અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
વઢવાણ યાર્ડમાં ડુંગળી-બટેકાના 12 જેટલા વેપારી હોલસેલ વેપાર કરી રહ્યાં છે. ત્યારે છેલ્લાં 1 માસથી વાતાવરણના કારણે અંદાજે 17,500 કિલો એટલે રૂ. 7 લાખની ડુંગળી બગડી ગઇ હોવાનું વેપારીઓ પાસે જાણવા મળ્યું હતું. હાલ ડુંગળીની ખરીદીમાં પણ મંદી જેવા માહોલ સાથે તેમજ યાર્ડમાં પશુ-ભુંડના કારણે વેપારીઓ ત્રસ્ત બન્યાનું બહાર આવ્યું હતું. વઢવાણ યાર્ડમાં બટેકાના-7 અને ડુંગળીના 5 સહિત કુલ 12 જેટલા હોલસેલ વેપારી છે. આ યાર્ડમાં મહિના પહેલા ડુંગળીની 8 ગાડી આવી જેમાં 80,000 કિલો જેટલી ડુંગળી વેપારીઓએ લીધી હતી.
છેલ્લાં 1 માસથી વાતાવરણના પલટા સાથે વરસાદી માહોલ સહિતના કારણોને લીધે આ યાર્ડમાં વેપારીઓની રૂ. કિલોએ 40ના ભાવની 17,500 કિલોની રૂ. 7,00,000ની વેપારીઓની ડુંગળી બગડી જતા ચિંતાની લાગણી ફેલાઇ હતી. આ ઉપરાંત યાર્ડમાં જ્યારે આ ડુંગળી આવી ત્યારે કિલોએ રૂ. 40નો ભાવ હતો જે હાલ ખરીદીમાં પણ મંદીનો માહોલ દેખાતા રૂ. 15 થી 20ના ભાવે વેચવાનો વારો આવ્યો છે. આ અંગે યાર્ડમાં ડુંગળીના વેપારીઓએ જણાવ્યું કે, ખાસ કરીને વાતાવરણ અને માવઠાનો મોટો માર પડ્યો છે.
તેમજ યાર્ડમાં માલસામાન રાખવાની વ્યવસ્થા ન હોવાથી ખૂલ્લા શેડમાં માલ રાખવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત રખડતા ખૂંટ, ભુંડ સહિતના પશુઓ યાર્ડમાં ઘૂસી જતા ત્રાસ વધી ગયો છે. યાર્ડમાં 24 કલાક અંદાજે 5 જેટલા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યા છે અને તેઓને પણ આવા પશુઓ પાછળ દોડવું પડી રહ્યું છે. વાતાવરણ અને માલ બગડી જવાની સાથે સાથે હાલ 10 દિવસમાં ડુંગળીની પણ એક જ ગાડી યાર્ડમાં આવે છે.