અબતક, રાજકોટ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના 150 ફૂટ રીંગરોડ પર કેકેવી ચોકથી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં અલગ-અલગ 12 સ્થળોએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
કુબેર મોબાઇલ, લસ્સીવાલા, શિવમ સોનોગ્રાફી, પટેલ સુઝુકી, ઇક્વીટી મોટર્સ, સાયકલ હબ સહિતના આસામીઓએ માર્જીનમાં ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે 150 ફૂટ રીંગરોડ પર હાથધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં કુબેર મોબાઇલ, લસ્સીવાલા, શિવમ સોનોગ્રાફી, પટેલ સુઝુકી, ઇક્વીટી મોટર્સ, સાયકલ હબ, હરિદર્શન, આર્કેડ ઓનર્સ એસોસિએશન, રવેચી હોટલ, આર.કે. પ્રાઇમ, આર.કે. સુપ્રિમ, જીતુભાઇ સાવલીયા અને ધીરૂભાઇ વડાલીયા સહિત કુલ 12 આસામીઓએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકી દીધેલા ઓટલા-છાપરા, રોડ પરના રેંપ, ગ્રીન નેટ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને 120 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશ્ર્નર ટાઉન પ્લાનિંગ ઓફિસર, સીટી એન્જીનીયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં.