રાજકોટના શખ્સ સહિત ત્રણની ધરપકડ: 5.30 લાખનો મુદામાલ કબ્જે
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જસદણ તાલુકાના ખારચીયા ગામની સીમમાં ઠંડા પીણામાં દેશી દારૂ મીકસ કરી વેચાણ કરવાના કૌભાંડનો આટકોટ પોલીસે પર્દાફાશ કરી રાજકોટનો વાડી માલીક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કેફી પ્રવાહી ભરેલી 1360 બોટલો, ડ્રમમાંથી 1120 લીટર કેફી પ્રવાહી અને 10 લીટર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી, મોબાઈલ મળી ટ્રક 5.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ બંધીનો કડક અમલ કરવા અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં નબીરાઓ છાકટા વેડા ન કરે તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કડક પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવા આદેશ આપ્યા હતા.
આટકોટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટના ગોકુલધામ મેઈનરોડ પર આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતો વાલજી અનુ બાંભવા નામનો શખ્સ જસદણ તાલુકાના ખારચીયા ગામે આવેલી વાડીમાં ગોંડલના વેકરી ગામનો વિશાલ રતા ગમારા અને લખમણ દેવશી ગમારા નામનો શખ્સો ઠંડા પીણાની બોટલોમાં દેશી દારૂની ભેળસેળ કી વેચાણ કરતા હોવાની આટકોટ પોલીસ મથકના પી.આઈ. કે.પી. મહેતાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન વાડીમાંથી 500 એમ.એલ. કેફી પ્રવાહી ભરેલી 68000ની કિંમતની 1360 બોટલ, 1.12 લાખની કિંમતના 1120 લીટર કેફી પ્રવાહી અને 10 લીટર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી, વાહનો અને મોબાઈલ સહિત રૂ.5.30 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર દિવસથી ઠંડાપીણામાં ભેળસેળ કરી બોટલમાં ફૂટ અને હર્બલના સ્ટીકર લગાવી વેચાણ કરતા હતા.