હાઇકોર્ટ દ્વારા પરિપત્ર જાહેર કરાયો: કોર્ટ પરિસર વકીલો અને પક્ષકારોને આવવા સામે પ્રતિબંધ: કોર્ટ સંકુલમાં કેન્ટીન અને ભોજનાલય બંધ રાખવા આદેશ
અબતક,રાજકોટ
ગુજરાતમાં જેટ ગતિએ વધી રહેલા કોરોના કેસના કારણે તંત્ર દ્વારા દોડધામ મચી ગઇ છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા હાઇકોર્ટ દ્વારા પરિપત્ર બહાર પાડી સોમવારથી વર્ચ્યુઅલ કામગીરી કરવામાં આવશે, રાજયની તમામ અદાલતમાં પ્રત્યક્ષ કામગીરી બંધ કરી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી આગળ ધપાવવામાં આવશે કોર્ટ પરિસરમાં વકીલો અને પક્ષકારોને આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચીફ જસ્ટીશ અરવિંદકુમાર, ન્યાયમૂર્તિઓ, હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સિનિયર ધારાશાસ્ત્રીઓની મળેલી બેઠળ બાદ રજીસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટ અને નીચેની અદાલતોમાં તા.10 જાન્યુઆરી સોમવારથી ઓનલાઇન સુનાવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.ઓનલાઇન સુનાવણીમાં ઝુમ વીડિયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવશે, અરર્જન્ટ કેસની સુનાવણી માટે વકીલોએ ઇ-મેલ દ્વારા રજીસ્ટ્રીનો સંપર્ક કરવાનો રહેશે, ફિઝીકલ ફાઇલીંગ માટે હાઇકોર્ટના ગેઇટ નંબર 5 પર સવારે 11 થી 4 સુધી ફાઇલીંગ કાઉન્ટર રાખવામાં આવશે, જ્યારે જિલ્લા કક્ષાની નીચેની અદાલતોમાં પણ વર્ચ્યુઅલ સુનાવણી કરવાનો પરિપત્ર દ્વારા ર્નિદેશ આપવામાં આવ્યો છે.પોલીસ દ્વારા થતી રિમાન્ડ અરજીની મંજુર કરવાની અને આરોપીની જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલવાની કામગીરી વીડિયો કોન્ફરન્સથી થઇ શકશે તેમ ન હોવાથી દરેક કોર્ટમાં એક અથવા બે કોર્ટ આ કામગીરી કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે આ ઉપરાંત ઓન લાઇન સુનાવણીમાં કોઇ પક્ષકાર કે વકીલ હાજર ન હોય ત્યારે કેસની સુનાવણી આગળ ધપાવવામાં આવશે નહી તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
વાહન અકસ્માત વળતર અંગેના દાવા, મજુર અદાલતની કામગીરી અને ભરણ પોષણ અંગેના કેસની સુનાવણીના સમયે અરજદાર અને વકીલે હાજર રહી સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી મંજુર થયેલી રકમની ચુકવણી ડિઝટલ માધ્યમથી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેસની ચાલુ સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઝડપથી પુરી કરી તાત્કાલિક ચુકાદા જાહેર કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
વીડિયો કોન્ફરન્સના ઉપયોગ માટે કોર્ટ સંકુલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે સ્ટુડીયો ઉભો કરી તેનું સંચાલન કરવા માટે નિષ્ણાંતની મદદ લેવામાં આવશે તેમ પરિપત્ર દ્વારા જાહેર કરાયું છે.
મહાપાલિકા અને નગરપાલિકા દ્વારા નિયત સમયે કોર્ટ સંકુલમાં સેનેટાઇઝર કરવાની વ્યવસ્થા કરવી, કોર્ટ કર્મચારીઓ અને જ્યુડીશ્યલ ઓફિસરોને મુખ્ય મથક ન છોડવા અનુરોધ કરાયો છે.
કોર્ટ પરિસરમાં ચાલતી કેન્ટીન અને ભોજનાલયો નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરાવા આદેશ કરાયો છે. કોર્ટ સંકુલમાં આવતા વકીલો અને અરજદારોએ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવું, થર્મલ સ્ક્રીંગ કરવાનું અને આરોગ્ય સેતુ એપ ઇનસ્ટ્રોલ કરવા સહિતની સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા આદેશ કરાયો છે.