રાજકોટમાં વિકાસ કામોની હારમાળા સર્જતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
એક કલાકનો રોડ શો બાદ ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમ : ઇ-ગ્રામ તથા ઓર્ગેનિક ખેતીના એમઓયુ, મેરિટાઇમ બોર્ડના પ્રોજેક્ટનું લોન્ચિંગ, ફાઇબર બ્રોડબેન્ડ પ્રોજેક્ટ, ગ્રામ્યના બે બ્રિજના ઇ-લોકાર્પણ, પીડિયુંમાં સખી વન સ્ટોપ સેન્ટરનું ઇ-ભૂમિપૂજન, ઇન્ડો-અમેરિકન હોસ્પિટલનું ઇ-લોકાર્પણ, નવલખી પોર્ટના વિકાસ કામનું ઇ-ખાતમુહૂર્ત કરાયું
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના 570 કરોડના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, 126 કરોડની સહાયનું વિતરણ : કોર્પોરેશનના રૂપિયા 82.49 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે પધાર્યા છે. જેમાં તેઓએ પ્રથમ રોડ શો યોજ્યા બાદ ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી.જ્યાં તેઓના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત યોજાયા બાદ સહાયનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે જૂની કહેવત છે કે કાઠિયાવાડમાં કોક દિવસ ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન, તારું સ્વર્ગ ભુલાવું શામળા. આ કહેવત બિલકુલ સાચી છે. આજે રાજકોટમાં મેં કાઠિયાવાડની મહેમાનગતી માણી. જે સ્વર્ગથી પણ ચડિયાતી છે. રાજકોટવાસીઓએ ઉત્સાહભેર સ્વાગત કરી વટ પાડી દીધો છે. હવે અમારી ફરજ છે તમારો વટ પાડી દેવાની. વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે નવી ટિમ ખૂબ ઉત્સાહથી કામ કરી રહી છે. જ્યાં પણ અમે અટકશું.
ત્યાં વિજયભાઈ રૂપાણી અને તેની ટિમ તો હશે જ. એટલે અમને કઈ ચિંતા જેવું નથી. આ કાર્યક્રમમાં ઇ ગ્રામ તથા ઓર્ગેનિક ખેતીના એક સંસ્થા સાથે એમઓયુ, મેરિટાઇમ બોર્ડના એક પ્રોજેક્ટનું લોન્ચિંગ, ફાઇબર બ્રોડબેન્ડ પ્રોજેક્ટ અંગે પણ કાર્યક્રમ, ગ્રામ્ય વિસ્તારમાં મોટાવડાથી ખીરસરા વચ્ચે અને કણકોટથી રામનગર વચ્ચે બે બ્રિજનું ઇ-લોકાર્પણ, પીડિયું હોસ્પિટલમાં નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ઇ- ભૂમિપૂજન, ઇન્ડો-અમેરિકન હોસ્પિટલનું ઇ-લોકાર્પણ, નવા સરપંચો માટેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગનાં 570 કરોડના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, 126 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના હસ્તે 15માં નાણાપંચ હેઠળ 102 કરોડના કામોનું ખાતમુહૂર્ત, 125 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જેટલી સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે તેને સરકારી યોજના હેઠળ રૂ. 62 કરોડનું અનુદાન અર્પણ કરવામાં આવ્યુ હતું. જ્યારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ હેઠળ રૂ. 4.78 કરોડ અર્પણ કરવામાં આવી છે.
વધૂમાં મનરેગા હેઠળ જિલ્લાના 84 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 44 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પીએમએવાય યોજના હેઠળ રૂ. 126 કરોડના ખર્ચે તૈયાર થનાર 8271 કામોનું લોકાર્પણ, 89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 5862 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને આવાસની રૂ. 60 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવી હતી.
જ્યારે કોર્પોરેશનના વિવિધ રૂ. 82.49 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર કાર્યક્રમ તેઓએ ચૌધરી હાઇસ્કુલમાં તેમના દ્વારા જ ઇ લોકાર્પણ કરેલી પોર્ટેબલ ઇન્ડો અમેરિકન હોસ્પિટલની વિઝીટ લીધી હતી. ત્યારબાદ તેઓ રૈયા ખાતે રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટની પણ વિઝીટ લઈ તેની સમીક્ષા કરી હતી.
