મંગળવારે અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લાના હોદ્દેદારો સાથે ચિંતન બેઠક યોજાયા બાદ આજે રાજકોટ શહેર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને બોટાદ જિલ્લાના હોદ્ેદારોનો ક્લાસ લેવાયા
ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરાબરની ટક્કર આપવા માટે આ વખતે કોંગ્રેસ ગંભીરતા સાથે ચૂંટણીલક્ષી કામગીરી કરી રહી છે. રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસના સંગઠન પ્રભારી, પ્રદેશ પ્રમુખ, સંગઠન સહપ્રભારી અને વિધાનસભાના વિપક્ષીનેતાઓએ ધામા નાંખ્યા છે. ગઇકાલે કોંગ્રેસના 137માં સ્થાપના દિનની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાઓના સંગઠન હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજવામાં આવી હતી.
દરમિયાન આજ સવારથી રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ સંગઠન હોદ્ેદારોને ચૂંટણીલક્ષી હોમવર્ક આપી દેવામાં આવ્યું છે. જૂથવાદ ભૂલી કોંગ્રેસને જીતાડવા માટે એક જૂટ થઇ કામે લાગી જવા હાંકલ કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂંક કરાયા બાદ જાણે ગુજરાતમાં કોંગ્રેસમાં નવા જ ઉત્સવનું સંચાર થયું હોય તેવું લાગી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદ જગદીશ ઠાકોર પોતાનો પ્રવાસ શરૂ કરી દીધો છે. સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના 137માં સ્થાપના દિનની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી.
હાલ પ્રદેશ સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, સહ પ્રભારી જીતેન્દ્ર બધેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષીનેતા સુખરામ રાઠવા રાજકોટમાં છે. ગઇકાલે હેમુ ગઢવી હોલ ખાતે મોક વિધાનસભા યોજી ભાજપ સરકારીના ગાલે તમાંચો મારવામાં આવ્યો હતો.
કાલે બપોર બાદ અમરેલી જિલ્લા, જામનગર જિલ્લા, ભાવનગર જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લા, પોરબંદર શહેર જિલ્લા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ બેઠક કેવી રીતે મળે તે અંગેનો રોડમેપ તૈયાર કરવા તાકીદ કરવામાં આવી હતી.
દરમિયાન આજે સવારથી શહેરના ટાગોર રોડ સ્થિત નાગર બોર્ડીંગ ખાતે 11 કલાકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, 12 વાગ્યે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ, 1 વાગ્યે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ બપોર બાદ 3 વાગ્યે કચ્છ કોંગ્રેસ સમિતિ અને સાંજ 4 કલાકે, બોટાદ કોંગ્રેસ સમિતિના હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજવામાં આવશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના કોંગ્રેસના હોદ્ેદારોના ચૂંટણીલક્ષી કામગીરી માટે હોમવર્ક આપી દેવામાં આવ્યું છે. આગામી એકાદ પખવાડીયામાં પક્ષ દ્વારા ચૂંટણીની વ્યૂહ રચના જાહેર કરવામાં આવશે.