ગાળો બોલવાના પ્રશ્ર્ને બે માસ પહેલાં થયેલી બોલાચાલીના કારણે કાચ ફોડી નાખ્યાની કબુલાત: સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલાયો
અબતક,રાજકોટ
હાથખાનામાં પાર્ક કરેલી ભાજપ અગ્રણીની બે કાર સહિત ત્રણ કારના કાચ ફોડી નુકસાન કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી રામનાથપરા અને ઘાચીવાડના ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા બે માસ પહેલાં હાથીખાનામાં ગાળો બોલવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીના કારણે ભાજપ અગ્રણીની કારને ટાર્ગેટ બનાવી કાચ ફોડી નાખ્યાની કબુલાત આપી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાથીખાનામાં આવેલી રામ મઢી સામે રહેતા ગૌતમભાઇ નિર્મળભાઇ કાનગડ અને તેમના પાડોશી નિલેશભાઇ સોનીની કારના કાચ ફોડી નાખ્યા અંગેની હેમલભાઇ ભરતભાઇ કાનગડે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડના પિતરાઇ અને રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમભાઇ કાનગડે પોતાની જી.જે.3જેઆર. 5077 નંબરની ઇનોવા, નવી નકોર અમેજ કાર અને પાડોશી નિલેશભાઇ સોનીની જી.જે.3એચએ. 5891 નંબરની માઇક્રા કારના ગત મધરાતે અજાણ્યા શખ્સોએ કાચ ફોડી નાખ્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઇ. સી.જે.જોષી, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા અને વિરલભાઇ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મળતા રામનાથપરા હુસેની ચોકના નોહિન ઉર્ફે નોઇલો નજીરખાન પઠાણ, ઘાચીવાડના આફતાબ ગાલબ અને શાહબાજ ઉર્ફે બાઘો સલીમ મેમણની ઘરપકડ કરી છે.ત્રણેય શખ્સોની પૂછપરછમાં બે માસ પહેલાં શાહબાજ ઉર્પે બાધો મેમણ હાથીખાનામાંથી પસાર થતો હતો ત્યારે ગાળો બોલતો હોવાથી ગૌતમભાઇ કાનગડે તેને અહીં કેમ ગાળો બોલે છે કહી ઠપકો દીધો હોવાથી ગતરાતે એક્ટિવા પર પેલેસ રોડ પર જયરાજ પ્લોટ તરફથી ત્રણ શખ્સો રાતે 3.51 કલાકે ઘસી આવ્યા હતા. ત્રણેય શખ્સએ રસ્તામાંથી પથ્થર વિણીને ગૌતમભાઇ કાનગડની બે કાર અને નિલેશભાઇ સોનીની એક કારના કાચ પર પથ્થર મારી ફોડી નાખ્યા હતા તેમજ એક શખ્સે ઇનોવા કારના બોનેટ પર ડીસમીસ મારી કાણું પાડી ત્રણેય શખ્સો એક્ટિવા પર રામનાથપરા તરફ ભાગી ગયાની કબુલાત આપી છે.