ભાજપના નગરસેવિકા જયશ્રીબેન ચાવડાએ કોરોનાને સાઇડમાં મૂકી, મેલેરિયા, ચીકનગુનીયા અને ડેંગ્ન્યૂનો પ્રશ્ર્ન પૂછ્યો: વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનો,બીજા ક્રમે કોરોનાનો પ્રશ્ર્ન: બોર્ડના પ્રશ્ર્નોત્તરીકાળમાં 14 કોર્પોરેટરના 29 પ્રશ્ર્નોની જશે ચર્ચા
અબતક-રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 19મી જાન્યુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં રોગચાળો અને કોરોનાના મુદ્ે બોર્ડ તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો કોરોના મુદ્ે અધિકારીઓ અને શાસકોને ભિડવાના મૂડમાં છે. તો બીજી તરફ ભાજપના નગરસેવિકાએ કોરોનાને સાઇડ લાઇન કરી મેલેરિયા, ચીકન ગુનિયા અને ડેંન્ગ્યૂનો પ્રશ્ર્ન પૂછ્યો છે. બોર્ડમાં અલગ-અલગ 5 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આગામી 19મીના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં સૌ પ્રથમ ભાજપના નગરસેવિકા જયશ્રીબેન ચાવડાના પ્રશ્ર્નની ચર્ચા થશે. તેઓએ છેલ્લાં 3 માસમાં નોંધાયેલા મેલેરિયા, ચિકન ગુનીયા અને ડેંન્ગ્યૂના કેસ અંગેની માહિતી માંગી છે. બીજા પ્રશ્નમાં તેઓએ મહાપાલિકા હસ્તક કેટલાક હેડ પંપ આવેલા છે અને તે પૈકી કેટલા હેડપંપ છે તેની માહિતી પૂછી છે.
વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ ડિસેમ્બર-2021 અને જાન્યુઆરી-2022 સુધીમાં ક્યાં વોર્ડમાં કોરોનાના કેટલા કેસો આવેલા છે? તેની માહિતી ઉપરાંત આજસુધી કોરોના કાળમાં કેટલાં લોકોને કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને સ્મશાનના સંચાલકોને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ કેટલી સહાય ચુકવવામાં આવી છે તેની માહિતી માંગી છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરમાં મહાપાલિકા દ્વારા ક્યાં પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે અંગે માહિતી માંગી છે અને બજેટ રાખેલી અંદાજ મુજબ રાજ્ય સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી તેની પણ માહિતી માંગી છે.
જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરી કાળમાં આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર ભાવેશ દેથરીયા, જીતુ કાટોડીયા, મીનાબા જાડેજા, ડો.અલ્પેશ મોરજરીયા, સંદિપ કાજીપરા, નિલેશ જલુ, કિર્તીબા રાણા, જ્યોત્સનાબેન ટીલાળા, રસીલાબેન સાકરીયા, મનિષ રાડીયા, અસ્મિતાબેન દેલવાડીયા, વશરામભાઇ સાગઠીયા દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.બોર્ડ બેઠકમાં ટીપી સ્કીમ નં.4 (રૈયા)ના હોસ્પિટલ હેતુ માટેના અનામત પ્લોટ નં.407નો વાણિજ્ય વેંચાણના હેતુમાં હેતુફેર કરવા, જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવા, વોર્ડ નં.6માં શિતળા માતાના મંદિર પાસે સુલભ શૌચાલય દૂર કરવા, એર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્સ અંગે કામગીરી કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
સાધુ વાસવાણી રોડ પર હોસ્પિટલ હેતુ માટેની જમીનનો હેતુફેર કરાશે
શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ હાઇરાઇટ્સ બિલ્ડીંગની સામે આવેલા કોર્પોરેશનના 5,000થી વધુ ચો.મી.ના હોસ્પિટલ હેતુ માટે અનામત પ્લોટનું વાણિજ્ય વેંચાણના હેતુ માટે હેતુફેર કરવા અંગેની દરખાસ્ત અંગે જનરલ બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. ટીપી સ્કીમ નં.4 (રૈયા)ના હોસ્પિટલ માટેના અનામત પ્લોટ નં.407નો પ્લોટ રૈયાનગર પાલિકા વિસ્તાર જ્યારે મહાપાલિકામાં ફળ્યુ ત્યારથી હોસ્પિટલ હેતુ માટે અનામત હોવા છતા આ પ્લોટનું વેંચાણ થતું નથી. ખરીદી માટે પણ ક્યારેય કોઇ પૂછપરછ આવી ન હોય હવે આ પ્લોટની વાણિજ્ય વેંચાણ હેતુ માટે હેતુફેર કરવામાં આવશે.