ભાજપના 3600 કાર્યકરો 19 દિવસ સુધી વિસ્તારક તરીકે નીકળશે: શાળા-કોલેજોમાં પણ યુવા મિત્ર જોડો અભિયાન હાથ ધરાશે
અબતક-રાજકોટ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે કમલમ ખાતે યુવા મોરચાના 1800 વિસ્તારકોને પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 12 જાન્યુઆરી સુધી યુવા મોરચા દ્વારા વિસ્તારક યોજના થકી યુવા મિત્રો જોડો અભિયાન હાથ ધરાશે. પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, અટલબિહારી વાજપેયજીના જન્મજંયતી (સુશાસન દિવસ) થી 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજંયતી (યુવા દિવસ) સુધી 19 દિવસ યુવા મોરચાના 3600 કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નીકળી યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ હાથ ધરશે.
આ વિસ્તારક યોજનામાં વિસ્તારકો ત્રણ તબક્કામાં કામ કરશે. 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી પહેલા તબક્કામાં યુથ ચલા બુથ થકી દરેક બુથમાં જઇ પેજ સમિતિના માધ્યમથી નવા ઉમેરાયેલા મતદારોનો સંપર્ક કરી ભાજપમાં જોડશે. બીજો તબક્કો એટલેકે 1 જાન્યુઆરીથી લઇ 7 જાન્યુઆરી સુધી સ્કૂલ, કોલેજ, કલાસીસ, જાહેર સ્થળો પર યુવાનોનો સંપર્ક કરી ભાજપમાં જોડશે અને ત્રીજા તબક્કામાં 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન નવા જોડાયેલા યુવાનોનું વિધાનસભા સહ મોટી સંખ્યામાં યુવા સંમેલન કરશે.જેમાં પેજ સમિતિના માધ્યમથી 18 થી 35 વર્ષના યુવાનોને જોડી વન બુથ 20 યુથનું ગઠન કરાશે. નમો એપ ડાઉનલોડ કરવાનું કામ હાથ ધરાશે. બુથ સહ 100 યુવાનોને મિસ યુવા મિત્ર અભિયાનમાં જોડશે. સ્કૂલ, કોલેજો, હોસ્ટેલો, મોટા ટ્યુશન ક્લાસીસ, યુનિવર્સિટી વગેરે સ્થાન પર યુવા મિત્ર જોડો અભિયાન ચલાવશે.
પ્રતિભાશાળી યુવાન જેવા કે રમતવીરો, ગોલ્ડ મેડાલિસ્ટ, કલાકારો વગેરેનો સંપર્ક કરી ભાજપમાં જોડશે. યુવાનો દ્વારા ચાલતી વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓનો સંપર્ક કરશે. યુવા જોડો અભિયાન માટે વિવિધ સ્થળો પર વોલ રાઇટીંગ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ માટે ટોલ ફ્રી નંબર (02612300000) દરેક યુવા મિત્ર સુધી પહોંચાડશે. છેલ્લાં 1 વર્ષમાં મતદાર બન્યા હોય તેવા યુવાનોનો સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડશે. ગામમાં કોરોનાકાળ દરમિયાન સેવા કામ કર્યું હોય તેવા યુવા કોરોના વોરિયર્સનો સંપર્ક કરશે. ગામમાં એક દિવસ યુવા સંમેલન રાખી દેશના યુવા આદર્શ વિવેકાનંદજી, છત્રપતી શિવાજી મહારાજ, શહિદ ભગતસિંહ, શહિદ ચંદ્રશેખર આઝાદ જેવા મહાપુરૂષોના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો વિષે યુવાનોને માહિતગાર કરાશે. યુવાનો દ્વારા ગામના મુખ્ય મંદિરની સ્વચ્છતા તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરશે. આગામી તા.13 થી 23 જાન્યુઆરી દરમિયાન આયોજીત રક્તદાન શિબિર અંતર્ગત રક્તદાતાનું નામ, સંપર્ક નંબર અને બ્લડ ગ્રુપ સાથેની યાદી તૈયાર કરવામાં આવશે.