અટલજીએ કેન્દ્રમાં રાષ્ટ્રવાદી સરકાર રચી શરૂ કરેલી “વિચાર વિજય યાત્રા” નરેન્દ્રભાઇ મોદીએ ખરા અર્થમાં વ્યાપક બનાવી: રાજુભાઇ ધ્રુવ
અબતક,રાજકોટ
દેશ ની એકતા ,અખંડિતતા અને સંસદીય લોકશાહી ના ઉપાસક,ભારતમાતા ના પનોતા પુત્ર અટલ બિહારી વાજપેયીજી ને જન્મદિવસે શત શત નમન કરતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે અટલજી એટલે ભારતીય રાજનીતિમાં એક મુઠ્ઠી ઊંચેરૂ, અજાતશત્રુ વ્યક્તિત્વ. કવિ હૃદયના પણ દેશહિતમાં નિર્ણયોમાં હંમેશા અટલ રહેનારા એવા અટલજી.
ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજીના 97મા જન્મદિવસ તરીકે મહત્વનો છે. આજે અટલ બિહારી બાજપેયી સદેહે આપણી વચ્ચે હાજર નથી પણ તેમના વિચારો અને સમગ્ર જીવનની દરેક ઘટનાઓ આપણી સામે આદર્શ બનીને એક મશાલની જેમ ઝળહળે છે. અટલજીએ પાયાના પથ્થર બનીને જનસંઘથી ભાજપ સુધીની વિચાર વિજય યાત્રાને આગળ ધપાવી જેના પરિણામસ્વરૂપે તેમના રાજનૈતિક આદર્શોને ચરિતાર્થ કરવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એ યાત્રાને સફળતાપૂર્વક આગળ ધપાવી તેમના સંકલ્પો તથા અધૂરા કાર્યો પુરા કરવા લોકકલ્યાણ અને વિકાસ ની વણથંભી યાત્રા ને આગળ વધારી રહ્યા છે. આવા વિરાટ વ્યક્તિત્વના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનું આચમન આજે પ્રેરણારૂપ બની રહેશે.
અટલજીના રાજકીય જીવનની વાત કરીએ તો છ દાયકા કરતા પણ વધારે સમય સુધી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં તેમના ઉપર કોઈ આક્ષેપ મુકવાની વાત તો દૂર ખાલી આંગળી ચીંધવી પણ અશક્ય છે. પોતાના પક્ષ માટે તો ઠીક વિપક્ષ માટે પણ પ્રેરણાદાયી રાજપુરુષ તરીકે જાણીતા અને માનીતા અટલજીનું રાજકીય જીવન હંમેશા સિદ્ધાંતવાદી, વિચારશીલ અને એકનિષ્ઠ રહ્યું છે. સામાન્ય રીતે લોકોની વિચારધારા સમયને આધીન હોય છે એટલે કે વ્યક્તિ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે જે વાતનો વિરોધ કરતા હોય અને સત્તામાં આવે ત્યારે એ બાબતે ચૂપ થઇ અલગ વલણ લેતા હોય છે. અટલજી આમાં અપવાદ રહ્યા. તેમના રાજકીય વિચારોનું વહેણ ક્યારેય બદલાયું નહી, પણ ઉલ્ટુ તેમણે પોતાનું સમગ્ર જીવન પોતાની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી વિચારધારા માટે અને દેશના દરેક સામાન્ય માણસ -છેવાડાના માણસ માટે સમર્પિત કરી દીધું.
25 ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા અટલજી પહેલેથી જ રાષ્ટ્રવાદના વિચારબીજ લઈને આગળ વધી રહ્યા હતા. એક સાચા સમર્પિત કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ થઈ. સ્થાનિક કક્ષાની નાનીમોટી જવાબદારી સંભાળી અને જોતજોતામાં યુવા અટલનો દેશપ્રેમ અને પ્રતિભા દરેક વ્યક્તિ સુધી પહોંચી ગયા.એ અરસામાં 1951માં ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના કર્યા પછી તેને જનજન સુધી કેવી રીતે પહોંચાડવો એ બહુ મોટો પડકાર હતો. જો જનસંઘની વિચારધારા દેશના દરેક નાગરિક સુધી પહોંચે તો જ તેનું નામ અને કામ બંને સિદ્ધ થાય એમ હતું. આ કામ માટે ડો. મુખરજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજી પાસે વિચારધારા ને વરેલા કાર્યકર્તાઓ ની મદદની ટહેલ નાંખી, ત્યારે ગુરુજીએ આ જવાબદારીનો કળશ પંડિત દીનદયાળજી તથા અન્ય વરિષ્ઠ સંઘ પ્રચારકો ની સાથે અટલજી સહિત ના થોડા અગ્રણીઓ ઉપર ઢોળ્યો.
