છ મહિનાની અંદર ફ્લેક્સ એન્જિન વાહનોને લોન્ચ કરવા માટે તમામ ઓટોમેકર્સને સૂચનાઓ જારી કરતા કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી
પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઓટો કંપનીઓ ટૂંક સમયમાં બજારમાં ડ્યુઅલ એન્જિનવાળા વાહનો લાવશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે ફ્લેક્સ એન્જિન વાહનોને લોન્ચ કરવા માટે તમામ ઓટોમેકર્સને સૂચનાઓ જારી કરવામાં આવી છે અને તેને છ મહિનાની અંદર અમલમાં મૂકવી પડશે.
ગડકરીએ કહ્યું કે, “બુધવારે જ મેં ફ્લેક્સ એન્જિન માટે એડવાઈઝરીમાં હસ્તાક્ષર કર્યા છે અને કંપનીઓ પાસે તેનો અમલ કરવા માટે છ મહિનાનો સમય છે.” વાહનોમાં વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે સરકાર ફ્લેક્સ એન્જિનવાળા વાહનો માટે દબાણ કરી રહી છે. આવા વાહનો એક કરતા વધુ ઈંધણ પર ચાલી શકે છે. ફ્લેક્સ ફ્યુઅલ એ પેટ્રોલ અને મિથેનોલ અથવા ઇથેનોલનું મિશ્રણ છે, જે ઓછા પ્રદૂષણ સાથે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં 100 ટકા ઇથેનોલ પર ફોર વ્હીલર ચલાવવાનું લક્ષ્ય છે. પછી આપણને પેટ્રોલની જરૂર નહીં પડે અને વૈકલ્પિક ઈંધણમાંથી લાખો કરોડ રૂપિયાની બચત થશે. ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ પણ ફ્લેક્સ એન્જિનવાળા ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું ઉત્પાદન શરૂ કર્યું છે.
ઓટોમોબાઈલ ડીલર ઓર્ગેનાઈઝેશન એફએડીએએ કોવિડના નવા વેરિઅન્ટને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે એક મોટું જોખમ ગણાવ્યું છે. એફએડીએના પ્રમુખ વિંકેશ ગુલાટીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઓમિક્રોનના વધતા જોખમે સમગ્ર વિશ્વમાં ભય ફેલાવવાનું શરૂ કર્યું છે. પહેલેથી જ ચાલી રહેલી સેમિકન્ડક્ટર કટોકટીની વચ્ચે, રોગચાળાના પુનરુત્થાનથી વાહન પુરવઠા પર ખરાબ અસર પડશે. આના કારણે 2022ના પહેલા છ મહિનામાં ઓટો કંપનીઓના બિઝનેસ, વેચાણ અને સપ્લાયને ભારે નુકસાન થઈ શકે છે.
જો કે, સેમિકન્ડક્ટર સપ્લાય બીજા અર્ધભાગથી સામાન્ય થવાની ધારણા છે, ત્યારબાદ માંગમાં વધારો થશે. જો કોરોના સંપૂર્ણ રીતે પસાર થઈ જાય, તો 2023 માં ઓટોમોબાઈલ ઉદ્યોગ પાછું પાટા પર આવી શકે છે અને વેચાણ ફરીથી કોવિડ પહેલાના સ્તરે પહોંચી જશે.
ગુલાટીએ કહ્યું કે ટુ-વ્હીલર માર્કેટ દબાણ હેઠળ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી ઘટતી માંગને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ટુ-વ્હીલરનું વેચાણ સતત ઘટી રહ્યું છે. જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો ટુ-વ્હીલર માર્કેટ પર વધુ અસર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, એફએડીએ સમગ્ર દેશમાં 15,000 ડીલરો અને 26,500 ડીલરશીપનું પ્રતિનિધિત્વ કરે છે.
ફ્લેક્સ એન્જીન એટલે શું ?
ફ્લેક્સ ફ્યુલ ધરાવતા વ્હીકલ્સની ટેંકમાં અનેક પ્રકારનાં ફ્યુલ નાખી શકાય છે. વાહન પેટ્રોલ, પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ વગેરે જેવાં કોઈપણ પ્રમાણમાં અથવા શુદ્ધ ઇથેનોલથી પણ ચલાવી શકાય છે. આ માટે પેટ્રોલ એન્જિનમાં ફ્યુલ પંપ અને કન્ટ્રોલ મોડ્યુલમાં ફેરફાર કરવામાં આવે છે.
ફ્લેક્સ એન્જીનથી શુ ફાયદા થશે ?
આ એન્જિનમાં ઉપયોગનામાં આવનારા ઇથેનોલના મિશ્રણવાળા પેટ્રોલની કિંમત લિટર દીઠ 60-62 રૂપિયા હશે. એટલે કે લિટર દીઠ 35-40 રૂપિયાની બચત થશે. તેનાથી પેટ્રોલના ઉપયોગ પર તો નિર્ભરતા ઘટશે જ અને સાથે દેશમાં પ્રદૂષણનું સ્તર પણ ઘટશે.
100 ટકા ઇથેનોલ વાપરવાનો લક્ષ્યાંક
ભારતના મોટાભાગના રાજ્યોમાં અત્યારે પેટ્રોલમાં 0%થી 5% ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે. અનેક રાજ્યોમાં 10% સુધીનું ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. સરકારે આગામી બે વર્ષમાં 20% ઇથેનોલ મિશ્રિત ફ્યુલ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારબાદ 100% ઇથેનોલથી ચાલનારા વ્હીકલ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.