નવા જાહેર કરાયેલા પરિણામને પણ નાપાસ થયેલા ઉમેદવારોએ પડકાર્યું
એસટીમાંવહીવટી કક્ષાની ૧૩ અલગ અલગ કેડરની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં અનેક વિવાદો બાદ વધુ એક છબરડો સામે આવ્યો છે. હાઇકોર્ટના આદેશથી તંત્રએ નવું પરિણામ તો જાહેર કર્યું છે પરંતુ કમ્પ્યૂટરની પરીક્ષા માટે જૂના રિઝલ્ટ પ્રમાણે ઉમેદવારોને બોલાવતા વિવાદ વકર્યો છે. હાઇકોર્ટ સમક્ષ થયેલી પિટિશનમાં કેટલાક પ્રશ્નોના જવાબ ખોટા હોવાથી હાઇકોર્ટે અગાઉના બંને પરિણામ રદ કરી નવેસરથી પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો હતો.
એસ.ટીમાં ૧૩ કેડરમાં ક્લાર્ક સહિતની ભરતી માટે યોજાયેલી પરીક્ષા માટે ગત ૧૪મી નવેમ્બરે ૧૦ હજારથી વધારે ઉમેદવારો હતા. જીટીયુ દ્વારા ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી. જેમાં ૪૦ માર્કસ પાસિંગના હતા. જેમાં પાસ થયેલી ઉમેદવારોને કમ્પ્યૂટરની પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, રિઝલ્ટમાં નેગેટિવ માર્કિંગ હોવાથી પરિણામ રદ કરવામાં આવે છે. તંત્રએ ૨૩મી જાન્યુઆરીએ રિવાઇઝ રિઝલ્ટ જાહેર કર્યું જેમાં કેટલાક અરજદારોને નાપાસ જાહેર કરતા તેમણે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જસ્ટિસ બેલાબેન
ત્રિવેદીએ નોંધ્યું હતું કે, પરીક્ષામાં કેટલાક પ્રશ્નના જવાબ પણ ખોટા છે ત્યારે બંને રિઝલ્ટ રદ કરી નવેસરથી રિઝલ્ટ જાહેર કરવામાં આવે.