70 વર્ષીય પુરુષ અને 23 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો
દર્દીઓના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા
રાજ્યનો પ્રથમ ઓમિક્રોન દર્દી જામનગરથી સામે આવ્યા બાદ જિલ્લામાંથી વધુ બે શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. વિદેશથી આવેલા આ બંને દર્દીઓને હાલ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બંને દર્દીઓ જામનગરના જ છે અને તાન્ઝાનિયાથી આવ્યા બાદ કોરોનાના લક્ષણ જણાતા જામનગરની કોવિડ હોસ્પિટલમાં બંનેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોવાથી બંનેને શંકાસ્પદ ઓમિક્રોન વેરિયન્ટ તરીકે જાહેર કરી કોવિડ હોસ્પિટલ પ્રશાસને બંનેના નમૂના લઇ ગાંધીનગર મોકલી આપ્યા છે.
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થયાના બીજા જ દિવસે ગુજરાત રાજ્યનો પ્રથમ કેસ તા. 4 ડિસેમ્બરના રોજ નોંધાયો હતો. આ દર્દીના સંપર્કમાં આવેલાં તેની પત્ની અને સાળો પણ ઓમિક્રોન વેરિયન્ટ સંક્રમિત હોવાનું જાહેર થયું હતું. જેને લઇને જામનગરમાં એક જ સપ્તાહમાં ત્રણ દર્દીઓ નોંધાયા હતા. આ ત્રણેય દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા બાદ 14મા દિવસે રજા આપવામાં આવી હતી. ત્યારબાદ ઓમિક્રોન વેરિયન્ટની હાજરી વચ્ચે જામનગરમાં કોરોનાનો કહેર વધતો ચાલ્યો હતો.
દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં ગઈ કાલે આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા જામનગરના એક સિત્તેર વર્ષીય વૃદ્ધ અને તેની સાથેની 23 વર્ષીય યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર જ બંને દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા બાદ બંનેને એમ્બ્યુલન્સ દ્વારા રોડ મારફતે જામનગર લઇ આવી સીધા જ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ બંનેની હાલત સ્થિર છે એમ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જણાવ્યું છે. બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકન દેશની હોવાથી બંનેને હાલ ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીઓ ગણી ફરીથી નમુના લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રીપોર્ટ બાદ જ બંને નવા વેરિયન્ટ સંક્રમિત છે કે કેમ તેનો તાગ મળશે. બીજી તરફ જે ફ્લાઈટમાં બંને દર્દીઓ આવ્યા છે તે ફ્લાઈટના પેસેન્જરોને પણ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.