સુશાસન સપ્તાહની પૂર્ણાંહુતી રાજકોટમાં થઈ તે ગૌરવપૂર્ણ વાત: વિજયભાઈ રૂપાણી
રાજકોટમાં આજે સુશાસન દિવસના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં આવ્યા હતા. રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજકોટના દરેક નાગરિકવતી હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત છું. અટલજીને યાદ કરીને રૂપાણીએ જણાવ્યુ હતું કે, દેશ આજે પણ અટલજીને યાદ કરે છે જેના ભાગરૂપે 25 ડીસેમ્બરથી રાજ્યભરમાં સુશાસન દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. અને આજે આ સુશાસન સપ્તાહની પૂર્ણાંહુતી રાજકોટમાં થઈ તે ગૌરવપૂર્ણ વાત કહી શકાય. સતાએ સેવાનું સાધન છે અને હાલની ભાજપ સરકાર પણ દિવસે ને દિવસે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. વધુમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે, દેશભરમાં ગુડ ગવર્ન્સમાં પણ ગુજરાત હાલ પ્રથમ સ્થાને છે. નવી સરકાર જે કામગીરી કરી રહી છે તે શ્રેષ્ઠ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તા: વજુભાઈ વાળા
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા એ ઉર્જાભેર સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે આ એ રાજકોટ છે જેને આંદોલન કરીને ભલભલાને નમાવી દીધા છે. ભુપેન્દ્રભાઈ પટેલનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, આ ચૂંટણી લક્ષી કાર્યક્રમ નથી. આ ભાજપની નીતિ મુજબ કામ કરતા એક શ્રેષ્ઠ કાર્યકરનું સન્માન છે. ભુપેન્દ્ર પટેલ એક કર્મનિષ્ઠ કાર્યકર્તા હતા. તેઓએ ક્યારેય મુખ્યમંત્રી બનવાની અપેક્ષા પણ સેવી ન હતી. તેઓની જાણ બહાર તેઓને સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
રાજકોટવાસીઓએ વટ નહિ જમાવટ કરી દીધી : જીતુભાઇ વાઘાણી
શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે ભુપેન્દ્ર પટેલ અગાઉ અતિવૃષ્ટિ વખતે રાજકોટ આવ્યા હતા. ત્યાર બાદ જાહેર કાર્યક્રમમાં પ્રથમ વખત રાજકોટ આવ્યા છે. રંગીલા રાજકોટે મુખ્યમંત્રીને ઉષ્માભેર આવકાર આપ્યો છે. ભુપેન્દ્રભાઈ એવું કહે છે કે વટ પાડી દીધો પણ હું કહું છું આવું સ્વાગત કરી રાજકોટવાસીઓએ જમાવટ પાડી દીધી. મેં ઘણા સન્માન જોયા પણ આવું ભવ્ય સન્માન ક્યાંય નથી જોયું. આ સરકાર કરેલા કામો માટે લોકોનો એક ભાવ છે. જે આજે પ્રગટ થયો છે.
મુખ્યમંત્રીએ મેયર બંગલે પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોનો કલાસ લીધો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે બપોરે 3:15 વાગ્યા આસપાસ મેયર બંગલે બેઠક યોજી હતી. આ બેઠકમાં પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોની ઉપસ્થિતી રહી હતી. તેઓનો મુખ્યમંત્રીએ કલાસ લીધો હતો. મુખ્યમંત્રીએ રાજકોટ શહેર અંગે વિવિધ મુદ્દાઓ જાણી સૂચનો પણ માંગ્યા હતા. આ સાથે પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસમાં લીધું ભોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. તેઓએ અહીં રોડ-શો અને ડીએચના ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પૂર્વે તેઓએ સર્કિટ હાઉસ ખાતે ભોજન લીધું હતું. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
વાલસુરા નેવી બેન્ડના શાનદાર પરફોર્મન્સે સૌના દિલ જીત્યા
ડીએચ ગ્રાઉન્ડમાં વાલસુરા નેવી બેન્ડના પર્ફોમન્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેવીના જવાનોના અંદાજે 5 મિનિટની ધૂન રજૂ કરી હતી. આ નેવી બેન્ડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જેણે યુકે, યુએસ, ફાન્સ, ઈટલી સહીતના દેશોમાં પર્ફોર્મ કર્યુ છે. જ્યારે પણ નેવીના યુધ્ધ જહાજ અન્ય દેશની સફર પર જાય ત્યારે તેની સાથે નેવલ બેન્ડની ટીમ પણ રહે છે. જે વિદેશમાં સંગીતના સૂરોથી મનોરંજન પૂરૂ પાડે છે. ભારતીય નૌસૈના જવાનો દેશની સુરક્ષા તો કરે છે. પરંતુ દેશ-વિદેશમાં તેમનું બેન્ડ પ્રખ્યાત થયું છે. ભારતીય નૌસેનામાં શિસ્તને અગ્રતા આપવામાં આવે છે. આ શિસ્ત બેન્ડમાં પણ ઉડીને આખે વળગે તેવી છે.