાઈ પટોલિયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં રહેતા ઇલું ભાણા, ભકા ભાણા, ભાણા પુંજા અને મધુબેન ભાણાએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ હુમલામાં વિનુભાઈ ધરમસીભાઈ પટોલિયા, બેબીબેન વિનુભાઈ પટોલિયા, રાજુભાઇ વિનુભાઈ પટોલિયા, અજય વિનુભાઈ પટોલિયા અને પૂજાબેન ભરતભાઇ ગોસ્વામી ઘવાતા તેમને સારવાર માટે વીરપુર બાદ અત્રે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જૂથ અથડામણના બનાવમાં વીરપુર પોલીસ મોડી ફરિયાદ નોંધવા આવતા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો અને પોલીસ વચ્ચે હોબાળો થયો હતો. ત્યાર બાદ પોલીસે મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.