અટલજીની પ્રતિભાને મોટું ફલક મળે એટલી જ વાર હતી. થોડા સમયમાં જ જનસંઘની નીતિઓ અને નિવેદનો ઉપર અટલજીનો પ્રભાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો. અટલજી પણ જાણે દેશની તત્કાલિન પરિસ્થિતિને પલટાવવા પડકાર ફેંકતા હોય એમ કમર કસીને કામે લાગી ગયા. આખા દેશ માં અગણિત પ્રવાસો, અસંખ્ય પ્રવચનો, સેંકડો બેઠકો કે કોઈ હિસાબ વગરના પ્રશ્નોનું નિરાકરણ લાવતા લાવતા 1968માં તેઓ પ્રથમ વખત ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને 1973 સુધી પ્રમુખપદે રહ્યા. ત્યારબાદ દેશના રાજકીય સંજોગો બદલાતા રહ્યા અને 1977માં જનતા પાર્ટીનો પાયો નંખાયો ત્યારે પણ તેના પાયાના પથ્થર બન્યા. જનતા પાર્ટીની પ્રથમ સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે ભારત દેશનું નામ આખી દુનિયામાં ગુંજતું કર્યું. રાજકીય વિરોધીઓના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા અને તેમની નીતનવી પેરવીઓને જડબાતોડ જવાબ આપવા, દેશપ્રેમનો જુવાળ જગાવવા માટે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ.
16 મે 1996ના રોજ અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા તેના તેરમા દિવસે જ વિચારધારા ને વળગી રહેવા ને કારણે તેનો કાર્યકાળ ખૂબ ટૂંકા સમય માં સમાપ્ત થઇ ગયો હતો. ત્યારબાદ 1998માં ફરી એક વખત તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને તેર મહિના સુધી વડાપ્રધાન તરીકે રહ્યા. અટલજી માટે સત્તા ક્યારેય રાજનીતિનું કેન્દ્ર નથી રહી. તેમના માટે વિચારધારા જ સર્વોપરી હતી. નસેનસમાં દોડતો રાષ્ટ્રપ્રેમ અને દરેક લોકો પ્રત્યે સમાન આદરની વિચારધારા તેમના રોમેરોમમાં વણાઈ ગઈ હતી.
આ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ સતત વધતો જતો હતો આની સાથે સાથે એક છૂપો પડકાર પણ વધારેને વધારે વિકટ બની રહ્યો હતો કે દેશના ખૂણેખૂણે ફેલાયેલા દરેક કાર્યકરને એક જ વિચારધારા સાથે જોડી રાખવા. ૈઆ માટે અટલજીએ લાલકૃષ્ણ અડવાણીજી ની સાથે દેશપ્રેમ અને વિચારધારાનો ભેખ ધર્યો અને સમર્પિત કાર્યકરોની એક એવી પેઢી ઉભી કરી કે જે આવતા બેચાર દાયકા સુધી દેશનું નેતૃત્વ કરીને દેશને સાચી દિશામાં આગળ વધારી શકે. 1999માં અટલજી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે સંજોગો અલગ હતા અને એકલા ભારતીય જનતા પાર્ટીને બદલે આખા દેશમાં ફેલાયેલા નાના મોટા ચોવીસ જેટલા પક્ષને સાથે રાખીને આગળ વધવાનો સમય આવ્યો. ત્યારે પણ માત્ર સત્તાના સાથીદાર નહિ પણ સેવાના ભાગીદાર બનાવીને ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની રચના કરી અને દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સરકારનું સુકાન સંભાળ્યું. તે સમયે આપણી પચાસ વર્ષની લોકશાહીની સફરમાં આ પ્રકારની સરકારનો વિચાર અટલજીએ સાકાર કરી બતાવ્યો શરૂઆતમાં ઘણા લોકોને આ ગઠબંધનની સફળતા ઉપર શંકા હતી પણ પોતાના કર્મ થકી વિરોધીઓના માનસ ઉપર વિજય મેળવવાની આવડતને કારણે અટલજી આ અગ્નિ પરીક્ષામાં પણ સો ટચનું સોનુ સાબિત થઈને ખરા ઉતર્યા. અટલજીની રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની સરકારે એવા કાર્ય કરી બતાવ્યા કે જે આવતા અનેક વર્ષો સુધી કોઈ પણ સરકાર માટે એક આદર્શ માપદંડ સાબિત થાય.
અહીં આપણે અટલજીના જીવનની ભાગીરથીમાંથી આચમની ભરી રહ્યા છીએ ત્યારે આપણે જેમ આમાંથી પસાર થતા જઈએ એમ વિચાર આવે કે અટલજીની વિચારધારાની અને તેમના દેશપ્રેમની એક આખી પેઢી ઉપર કેવી અસર થઇ હશે? આનો ખ્યાલ મેળવવા માટે અટલજીના જીવનમાં બનેલી એકાદબે ઘટનાનો ઉલ્લેખ પૂરતો છે. જેને ખુદ અટલજીએ અત્યંત સંવેદનાસભર ગણાવી હતી. “મારા જુના ચૂંટણીક્ષેત્ર એવા બલરામપુરમાં એક વખત કોઈએ એક કાર્યકર્તાને ગોળી મારી દીધી. ગોળી શરીરને વીંધીને કરોડરજ્જુના મણકા પાસે ફસાઈ ગઈ. ઓપરેશન માટે તે કાર્યકર્તાને દિલ્હી લાવવામાં આવ્યો. હું હોસ્પિટલમાં તેના ખબર અંતર પૂછવા ગયો અને છુટા પડતી વખતે મેં કહ્યું, “જુઓ હિમ્મત ન હારતા.” તો કાર્યકર્તાએ જવાબ આપ્યો કે, “આપની પાછળ ચાલવાવાળો કદી હિમ્મત હારે ખરો?”
