રાજકીય ચર્ચા વિચારણા આક્ષેપો પ્રતિ આક્ષેપો અને ખુલાસાઓ લોકતંત્રની શુદ્ધતા માટે અનિવાર્ય ગણાય છે પરંતુ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય હીતની વાત આવે ત્યારે કોઈપણ સંજોગોમાં બાંધ-છોડ અને 19-20 જેમ આઘા પાછું ન ચાલે. પંજાબમાં વડાપ્રધાનના કાફલાને અવરોધ આવ્યો આ મુદ્દો પંજાબમાં કોંગ્રેસ અને કેન્દ્રમાં ભાજપની સરકાર વચ્ચેનો રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ વડાપ્રધાનપદ રાષ્ટ્રનું અતિ મહત્વનું પદ છે તેમાં રાજકારણ કરતાં રાષ્ટ્ર ભાવના ને મહત્વ આપવું જોઈએ વડાપ્રધાનની સુરક્ષાનો પ્રોટોકોલનો મુદ્દો રાજકારણ રમવાની બાબત નથી એ તમામે સમજવું જોઈએ.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચુક જોવા મળી હતી. વાસ્તવમાં, ભટિંડા એરફોર્સ સ્ટેશન પર વડાપ્રધાન ઉતર્યા પછી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે, તેમના કાફલાને રોડ થી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો.આ માટે એસપીજી અને ગૃહ મંત્રાલયે સુરક્ષાના દૃષ્ટિકોણથી પંજાબ પોલીસના ડીજીપી સાથે વાત કરી હતી. જ્યારે તેમના તરફથી જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી હતી, ત્યારપછી પીએમ મોદીનો કાફલો રસ્તા પરથી પસાર થયો હતો, પરંતુ વચ્ચે એક જગ્યાએ વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે તેમનો કાફલો લગભગ 15-20 સુધી ફ્લાયઓવર પર રહ્યો હતો.
આ ઘટનામાં શંકાની સોય નેતા ઉપર પણ આવી છે. પંજાબમાં કોંગ્રેસનું સાશન છે. કેપ્ટન અમરીંદર સિંઘે કોંગ્રેસ છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. વડાપ્રધાન મોદી ઉપર કોંગ્રેસે દાઝ ઉતારી હોય તેવો ઘાટ પણ ઘડાયો છે.
પંજાબમાં ઘટેલી ઘટના ખરેખર નિંદનીય કહી શકાય. વડાપ્રધાનના કાફલાને વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડે તે ગંભીર ઘટના કહી શકાય. તેમાં પણ ઘટના બાદ ટીખળ કરવી એ અત્યંત દુ:ખદ કહી શકાય. આ ઘટના બાદ એક નેતાએ એવું ટ્વીટ કર્યું કે હાઉ ઇઝ ધ જોશ!! જો કે આ ટ્વીટ બાદ સ્મૃતિ ઈરાનીએ આ નેતાને આડે હાથ લીધા હતા.