પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રોડ-શોમાં મોડા પડતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની જીપમાં ગોઠવાઇ ગયા: વિ.આર. ડીએચ કોલેજે પહોંચ્યા ત્યાં સી.આર. ધ્રોલ જવા નીકળી ગયા: બંનેએ રાજકોટમાં આંખ પણ ન મિલાવી
અબતક, રાજકોટ
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન માટે રૂપાણી સરકાર અને પાટીલ સંગઠન વચ્ચે સંકલનનો અભાવ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનના સાડા ત્રણ મહિના પછી પણ વી.આર. અને સી.આર. વચ્ચે ખટાશ હોવાનું સતત બહાર આવી રહ્યું છે.
અગાઉ ગત મહિને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો રાજકોટમાં કાર્યક્રમ હતો ત્યારે પણ વિજયભાઇ રૂપાણી બહારગામ ઉપડી ગયા હતાં. આજે પણ બંને માધાંતાઓએ એક જ શહેરમાં હોવા છતાં એકબીજા સાથે આંખ મિલાવવાની કે મળવાની તસ્દી ન લીધી હતી. આ ઘટના રાજ્યભરમાં હાલ ચર્ચાનો વિષય બની ગઇ છે.
મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ 110 પછી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ રાજકોટમાં ભવ્યાતિભવ્ય રોડ-શો પણ કર્યો હતો.
અગાઉ નક્કી થયેલાં કાર્યક્રમ મુજબ તેઓની સાથે રોડ-શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ બે દિવસ પહેલા જ્યારે નક્કી થયું કે મુખ્યમંત્રીની સાથે પ્રદેશ અધ્યક્ષ પણ રાજકોટ આવશે અને રોડ-શોનું પ્રારંભ કરાવશે. આ વાતની જાણ થતાં સાથે ગઇકાલે વિજયભાઇ રૂપાણી ધરમપુર અને નવસારીના પ્રવાસે ઉપડી ગયા હતાં.
રાત્રિ રોકાણ તેઓએ ગાંધીનગરમાં કર્યું હતું અને સવારે એવા સમયે ગાંધીનગરથી બાય રોડ રાજકોટ માટે નીકળ્યા હતા કે તેઓ કોઇપણ સંજોગોમાં ભૂપેન્દ્રભાઇ પટેલના રોડ-શોમાં જોડાઇ ન શકે, જેનાથી તેઓએ પાટીલ સાથે પોતાના ઘરઆંગણે આંખ પણ મિલાવવી પડે.
જો કે, પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ગાજ્યા જાય તેમ નથી. જેવી તેઓને ખબર પડી કે વિજયભાઇ રોડ-શોમાં જોડાવવાના નથી કે તેઓ તરત જ મુખ્યમંત્રીની બાજુની સીટમાં ગોઠવાઇ ગયા અને સમગ્ર રોડ-શો દરમિયાન રાજકોટવાસીઓનો અભિવાદન પણ ઝીલ્યું આટલું જ નહિં પરંતુ એરપોર્ટ ખાતે જ્યારે પાટીલે કાર્યકર ચોક સંબોધન કર્યુ અને શહેર ભાજપ સંગઠનના વખાણ કર્યા પરંતુ તેઓ પોતાના ભાષણ દરમિયાન એક વખત પણ વિજયભાઇના નામનો ઉલ્લેખસુદ્વાં પણ ન કર્યો.
વી.આર. અને સી.આર. વચ્ચે મનમેળ ન હોવાના કારણે જ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની નૌબત સર્જાય હતી. તે વાત જગજાહેર છે પરંતુ હવે ભાજપના આ બંને ટોચના નેતાઓ વચ્ચે બોલવાની વાત તો દૂર રહી, આંખ મિલાવવાના પણ સંબંધ ન રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત 20મી નવેમ્બરના રોજ જ્યારે સી.આર.પાટીલ અલગ-અલગ કાર્યક્રમો માટે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ વિજયભાઇ રૂપાણી બહાનું આપી બહારગામ ઉપડી ગયા હતાં. ટૂંકમાં વીઆર અને સી.આર. એકબીજાની સામે આવવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે. હોંશભેર મુખ્યમંત્રી સાથે રોડ-શોમાં જોડાયેલા પ્રદેશ પ્રમુખને જ્યારે ખ્યાલ આવ્યો કે વિજયભાઇ રૂપાણી ડીએચ કોલેજ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે ત્યારે તેઓ રોડ-શોમાંથી સિધા ધ્રોલ જવા રવાના થઇ ગયા હતાં. ભલે બંને નેતાઓ એવું કહી રહ્યા હોય કે તેઓની વચ્ચે કોઇ મતભેદ કે ગજગ્રાહ નથી પરંતુ જે રીતે બંને નેતાઓ એકબીજા સાથે વર્તન કરી રહ્યાં છે તે જોતાં તેવું લાગી રહ્યું છે કે હજુ બંનેના મનમાં ખટ્ટાશ છે.