બુટ ખરીદવા નીકળેલા પિતા-પુત્રને નડ્યો જીવલેણ અકસ્માત:પુત્રનો ચમત્કારિક બચાવ
રાજકોટમાં હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં માયાણીચોક વિસ્તારમાં રહેતા વેપારી તેના 12 વર્ષના પુત્ર સાથે બાઈક પર બૂટ ખરીદવા નીકળ્યા હતા ત્યારે માલવિયા કોલેજ પાસે પહોંચ્યાતા પુરપાટ ઝડપે ધસી આવેલી ક્રેટા કારે તેના બાઇકને હડફેટે લેતા પિતાનું તેના પુત્રનીનજર સામે મોત નીપજ્યું હતું. જયારે પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.બનાવની જાણ પોલીસને થતાસ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ નાશી છૂટેલા કાર ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે બનાવની મળતી માહિતી મુજબ માયાણીચોકમાં રહેતા અને પ્લાયવૂડના વેપારી પ્રશાંતભાઇ મોહનભાઇ મેણપરા (ઉ.વ.37) રવિવારે સાંજે તેના પુત્ર ડ્રિમ્સ મેણપરા (ઉ.વ.12)ને લઇ બૂટ ખરીદવા બાઇક પર નીકળ્યા હતા.પિતા પુત્ર ગોંડલ રોડ પર માલવિયા કોલેજથી થોડે દૂર ગુરુકુળ તરફ પહોંચ્યા હતા ત્યારે પાછળથી સફેદ કલરની ક્રેટા કાર પુરપાટ ઝડપે ઘસી આવી હતી.અને કારે બાઇકને ઠોકરે લેતા પિતા પ્રશાંતભાઇ અને તેનો પુત્ર ડ્રિમ્સ બાઇક પરથી ફંગોળાયા હતા.
બાઇક પરથી ફંગોળાયેલા પ્રશાંતભાઇને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયા હતા, જ્યારે માસૂમ ડ્રિમ્સનો ચમત્કારિક બચાવ થયો હતો.ઘટનાને પગલે ટોળે વળી ગયેલા લોકોએ પ્રશાંતભાઇને તાકીદે હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે નાસી છૂટેલા કારચાલકની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. પુત્ર માટે બૂટ ખરીદવા ગયેલા પ્રશાંતભાઇના આકસ્મિક મૃત્યુની જાણ થતાં મેણપરા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.