૭ વર્ષથી ઈમાનદારીથી કામ કરતા મેલેરિયા સ્વંય સેવકોને કાયમી કરાતા નથી: ગમે ત્યારે છૂટા કરી દેવાય છે: લાચાર સ્વંયસેવકો ‘અબતક’ની મૂલાકાતે
રાજકોટ મહાનગરપાલીકાના નિભંર શાસકો અને દિશાહીન અધિકારીઓના પાપે મેલેરિયા વિભાગના ૧૭૦ સ્વંય સેવકોની રોજીરોટી પર સતત ખતરો ઝળુંબી રહ્યો છે.આજે ‘અબતક’ મીડિયા હાઉસની મૂલાકાતે આવેલા સ્વંયમ સેવકોએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતુ કે,૧૭૦ મેલેરીયા સ્વયં સેવકો જે મેલેરીયા, ચીકનગુનીયા ડેંગ્યુ, બ્લડ સ્લાઈડ જેવી વિવિધ આરોગ્યલક્ષી કામગીરીઓ કરે છે. આ કામગીરી ૬ થી ૭ વર્ષથી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કરતા હોવા છતાં રાજકોટ મહાનગરપાલીકાના મેલેરીયા વિભાગમાં સ્વયં સેવકોની ભરતી કરવામાં આવતી નથી. એક તરફ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ગુજરાતને મેલેરીયા મૂકત કરવાનું પ્રણ લીધું છે. ત્યારે બીજી બાજુ સ્થાનિક સ્તરે અણધડત વહીવટના કારણે વધુ પાણીઢોળ થઇ જશે તેવી હાલત રાજકોટ મહાનગરપાલીકાની અત્યારે થઈ રહી છે. હાલમાં રાજકોટમાં જયારે રોગચાળાએ માથું ઉંચકયું છે. ત્યારે મહાપાલીકા દ્વારા ખૂબ ઓછા સ્ટાફ છતાં આરોગ્ય શાખાના મેલેરીયા વિભાગમાં કામગીરી ખૂબ સારી થઈ રહી છે. તેવા બણગા ફૂંકવામાં આવે છે. હકિકતમાં સાચી હકિકત એ છેકે આરોગ્યને લઈને રાજકોટની જનતા રોગચાળા સામે અસુરક્ષીત મહેસુસ કરી રહી છે. તેનું આરોગ્ય શાખામાં ઓછો સ્ટાફ છે.તેઓએ ઉમેર્યું હતુ કે રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય શાખામાં મેલેરીયા વિભાગમાં ૧૯૭૯ સાલનું બહુ જૂનુ સેટઅપ છે. કોઠારીયા વાવડી જેવા મોટા વિસ્તારો રાજકોટ મહાનગરપાલીકામાં ભળ્યા હોવા છતાં હજુ મેલેરીયા શાખાનું મહેકમ કરાયું નથી. કાયમી હોય તેવા ફિલ્ડ વર્કરો કામ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય શાખામાં છેલ્લા ૭ વર્ષથી લેખીત રજુઆત મૌખીક રજૂઆત જાહેર રેલી જેવી ઘણી બધી રીતે ભરતીનાં પ્રશ્ર્નો માટે રજુઆત કરવામાં આવી પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી મેલેરીયા સ્વયં સેવકો સાથે રાગદ્વેશની નીતિ રાખતા હોવાથી મેલેરીયાના સ્વયં સેવકોને મજબુરીમાં કોર્ટના દરવાજા ખટખટાવવા પડયા છે.હાલમાં રાજકોટની વસ્તી આશરે ૧૭ લાખ જેવી છે. જયારે મેલેરીયા શાખાનો સ્ટાફ માત્ર ૮૦ કરતા પણ ઓછો છે જેમાં ઉમરલાયક કામદારો પણ છે. હવે નિવૃત્તિના દિવસો ગણી રહ્યા છે. રાજકોટમાં રોજ ચીકનગુનીયા, ડેંગ્યુ, મેલેરીયા અને સ્વાઈન ફલુ જેવા ગંભીર રોગો માથું ઉંચકી રહ્યા છે. ત્યારે તંત્રને રાજકોટની પ્રજાના આરોગ્યની શું ચિંતા નથી તે એક પ્રશ્ર્ન છે. હાલ રાજકોટ મહાનગરપાલીકાના મેલેરીયા સ્વયં સેવકોના ઘર દીઠ ‚ા.૨ એટલે એક દિવસના ‚ા. ૧૦૦ માનવ વેતન આપવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં રાજકોટ મેલેરીયા મૂકત કયાંથી બને તે જોવાનું કામ તંત્રનું રહે છે. પોતાનો અહમ અને રાગદ્વેશ છોડી રાજકોટની પ્રજાના આરોગ્ય અને સુખાકારી માટે રાજકોટ મહાનગરપાલીકાના મેલેરીયા વિભાગમાં અપૂરતો સ્ટાફ છે. તેમાં મેલેરીયા સ્વયં સેવકોની ભરતી કરવામાં આવે તેવી વિનંતી કરી છે. સાથોસાથ માંગણી સ્વિકારવામાં નહી આવે ઉગ્ર આંદોલન આપવામા આવશે તેવી ચીમકી આપી છે.