કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા આવેલા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા માટે ખાસ વ્યવસ્થા: મેયરની એન્ટી ચેમ્બરમાં પદાધિકારીઓ સાથે શુભેચ્છા બેઠક
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે બપોરે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ લેવા માટે આવ્યા હતાં. કોર્પોરેશનમાં રામનું આગમન થતાં પદાધિકારીઓ રિતસર ખડેપગે ગોઠવાઇ ગયા હતાં. વેક્સીન માટે પણ ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આટલું જ નહિં આધુનિક સુવિધાથી સુસજ્જ ફૂડ સેફ્ટી ઓન વ્હીકલનું રામભાઇના હસ્તે લોકાર્પણ કરવાનું તાત્કાલીક ગોઠવી દેવામાં આવ્યું હતું.
આજે બપોરે કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરીમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આધુનિક ઇસ્ટ્રુમેન્ટ સાથેની ફૂડ સેફ્ટી ઓન વ્હીકલનું મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર હતું. દરમિયાન આ ટાંકણે જ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું કોર્પોરેશન કચેરીમાં આગમન થતાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. જો કે રામભાઇ કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ લેવા માટે આવ્યા હતાં. તેઓની માટે પદાધિકારીઓએ ખાસ વ્યવસ્થા કરાવી આપી હતી. આટલું જ નહિં ફૂડ સેફ્ટી વ્હીકલનું લોકાપર્ણ પણ રામભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને મેયરે ચા-પાણી પીવા માટે બોલાવતાં તેઓ મેયર ચેમ્બરમાં પણ આવ્યા હતાં.
મેયર એન્ટી ચેમ્બરમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજશ્રીબેન ડોડીયા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા સામે એક શિસ્તબધ્ધ વિદ્યાર્થીની માફક ગોઠવાઇ ગયા હતાં. જો કે આ શુભેચ્છા બેઠક માત્ર 15 મિનિટ જ ચાલી હતી જેમાં કોઇ ચર્ચા થઇ ન હતી. પરંતુ કોર્પોરેશનમાં રામનું આગમન થતાં પદાધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.