તેની આ ખુમારી જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. મૃત્યુના મુખમાં પડેલો એક સાચો કાર્યકર્તા કેટલો હિમ્મતવાળો હોય છે. આવા કાર્યકર્તાને અને આવા કાર્યકર્તાથી ભરેલી પાર્ટીને કોણ હરાવી શકે?”
આવી જ એક બીજી ઘટના છે, “એ વખતે હું શિમલામાં હતો અને ચૂંટણીનો માહોલ પૂરજોશમાં હતો. ભારે ઠંડીના દિવસો હતા. ચાલુ સભામાં હિમવર્ષા થવા લાગી. મેં સામાન્ય કપડાં પહેર્યા હતા. મારી પાસે સ્વેટર, શાલ કે મફલર કઈ ન હતું. હું રીતસર ધ્રૂજતો હતો. એટલામાં એક સજ્જને સભામાંથી આગળ આવીને પોતાનું ગરમ મફલર મારા ગળામાં વીંટાળી દીધું. એક પણ શબ્દ બોલ્યા વગર તે પાછા નીચે બેસી ગયા. હું તેમને ધન્યવાદ પણ ન આપી શક્યો. જયારે જયારે હું આ મફલર પહેરું છું ત્યારે એવું લાગે છે કે કરોડો હાથ મને હૃદયના સાચા પ્રેમથી લપેટે છે. જનતાનો સ્નેહ અને કાર્યકર્તાઓનો વિશ્વાસ પ્રગટ કરનાર આ બે ક્ષણો મારા માટે અવિસ્મરણીય છે.”
આ બંને ઘટનાઓ તેમના પ્રત્યેના પ્રચંડ જનસમર્થન અને પ્રભાવને સમજવા માટે પૂરતી છે.
અટલજી માટે સમગ્ર ભારત એક હતું અને તેમાં વસતા દરેક ભારતીય માટે તેમને એક સરખી લાગણી હતી. ગુજરાત સાથે પણ અટલજીનો અતૂટ નાતો રહ્યો છે. 1979માં મોરબીમાં આવેલા વિનાશકારી પૂરની ઘટના હોય કે 2002માં આવેલો ભૂકંપ હોય અટલજીએ દરેક વખતે અંગત રસ લઈને ગુજરાતને આપદામાંથી બહાર કાઢ્યું છે.સામે ગુજરાતની જનતાએ પણ અટલજી ઉપર બિનશરતી પ્રેમની લ્હાણી કરી છે. એક વખત અમદાવાદમાં રાત્રે દસ વાગ્યે અટલજીની જાહેરસભા હતી. પરંતુ કોઈ અનિવાર્ય કારણોસર અટલજી છેક રાત્રે બે વાગ્યે પહોંચ્યા તો પણ હજારો શ્રોતાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. મંચ ઉપરથી અટલજીએ જયારે કહ્યું, “યહ રાત્રી જાગરણ રંગ લાયેગા….રાત કટ જાયેગી, અંધેરા છટ જાયેગા, સુબહ નિકલ આયેગી, કમલ ખીલ જાયેગા !” ત્યારે ત્યાં હાજર દરેક લોકો માટે એ કોઈ સામાન્ય ભાષણ નહીં પણ પોતાના પ્રિય નેતાના આશીર્વાદ હતા.
અટલજીની વાણીમાં જીવનભરના તપનો એવો રણકો હતો કે સામેની વ્યક્તિ તેમાં ખેંચાય વગર રહે જ નહીં. અટલજીએ પોતાના જીવન દરમિયાન દેશપ્રેમ અને પ્રખર રાષ્ટ્રવાદને આધારે વિકાસનો જે રસ્તો તૈયાર કર્યો તેના ઉપર આગળ જતા તેના અનુગામી અને અંશ સમાન શ્રી નરેન્દ્ર મોદીએ ફાઈટર પ્લેન ઉતરી શકે એવો ડબલ એક્ષપ્રેસ હાઇવે તૈયાર કર્યો. તેના આપણે સૌ સાક્ષી છીએ. એક સમયે એક સીટ માટે પણ જે પાર્ટી સંઘર્ષ કરતી હતી.
લોકલાડીલા નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિને રાજકોટ સાથેનું સંભારણું
સંભારણું: અટલ બિહારી વાજપેયી રાજકોટમાં અરવિંદભાઇ મણીઆરના નિવાસ સ્થાને પધારેલા તે સમયની તસ્વીરમાં ડાબેથી કલ્પકભાઇ મણીયાર, જાણીતા વકીલ અનિલભાઇ દેસાઇ અને ગુણવંતભાઇ ડેલાવાળા દ્રશ્યમાન થાય છે.